યુક્રેનમાં રશિયાના હુમલા બાદ અટવાયેલા વડોદરાના બે વિદ્યાર્થીઓ આખરે પોલેન્ડ પહોંચતા તેમના વડોદરા સ્થિત પરિવાજનોએ હાશકારો અનુભવ્યો છે. હાલ બંને વિદ્યાર્થીઓ ભારતીય એમ્બેસીની મદદથી હોટલમાં રોકાયા છે. તેમની સાથે ભારત અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ પણ છે.
વડોદરાના 20થી વધુ વિદ્યાર્થીઓ પરત ફરી ચુક્યા છે
રશિયન આર્મી દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા બાદ ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે વડોદરાના 20થી વધુ વિદ્યાર્થીઓ પરત ફરી ચુક્યા છે. પરંતુ હજુ અનેક ત્યાં પોલેન્ડ બોર્ડર પર અટવાયા હતાં. જેમાં વડોદરાના રોનિક ભટ્ટ અને સૌરભ પરમાર યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ચાર દિવસથી અટવાયા હતા. જ્યાં તેમને જમવા અને રહેવાની પણ મોટી સમસ્યા સર્જાઇ હતી. જેથી તેમના પરિવારજનો ખૂબ જ ચિંતિત બન્યા હતાં. આખેર ગત રાત્રે તેઓ પોલેન્ડમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતાં અને તેમને હોટલેમાં રાખવામાં આવ્યા છે. તેમની સાથે ભારત અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ પણ ત્યાં છે.
અમારો પુત્ર પોલેન્ડ પહોંચતા હવે સુરક્ષિત છે
વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા જતિન ભટ્ટએ જણાવ્યું હતું કે, મારો પુત્ર પોલેન્ડમાં ભારતીય એમ્બેસીના અધિકારીના સંપર્કમાં છે. તેઓ તેને પહેલા શેલ્ટર હોમ અને ત્યાર બાદ હોટલમાં લઇ રહેવા માટે લઇ ગયા છે. હોટલ પણ પોલેન્ડના એરપોર્ટથી નજીક છે. હોટલમાં તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આગામી દિવસોમાં ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા વિમાન દ્વારા તેમને ભારત લાવવામાં આવશે. અમારો પુત્ર પોલેન્ડ પહોંચતા હવે સુરક્ષિત છે.
એમ્બેસી દ્વારા હોટલમાં રહેવાની સગવડ કરાઇ
વડોદરાના પ્રતાપસિંહ પરમારે કહ્યું હતું કે, મારો પુત્ર સૌરભ પણ પોલેન્ડ પહોંચ્યો છે અને ભારતીય એમ્બેસી દ્વારા તેમને હોટલમાં રહેવાની સગવડ કરવામાં આવી છે. સરકાર દ્વારા નક્કી કરેલા શિડ્યુલ પ્રમાણે તેને વિમાન માર્ગે ભારત લાવવામાં આવશે. હવે અમને હાશકારો અનુભવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.