ગૌરવ:નેશનલ ગેમ્સમાં વડોદરાને મલખંભ, હેન્ડબોલ,TT, જુડોની યજમાની મળશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOI-ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના સભ્યોએ 6 ગેમ્સની સમીક્ષા કરી
  • વડોદરાને અન્ય કઇ રમતો આપવી અને કયાં ગ્રાઉન્ડ પર રમાડવી તે નક્કી કરાશે

ગુજરાતને પહેલીવાર નેશનલ ગેમ્સની યજમાની મળી છે, પણ સાથે જ વડોદરામાં પણ આ પૈકીની કેટલીક રમતો યોજાવાની છે. જોકે તે અગાઉ વડોદરામાં કેટલાં ગ્રાઉન્ડ્સ છે, તેમાં કઇ કઇ સુવિધા છે, કયા ફેરફાર કરવા પડે તેમ છે તેની તપાસ માટે નેશનલ ગેમ્સની ઇન્સ્પેક્શન ટીમ વડોદરા આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી ગુરુવાર સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના સભ્યોએ રોકાઇને 6 ગેમ્સ રમાડી શકાય તે માટેની સમીક્ષા કરી હતી. આ મુજબ વડોદરાને નેશનલ ગેમ્સમાં મલખંભ, હેન્ડબોલ, ટેબલ ટેનિસ અને જુડોની રમત ફાળવી શકાય તેમ છે.

કારણ કે કમિટીના સભ્યો આ સુવિધાથી સંતુષ્ટ હતા. બીજું ટેબલ ટેનિસ, જુડોની નેશનલ-સ્ટેટ લેવલની સ્પર્ધા પણ અહીં રમાઇ ચૂકી છે. વડોદરા મલખંભ ક્ષેત્રે વર્ષોથી અગ્રણી છે. જ્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખોખોની યજમાની મળી શકે છે. આ વિશે જિલ્લા રમત ગમત અધિકારી કેતુલ મહેરિયાએ જણાવ્યું કે, ‘આ આયોજન વ્યાપક હોવાને લીધે ઇન્સ્પેક્શન ટીમ આ મહિને જ વડોદરા આવી જશે.

વડોદરામાં જે મેદાનો છે તે કઇ કઇ રમતો માટે અનુકૂળ છે, ખાસ કરીને ખેલાડીઓના રોકાણ માટે કેટલી સુવિધા અને વિકલ્પો ઉપલબ્ધ છે તેની પણ સમીક્ષા કરાશે. જે બાદ શહેરને કેટલી રમતો આપવી અને તેને કયાં ગ્રાઉન્ડ્સ પર રમાડવી તે નક્કી કરવામાં આવશે.’

વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સીઇઓ રોહન ભણગેને સુવિધા વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘વડોદરામાં સમા અને માંજલપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ખેલાડીઓના રોકાણની સુવિધા છે. પણ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અગાઉથી જ આપેલું છે. બીજી તરફ નેશનલ ગેમ્સના ખેલાડીઓને થ્રી સ્ટાર હોટેલમાં રોકાણની સુવિધા આપવાની હોવાથી સ્ટેડિયમમાં રાખી શકાશે નહીં.’

નેશનલ ગેમ્સમાં રગ્બીનો સમાવેશ થશે?
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રગ્બીની રમત માટે મેદાન કેટલું તૈયાર છે તેવી પૃચ્છા પણ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ અંગે વધુ સ્પષ્ટતા થઇ નથી. રગ્બીનો સમાવેશ નેશનલ ગેમ્સમાં થાય તો તેની કેટલીક ગેમ્સ વડોદરામાં રમાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...