વળતરની માંગ:કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને 4 લાખનું વળતર આપવાની માંગ સાથે વડોદરા તાલુકા કોંગ્રેસે મામલતદારને આવેદન પત્ર આપ્યું

વડોદરા4 મહિનો પહેલા
કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સરકારી હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
  • કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વિવિધ માંગો સાથેના પ્લેકાર્ડ સાથે જોડાયા

કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાની માંગ સાથે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સરકારી હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની સુવિધા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મામલતદારને આવેદન પત્ર આપવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકરો વિવિધ માંગ સાથેના પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.

લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે
સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલી કોરોનાની ત્રીજી લહેરમાં સમગ્ર ગુજરાત આવી ગયું છે. કોરોનાનો કહેર નાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. લોકો ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા છે. ધંધા-રોજગાર ઉપર પણ અસર પડી રહી છે. વડોદરા સહિત ગુજરાતમાં રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ, સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ જેવી કોઇ સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે.

કોંગ્રેસે વડોદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું
આ સ્થિતિમાં લોકોને સારી સારવાર મળે તેમજ કોરોનામાં મૃત્યુ પામનાર પરિવારના લોકોને રૂપિયા 4 લાખનું સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવિણસિંહ મકવાણાની આગેવાનીમાં વડોદરા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે જિલ્લા કોંગ્રેસ અગ્રણી સાગર બ્રહ્મભટ્ટ (કોકો) સહિત કોંગ્રેસના કાર્યકરો વિવિધ માંગો સાથેના પોસ્ટર્સ સાથે જોડાયા હતા.

4 લાખનું વળતર આપવાની માંગ
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ (કોકો)એ જણાવ્યુ હતું કે, સમિતિ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી પાસે અમારી માંગ છે કે, કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવી સરકાર ગુજરાત ડિઝાસ્ટર મેનેમેન્ટ એક્ટનો અમલ કરવામાં આવે. તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસેથી જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે તેને બંધ કરાવવામાં આવે અને સરકાર દ્વારા જે ખાનગી હોસ્પિટલોમાં લૂંટ ચલાવવામાં આવી છે. તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે. અને જે પરિવાર પાસે ખોટી રીતે નાણાં વસુલ કરવામાં આવ્યા છે. તેવા પરિવારોને પરત અપાવવામાં આવે.

ફ્રન્ટ વોરિયરના પરિવારને નોકરી આપવા માંગ કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાના ફ્રન્ટ વોરિયર ફરજ દરમિયાન મૃત્યું પામ્યા છે. તેવા વોરિયરના પરિવારના સભ્યને નોકરી આપવામાં આવે તેવી અમારી માંગ છે. સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની વાતો કરે છે તે ખોટી છે. આજે પણ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત અન્ય કોઇ સુવિધાઓ નથી.

અન્ય સમાચારો પણ છે...