વડોદરા પોલીસની કામગીરી:'મારો નાનો પુત્ર નાણાં આપતો નથી, મને હેરાન કરે છે' કહેનાર સિનિયર સિટીઝનને શી ટીમે પુત્ર પાસેથી ભરણ પોષણ અપાવ્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વયોવૃદ્ધ પિતાને ભરણ પોષણ માટે નાણાં ન આપતા પુત્ર પાસેથી વડોદરા પોલીસે વયોવૃદ્ધને ભરણ પોષણ અપાવ્યું - Divya Bhaskar
વયોવૃદ્ધ પિતાને ભરણ પોષણ માટે નાણાં ન આપતા પુત્ર પાસેથી વડોદરા પોલીસે વયોવૃદ્ધને ભરણ પોષણ અપાવ્યું
  • શી ટીમની કામગીરી જોઇને વયોવૃદ્ધની આંખોમાંથી આંસુ સરી પડ્યા
  • શી ટીમ સિનિયર સિટીઝનો માટે શી ટીમ આશિર્વાદરૂપ પુરવાર થઇ રહી છે

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ સામાજિક કાર્ય પણ કરી રહી છે. જેમાં કારેલીબાગ પોલીસ તંત્રની શી ટીમે વયોવૃદ્ધ પિતાને ભરણ પોષણ માટે નાણાં ન આપતા પુત્રને પોલીસ મથકમાં બોલાવી વયોવૃદ્ધને ભરણ પોષણ અપાવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા શહેરના તમામ પોલીસ મથકોમાં શી ટીમની રચના કર્યાં બાદ ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે શી ટીમ આશિર્વાદરૂપ પુરવાર થઇ રહી છે.

વયોવૃદ્ધે પોલીસ સમક્ષ ફરિયાદ કરી
કારેલીબાગ પોલીસ મથકની શી ટીમ દ્વારા વયોવૃદ્ધને મદદરૂપ થવાની કરવામાં આવેલી કામગીરીની વિગત એવી છે કે, રાવપુરા ઘી કાંટા રોડ ઉપર આવેલા બાલાજી મંદિરના મેડા ઉપર 73 વર્ષિય કિર્તીકાંત પટેલ રહે છે, તેઓ બે દિવસ પહેલાં કારેલીબાગ પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા. અને પોલીસને મળી જણાવ્યું કે, "મારો નાનો પુત્ર અલ્કેશ ભરણ પોષણના નાણાં આપતો નથી અને નાણાં માગુ છું, ત્યારે હેરાન કરે છે'

પુત્રને પોતાની ભૂલ સમજાઇ
પોલીસ મથકની શી ટીમે વયોવૃધ્ધ કિર્તીકાંત પટેલને પોલીસ મથકમાં બેસાડી સંપૂર્ણ વિગત લીધા બાદ તેઓના પુત્ર અલ્કેશને પોલીસ મથકમાં બોલાવ્યો હતો. અને અલ્કેશને માતા-પિતાની સેવા કરવી જોઇએ., માતા-પિતાને દુઃખી કરીશ તો જીવનમાં ક્યારેય સુખી થઇશ નહીં. આ ઉંમરે કાકા ક્યાં જશે. તેવી પ્રેમ પૂર્વક સમજ આપતા અલ્કેશને પણ પોતાની ભૂલ સમજાઇ હતી. પિતાને ભરણ પોષણના નાણાં આપવા સહમત થયો હતો. એતો ઠીક જેટલા માસના નાણાં બાકી હતા તે તમામ રકમ પિતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી અને પિતાને પ્રેમથી ઘરે લઇ ગયો હતો.

વયોવૃદ્ધની આંખોમાંથી આંસુ સરી પડ્યા
કારેલીબાગ પોલીસ મથકમાં શી ટીમ દ્વારા ભરણ પોષણનો પ્રશ્ન હલ કરી દેવાતા વયોવૃદ્ધ કિર્તીકાંત પટેલ ગદગદીત થઇ ગયા હતા. તેમની આંખોમાંથી આંસુ નીકળી ગયા હતા. વયોવૃદ્ધ કિર્તીકાંતની આંખોમાંથી સરી પડેલા આંસુ જોઇ શી ટીમનો સ્ટાફ પણ ભાવુક થઇ ગયો હતો. કિર્તીકાંતનો પ્રશ્ન હલ થઇ જતાં તેઓએ શી ટીમના સભ્યો એ.એસ.આઇ. ઉર્મિલાબહેન, એ.એસ.આઇ. રમેશભાઇ તેમજ અનિતાબહેન અને દિલીપભાઇનો આભાર માણ્યો હતો. શી ટીમ પુત્ર સાથે ઘરે ગયેલા કિર્તીકાંતને જણાવ્યું કે, આગામી દિવસોમાં કોઇપણ તકલીફ પડે તો કોઇ પણ જાતના સંકોજ વિના પોલીસ મથકમાં આવી જજો. પોલીસ તમારી સાથે છે.

અન્ય સમાચારો પણ છે...