કાર્યવાહી:રિવોલ્વર આપનારને શોધવા વડોદરા પોલીસ મુંબઇ રવાના

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇના બે, ભાવનગરના 1 આરોપીને 4 દિવસના રિમાન્ડ
  • હથિયાર લેવા આવેલા ભાવનગરના 3ને શોધવા ટીમ જશે

મુંબઇના હિસ્ટ્રીશીટરે પૈસા માગતા મુંબઈ પાલિકાના બે કોન્ટ્રાક્ટરોને વડોદરા દેશી રિવોલ્વર પહોંચાડવા કહ્યું હતું. જેથી મુંબઇના બંને કોન્ટ્રાક્ટરો વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ભાવનગરના દલાલને રિવોલ્વર આપતાં હરણી પોલીસે ત્રણેવને ઝડપી લીધા હતા. ત્રણેવ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે રિવોલ્વર આપનાર ગોહિલને શોધવા પોલીસની ટીમ મુંબઇ રવાના કરાઇ છે.

ગોલ્ડન ચોકડી પાસે બ્રિજ નીચે બુધવારે મળસ્કે હરણી પોલીસે દિપેન મનોજભાઈ મકવાણા (આઓસાઈ બિલ્ડિંગ, રેસકોર્સ, મુંબઇ), પ્રમોદ હીરાલાલ મારૂ (કુર્લા ઇસ્ટ, મુંબઇ) અને ચીમન ઉર્ફે મુન્નો પાલજીભાઈ ગોહિલ (રાજપરા ગામ, તા.સિહોર, જિ.ભાવનગર)ની દેશી રિવોલ્વર સાથે ધરપકડ કરી હતી.

જ્યારે રિવોલ્વર ખરીદવા આવેલા રફીક મિસ્ત્રી (સિહોર), બશીર દાઢી અને બાબુ કોળી (સોનગઢ) અને રિવોલ્વર મોકલનાર મુંબઇના શૈલેશ ગોહિલ (મહાલક્ષ્મી બિલ્ડિંગ, રેસકોર્સ, મુંબઇ) હાથમાં આવ્યા ન હતા. બુધવારે પકડાયેલા ત્રણેવ આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેવ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિવોલ્વર ખરીદનાર અને રિવોલ્વર આપનાર બંનેની અટક બાકી છે, આ નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતોની તપાસ માટે હરણી પોલીસે રિમાન્ડની માગ કરી હતી.

પોલીસની રજૂઆત બાદ કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ અંગે હરણી પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ વેકરિયાએ જણાવ્યું હતું કે, રિવોલ્વર આપનાર મુંબઇના શૈલેન્દ્ર ગોહિલને શોધવા માટે ટીમ મુંબઇ રવાના કરી દેવામાં આવી છે. જ્યારે રિવોલ્વર ખરીદવા માટે આવેલા ભાવનગર પંથકના બશીર દાઢી સહિતના 3 આરોપીને શોધવા માટે પણ વડોદરાથી ટીમ રવાના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...