રાજ્ય સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ સમેટવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડોદરાના રેસિડેન્ટ તબીબો કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાયા છે. તબીબોએ વિવિધ વોર્ડમાં દર્દીઓને સારવાર આપવાની શરૂ કરી છે. ગઇકાલ સુધી ડોક્ટરોથી ખાલીખમ લાગતા વોર્ડમાં આજે ડોક્ટરોની ચહલ-પહલ શરૂ થઇ ગઇ છે. જોકે તબીબોએ હડતાળ યથાવત રાખી છે.
નિવાસી તબીબોએ 8 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે
બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો દ્વારા અન્ય રાજ્યોની માફક એસઆર અને બોન્ડની યોજના ગુજરાતમાં લાગુ કરવા, બેચને બોન્ડનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે, બીજા તબીબી અધિકારીઓની જેમ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવા તેમજ પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને કોવિડના કારણે શૈક્ષણિક વર્ષ વેડફાયુ હોવાથી તેમની શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક કરાય તેવી માંગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.
વડોદરા મેડિકલ એસોસિએશને ટેકો આપ્યો હતો
મંગળવારે સાતમા દિવસે એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને ઓફિસની બહાર એકત્ર થઇને જુનિયર તબીબોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત વડોદરા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. કૈલાશબેન પરીખ, હોદ્દેદાર ડો. પરેશ મજમુદાર અને સભ્ય ડો. સમીર શાહ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી વિરોધ કરી રહેલા તબીબોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
7 દિવસ થયા હતા છતાં કોઈ વાતચીત થઇ નહોતી
વડોદરા મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો. કૈલાશબેન પરીખ અનુસાર કોરોનામાં જુનિયર તબીબોએ સરાહનીય સેવા આપી છે. સરકારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે તે સમયે ખાતરી આપી હતી. પરંતુ આંદોલનના 7 દિવસ થયા હતા છતાં કોઈ વાતચીત થઇ નહોતી. તેથી રવિવારે IMAની અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ જુનિયર તબીબોને ટેકો જાહેર કરવાનું સર્વાનુમતે નક્કી કરાતા તબીબોને આંદોલનને સમર્થન આપ્યું છે.
તબીબોએ વોર્ડમાં દર્દીઓને સારવાર આપવાની શરૂ કરી
રાજ્ય સરકાર દ્વારા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ સમેટવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડોદરાના રેસિડેન્ટ તબીબો કોવિડ અને ઇમરજન્સી સેવામાં જોડાયા છે. તબીબોએ વિવિધ વોર્ડમાં દર્દીઓને સારવાર આપવાની શરૂ કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.