• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Social Forestry Department Raises 1 Lakh Bamboo Seedlings In Chhotaudepur, 1400 Different Species Of Bamboo Grow In The World

વિશ્વ વાંસ દિવસ:વડોદરા સામાજિક વનીકરણ વિભાગે છોટાઉદેપુરમાં વાંસના 1 લાખ રોપાની નર્સરી ઉછેરી, વિશ્વમાં વિવિધ 1400 પ્રજાતિના વાંસ ઉગે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દર વર્ષે 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાબું ડે ઉજવવામાં આવે છે - Divya Bhaskar
દર વર્ષે 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાબું ડે ઉજવવામાં આવે છે
  • વાંસની સહુથી મોટી ઓળખ ભગવાન કૃષ્ણની અલૌકિક અને દિવ્ય સૂરો પ્રસરાવતી વાંસળી છે

દર વર્ષે 18 સપ્ટેમ્બરે વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાબું ડે ઉજવવામાં આવે છે. વાંસ એક વનસ્પતિ છે. એની સૌથી મોટી ઓળખ કંઈ? વાંસ એટલે ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક સૂરોથી હજારો વર્ષોથી પૃથ્વીના સમગ્ર જડ ચેતનને ડોલાવતી વાંસળી..! વાંસ એ માનવ જીવન સાથે જુદી-જુદી રીતે વણાયેલી વનસ્પતિ છે. સયાજીબાગ જેવા ઉદ્યાનોમાં ખૂબ ઊંચા ઊંચા લીલા લચ્ચક સંખ્યાબંધ વાંસના ઝુંડ દેખાવમાં ખુબ રળિયામણા લાગે છે. તોતિંગ વધતી ઊંચાઈને જોઇને એને વૃક્ષ માનવામાં આવે છે. વાસ્તવમાં વનસ્પતિ વિજ્ઞાનના વર્ગીકરણ અનુસાર વાંસ એ વૃક્ષ નથી પણ ખાસ પ્રકારનું ઘાસ છે. જોકે, આ ઘાસ ઘણું જ ખાસ અને અનેકવિધ રીતે ઉપયોગી છે.

2009થી વિશ્વ વાંસ દિવસ ઉજવાય છે
જગતમાંથી વાંસ જેવી અતિ ઉપયોગી વનસ્પતિનું અવિચારી નિકંદન અટકાવવાની વ્યાપક લોક જાગૃતિ અને પ્રબળ લોકમત કેળવવા 2009માં બેંગકોકમાં મળેલી વર્લ્ડ બાંબુ કોંગ્રેસમાં કેલેન્ડરની આ તારીખ વાંસને સમર્પિત કરવામાં આવી, ત્યારથી વિશ્વ વાંસ દિવસ ઉજવાય છે. આ ઉજવણીનો એક આશય લોકોને વાંસની વ્યાપક ઉપયોગિતાની જાણકારી આપીને તેના આધારિત ઉત્પાદનોનો વપરાશ વધારવાનો પણ છે.

વિશ્વમાં વિવિધ 1400 પ્રજાતિના વાંસ ઉગે છે
વાંસ એ સદા હરિત બારમાસી ઘાસ છે અને વિશ્વમાં 115 જેટલા કુળ કે પેઢી હેઠળ 1400 પ્રજાતિઓના વાંસ ઉગે છે તેવી રસપ્રદ જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે,ગુજરાતમાં બહુધા દક્ષિણ ગુજરાતના વધુ વરસાદવાળા વિસ્તારમાં વાંસના ઝુંડ વધુ જોવા મળે છે અને રાજ્યમાં મુખ્યત્વે ડેંડોકેલામસ સ્ટ્રિક્ટસ અને બાંબુસા બાંબુસ નામક બે પ્રજાતિઓના વાંસ ઉગે છે.

