વડોદરા તાલુકા પોલીસ દ્વારા વર્ષ-2021-22માં પકડવામાં આવેલો રૂપિયા 54.39 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો નાશ વડોદરા નજીક કોટાલી ગામની સીમમાં કરવામાં આવ્યો હતો.
બોટલો પર બુલડોઝર ફેરવાયું
વડોદરા તાલુકા પોલીસ દ્વારા વર્ષ-2021-22 દરમિયાન પ્રોહિબિશનના 39 કેસ કરવામાં આવ્યા હતા અને 27,791 દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી હતી. રૂપિયા 54,39,779ની કિંમતનો દારૂનો નાશ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા હુકમ કરાતા આજે વડોદરા નજીક કોટાલી ગામની સીમમાં ટેમ્પોમાં દારૂ ભરીને લઇ જવાયો હતો અને દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓ હાજર રહ્યા
દારૂનો નાશ કરવાની કામગીરી સમયે ઇન્ચાર્જ પોલીસ વડા બી.એચ. ચાવડા, સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ મયંક પટેલ, નશાબંધી પી.આઇ. ભરત તડવી, તાલુકા પોલીસ મથકના સિનિયર પી.એસ.આઇ. વી.જી. લાંબરીયા અને તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એસ. જે. રાઠવા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.
દારૂના નશામાં પુત્રએ પિતાને માર માર્યો
વડોદરા શહેરના જૂના છાણી રોડ ખાતે આવેલ સુરભી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રિભુવનદાસ ધુળભાઈ રોહિત રેલવેમાંથી નિવૃત્ત થયા છે. તેઓને બે પુત્ર છે. તે પૈકીનો એક પુત્ર રમેશ ઉર્ફે ચકો તથા તેની પત્ની ત્રિભુવનભાઈ સાથે રહે છે. મોડી રાત્રે તેમનો પુત્ર ચકો રીક્ષા ચલાવીને રાત્રે ઘરે દારૂ પીને આવ્યો હતો અને મકાનનો દરવાજો ખોલાવવા તેની પત્ની લતાને બુમો પાડી ગાળો આપી રહ્યો હતો.
પત્નીએ દરવાજો ખોલ્યો
ગભરાયેલા લત્તાબેને દરવાજો ખોલ્યો ન હતો અને ચકાના પિતા ત્રિભુવન ભાઈએ દરવાજો ખોલતા કહ્યું હતું કે, તું જાતે જમી લે, અત્યારે શું કામ તારી પત્નીને જગાડે છે? તેમ કહેતા પુત્ર પિતા સાથે બોલાચાલી શરૂ કરી ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન ઉસકેરાઈ ગયેલા ચકાએ ઘરમાં પડેલ ટીપોઈ ઉઠાવીને વૃદ્ધ પિતાના માથામાં મારતા તેઓ લોહી લુવાણ થઈ ગયા હતા. તેમજ નાકના ભાગે પણ ગંભીર ઈજા થઈ હતી.
પત્ની હોસ્પિટલ લઇ ગઇ
ચકાની પત્નીએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવતા 108 મારફતે ઇજાગ્રસ્ત વૃદ્ધને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ મામલે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.