શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ગુજરાતનો સૌથી લાંબો સાડા ત્રણ કિલોમીટરનો ફ્લાયરઓવર બ્રિજ તૈયાર થઇ ગયો છે. હવે આગામી દિવસોમાં આ બ્રિજનું લોકાર્પણ થશે. તો બીજી તરફ લોકાર્પણ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ નીચે પે એન્ડ પાર્ક માટે ઇજારા પણ મંગાવી લીધા છે.
પે એન્ડ પાર્કિંગની માસિક અપસેટ વેલ્યુ 6 લાખ 51 હજાર 900
સાડા ત્રણ કિલોમીટરના આ ફ્લાયઓવરના લોકાર્પણ પહેલા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગ માટે ઇજારાઓ મંગાવ્યા છે. જેમાં જણાવાયું છે કે આ બ્રિજની નીચેની ખુલ્લી જગ્યામાં પે એન્ડ પાર્કનો ઇજારો માસિક લાયસન્સ ફીથી એક વર્ષની મુદત માટે જાહેર હરાજીથી આપવાનો છે. મિનિમમ અપસેટ વેલ્યુ માસિક 6 લાખ 51 હજાર 900 રૂપિયા તથા ડિપોઝિટ 13 લાખ 3 હજાર 800 રૂપિયા રાખવામાં આવી છે. ઇજારો મેળવવા ઇચ્છુકોએ આગામી 22 ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
પાંચ મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે
છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં 222 કરોડ રૂપિયાના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર થઈ રહ્યો છે અને કામગીરી પૂર્ણતાને આરે આવી ગઇ છે. ત્યારે ફતેગંજથી અક્ષર ચોક તરફ જતા વાહન ચાલકોને ફતેગંજ ફ્લાય ઓવર, શાસ્ત્રી રેલવે ફ્લાયઓવર બાદ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ત્રીજા બ્રિજની ભેટ મળશે. વડોદરામાં 3.5 કિમીના ફ્લાયઓવરથી માત્ર 5 મિનિટમાં ગેંડા સર્કલથી અક્ષર ચોક પહોંચી શકાશે અને ઇંધણની બચત થશે.
3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાયું
10200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.
4080 મકાન બને એટલુ સ્ટીલ વપરાયું
ફ્લાયઓવરમાં ઉપયોગમાં લેવામાં આવેલ 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.08 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો એક મકાન 500 ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં 2816 મકાન આટલા સિમેન્ટથી બની શકે છે. ઉલ્લેખનીય છે કે 136 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટરના વિસ્તારને આવરી લેતો ફલાય ઓવર બ્રિજ માત્ર શહેરનો જ નહીં પણ રાજયનો પણ સૌથી લાંબો ફલાયઓવર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.