શ્વમાં 115 જેટલા કુળ કે પેઢી હેઠળ 1400 પ્રજાતિઓના વાંસ ઉગે છે
શ્વમાં 115 જેટલા કુળ કે પેઢી હેઠળ 1400 પ્રજાતિઓના વાંસ ઉગે છે

વાંસના ફૂલ પછી ચોખા જેવા બીજ મળે છે
ખેડૂતો અને જંગલ વિસ્તારમાં આદિવાસીઓ અને અન્ય લોકો ઘરના વાડા, ખેતરના પાળા શેઢા પર વાંસ ઉછેરી પૂરક આવક મેળવી શકે છે એવો અભિપ્રાય આપતાં હારાજાએ જણાવ્યું કે, વન વિભાગના માધ્યમ થી ભારત સરકાર અને ગુજરાત સરકારે વાંસ ઉછેરને, તેની વૃક્ષ ખેતીને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સ્થાનિક લોકો, ખેડૂતો અને વન વિસ્તારના લોકોને વાંસ ઉછેર સાથે જોડવા તેમના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ છોટાઉદેપુર જિલ્લામાં 1 લાખની કૂંપળો(રોપા) ધરાવતી નર્સરી ઉછેરી છે. અહીં ઘર બનાવવામાં ઉપયોગી માનવેલ પ્રજાતિના રોપા ઉછેરવામાં આવી રહ્યાં છે. વાંસના ફૂલ પછી ચોખા જેવા બીજ મળે છે જેના રોપાણથી વાંસના છોડ ઉછેરવામાં આવે છે.

ફૂલમાંથી બીજ મળે પછી એ વાંસ સુકાઈ જાય છે
વન વિભાગ વાંસના આ બીજ એકત્ર કરાવે છે. રસપ્રદ વાત એ પણ છે કે, આ બીજને વન વિસ્તારના લોકો વાંસના ચોખા તરીકે ઓળખે છે અને ખાવાના ઉપયોગમાં લે છે! ફૂલ બેસે એ વાંસના વૃક્ષના મૃત્યુની નિશાની છે. ફૂલમાંથી બીજ મળે પછી એ વાંસ સુકાઈ જાય છે. વાંસની પ્રજાતિઓ પૈકી ઘણીમાં છૂટાછવાયા ફૂલ બેસે છે. પરંતુ, કેટલીક પ્રજાતિઓમાં એક સાથે પુષ્કળ ફૂલ બેસે, ગ્રેગોરિયસ ફ્લાવરિંગ થાય પછી બધા વૃક્ષ સુકાઈ જાય ત્યારે આખું જંગલ સુકાઈ ગયું હોય એવું દ્રશ્ય સર્જાય છે!

વાંસની 21 પ્રજાતિઓના વિવિધ ઉપયોગો છે
કાર્તિકભાઇએ 21 જેટલી પ્રજાતિઓના વિવિધ રીતે ઉપયોગો જણાવ્યાં છે. પ્રજાતિ પ્રમાણે વાંસનો ઉપયોગ ગ્રામ વિસ્તારોમાં ઘર બનાવવામાં, બાંધકામમાં, લખવાના કાગળ અને કાપડ બનાવવામાં, ઘરના બગીચા કે, વાડાને હરિયાળી સુંદરતા આપવામાં આમ અનેકવિધ રીતે ઉપયોગી છે. વાંસ વાંસળી સહિતના વાદ્યો બનાવવામાં ઉપયોગી છે. આદિજાતિના પિહવો સહિતના ઘણાં અનોખા વાદ્યો વાંસના બને છે.

વાંસની કૂંપળોમાંથી અથાણું અને શાક પણ બને છે
વાંસના ઉછેર થી જમીનમાં ભેજ જળવાય છે અને હા,તમારી ઉત્તરાયણ પણ ઉજવાય છે! કારણકે પતંગના ઢડધા અને કમાન વાંસની જ બને છે.વાંસ બાળીને પાડવામાં આવતા કોલસાને બાંબુ ચારકોલ કહે છે. અને કુમળા વાંસમાંથી, કૂંપળોમાંથી મ્હોમાં પાણી છૂટે એવું અથાણું અને શાક પણ બને છે. અને એ પણ જાણી લો કે ગુજરાતના બાંબુ મેન કહી શકાય, જેમણે રાજ્યના દક્ષિણ વિસ્તારમાં વન વિભાગે ઉછેરેલા વાંસ સંશોધન ઉદ્યાનની ખૂબ માવજત કરી છે એવા રાજેન્દ્રસિંહ ચૌહાણ નિવૃત્તિ પછી વડોદરામાં સ્થાયી થયાં છે. વાંસના આમ અનેક ઉપકારો છે માનવ જાત પર એટલે જ્યાં વાંસના ઝુંડ જુવો ત્યાં એને મંદિર ગણી વંદન કરજો.

