ધો-12 સાયન્સ રિઝલ્ટ:વડોદરાની વિદ્યાર્થિનીએ 95 PR મેળવ્યા, કહ્યું: 'કોરોનાની ભયાવહ સ્થિતિ જોઇ ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે'

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિશાએ ગુજકેટમાં પણ 98.33  PR મેળવી સિદ્ધિ હાસલ કરી છે - Divya Bhaskar
નિશાએ ગુજકેટમાં પણ 98.33 PR મેળવી સિદ્ધિ હાસલ કરી છે
  • વિદ્યાર્થિનીએ ગુજકેટમાં પણ 98.33 PR મેળવ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. કોરોના કાળ બાદ ઓફલાઇન પરીક્ષા યોજાઇ હતી. ધોરણ 12 સાયન્સમાં 95 PR મેળવનાર વડોદરાની વિદ્યાર્થિનીએ કોરોના કાળની ભયાવહ સ્થિતિ જોઇને ડોક્ટર બનીને લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

નિશા 95 PR મેળવીને સ્કૂલમાં પ્રથમ આવી
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતી નિશા ચૌધરી વાઘોડિયા રોડ સ્થિત અંબે વિદ્યાલયની વિદ્યાર્થિની છે. તેણીએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. આજે ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થતા નિશાએ 95 PR મેળવીને સ્કૂલમાં પ્રથમ આવી છે. નિશાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે ઓનલાઇન અભ્યાસ કર્યાં બાદ ઓફલાઈન પરીક્ષા આપવી મુશ્કેલ હતી. પરંતુ, મારા પરિવાર તેમજ ભાઈ, બહેન અને સ્કૂલના શિક્ષકો દ્વારા મળેલા માર્ગદર્શન અને સહયોગના કારણે ઓફલાઈન પરીક્ષા આપવી મારા માટે સરળ બની ગયું હતું. જેના કારણે મને 95 PR મળ્યા છે.

હું ડોક્ટર બનીને સમાજની સેવા કરવા ઈચ્છુ છું
આપ તબીબી ક્ષેત્રે જ જવા કેમ છો તેવા એક પ્રશ્નના જવાબમાં નિશાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન સર્જાયેલી ભયાનક પરિસ્થિતિએ લોકોને હચમચાવી નાખ્યા હતા. મહામારીના કારણે તબીબો પણ મળવા મુશ્કેલ થઇ ગયા હતા. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઇ હતી. કોરોનાની મહામારીમાં સપડાયેલા લોકો માટે તબીબો એકમાત્ર ભગવાન સાબિત થયા હતા. તે સ્થિતિને જોઈને મને ડોક્ટર બનવાની પ્રેરણા જાગી છે અને હું સારી એક ડૉક્ટર બનીને સમાજની સેવા કરવા ઈચ્છું છું. મારો મોટોભાઈ એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો છે અને બહેન કંપની સેક્રેટરીનો અભ્યાસ કરી રહી છે. મારા પરિવારમાં કોઈ ડોક્ટર નથી. પરંતુ, હું ડોક્ટર બનીને સમાજની સેવા કરવા ઈચ્છુ છું. મારા પિતાએ એલ એન્ડ ટી કંપનીમાં ફરજ બજાવે છે. ઓનલાઇન અભ્યાસ કરીને ઓફલાઇન પરીક્ષા આપીને મને જે PR મળ્યા છે, તેનાથી હું ખુશ છું. મને મારી મહેનતનું ફળ મળ્યું છે.

ગુજકેટમાં 98.33 PR મેળવી સિદ્ધિ હાસલ કરી
ઉલ્લેખનીય છે કે, નિશાએ ધોરણ 12 સાયન્સમાં તો 95 PR મેળવી સિદ્ધિ હાસલ કરી જ છે. સાથે તેણે ગુજકેટમાં પણ 98.33 PR મેળવી સિદ્ધિ હાસલ કરી છે.

વિદ્યાર્થી અક્ષત લાઠી
વિદ્યાર્થી અક્ષત લાઠી

બીજી તરફ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અક્ષત લાઠીએ 99.92 ટકા માર્કસ સાથે વડોદરા સહિત રાજ્ય સ્તરે પરિવારનું નામ રોશન કર્યું છે. ખુશીના દિવસે સમાજ તથા સગાસંબંધીઓ તરફથી અક્ષતને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે અક્ષતે જણાવ્યું હતું કે, પરીક્ષા અગાઉ કોરોનાના પગલે ઓનલાઇન અભ્યાસમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને શિક્ષક રૂબરૂ ના હોય ઘણી સમસ્યાઓનું સરળતાથી નિરાકરણ આવ્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાની તૈયારી માટે દીદી નિધિ બેન અને દાદા રાધેશ્યામજીનો ઘણો સપોર્ટ રહ્યો હતો. દીદી તરફથી અભ્યાસનો માર્ગ સરળ બનતો હતો. તો વળી દાદા તરફથી માનસિક સ્ટ્રેસ હળવો કરવામાં મદદ મળતી હતી. આ દરમિયાન માતા-પિતાએ પણ પ્રોત્સાહનની સાથે વિશેષ યોગદાન આપ્યું છે. પરીક્ષા દરમિયાન ફિઝિક્સનું પેપર મહદંશે કઠિન રહ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, અક્ષતે હાલ કોર્ડિંગ લેન્ગવેજમાં પાઈથન અને સી પલ્સનો અભ્યાસ કર્યો છે. અને હવે આઈ.આઈ.ટી.સી કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ બાદ અમેરિકા માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...