રાજેન્દ્રસિંહ ગુજરાતના એક માત્ર બાંબુસેટમની સ્થાપના સાથે સંકળાયેલા છે
જાણવા જેવી વાત એ છે કે, રાજ્યના ઉપરોક્ત વાંસ પ્રજાતિ સંશોધન કેન્દ્રની સન 2006માં સ્થાપના સમયે હાલમાં વડોદરામાં વસતા નિવૃત્ત વન અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ સંકળાયેલા હતા અને વાંસની પ્રજાતિઓના જતન અને ઉછેરમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. એ રીતે તેમને ગુજરાતના બાંબુ મેન ગણાવી શકાય. દેશમાં દહેરાદૂન અને કેરળના ત્રિચિમાં વાંસ આવા સેટમ ઉછેરવામાં આવ્યાં છે એવી જાણકારી આપતાં રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂબ જ્ઞાન સંપન્ન અને સમર્પિત ઉચ્ચ વન અધિકારી ડો.એચ.એસ. સિંઘના માર્ગદર્શન હેઠળ આ પહેલ કરવામાં આવી જે સફળ થઈ છે.

નિવૃત્ત વન અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ સંકળાયેલા હતા અને વાંસની પ્રજાતિઓના જતન અને ઉછેરમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે
નિવૃત્ત વન અધિકારી રાજેન્દ્રસિંહ ચૌહાણ સંકળાયેલા હતા અને વાંસની પ્રજાતિઓના જતન અને ઉછેરમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે

વાંસ આધારિત રોજગારીને પ્રોત્સાહિત કરતું આ આયોજન
દેશના વિવિધ પ્રદેશોમાં જોવા મળતી 34 જેટલી વાંસ પ્રજાતિઓના ઉછેરથી તેની શરૂઆત કરવામાં આવી તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે, હાલમાં અહીં 28 પ્રજાતિઓના વાંસ છે અને ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉકાઇ રિસર્ચ વિંગ દ્વારા તેનું સંચાલન થાય છે. નાયબ વન સંરક્ષક પુનિત નૈયરની દોરવણી હેઠળ સુરત વન વિભાગે માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વાંસની બનાવટો અને તેની તાલીમનું કેન્દ્ર સ્થાપિત કર્યું છે. જ્યાં ફર્નિચર સહિત વિવિધ ઉત્પાદનોના નિર્માણની સાથે તાલીમ આપવામાં આવે છે. વાંસ આધારિત રોજગારીને પ્રોત્સાહિત કરતું આ આયોજન છે.

વાંસના વનમાં રાત્રી વિસામો ન કરવો
તેમણે એક રસપ્રદ વાત જણાવી કે, વડવાઓ કહી ગયા છે કે, વાંસના વનમાં રાત્રી વિસામો ન કરવો. તેનું કારણ એ છે કે બાંબુના રાયઝોમ એક સાથે 9થી 14 ફૂટ જેટલા શૂટ અપ થાય છે એટલે નજીકમાં રહેલી વ્યક્તિઓને ક્યારેક ઇજા થવાની શક્યતા રહે છે. અહીં એક અન્ય વાતનો ઉલ્લેખ કરવા યોગ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના કાર્યકાળ દરમિયાન પતંગોત્સવને નવું અને વ્યાપક સ્વરૂપ આપ્યું. આ પતંગોની બનાવટમાં આસામની એક પ્રજાતિના વાંસ ખૂબ સાનુકૂળ છે. એટલે ત્યાંથી એ પ્રજાતિ મંગાવી અત્રે ઉછેરવાની પ્રેરણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...