વડોદરાના સમા વિસ્તારમાં અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં એક બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા અને બંગલામાં કામ કરીને માતા-પુત્રી ગુજરાન ચલાવતા હતા. મધરાત્રે સગીરાએ ફાસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. માતાની ગેરહાજરીમાં દીકરીએ રહસ્યમય આપઘાત કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે. માતા સહિત પરિવારે બંગલાના માલિક બિઝનેસમેન દંપત્તીએ દીકરીની હત્યા કરી લટકાવી દીધી હોવાનો આક્ષેપ મૂક્યો છે. જોકે, સમા પોલીસ કહે છે કે, પોષ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સગીરાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. પરિવારે પોલીસની કામગીરી ઉપર શંકા વ્યક્ત કરી મૃતદેહ લેવાનો ઇન્કાર કરી દીધો છે. પરિવારે પોતાના વકીલ સાથે આ બનાવની ન્યાયીક તપાસ માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
ભાદરણનગર સોસાયટીમાં બનાવ
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સમા અભિલાષા ચાર રસ્તા પાસે ભાદરણનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીનુ મકાન નંબર 18 બિઝનેશમેન ગૌતમદાસ બંગાડીનું છે. આ મકાનમાં દાહોદના મૂળ વતની રોશનીબેન ડામોર અને તેની માતા કામ કરતા હતા અને આ મકાનના જ સરવન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા. માતાને કામ હોવાથી તેઓ પોતાની દીકરી રોશનીને મકાન માલિક મધુમિતા બંગાડીના કહેવાથી મૂકીને ગઇ હતી. અને તેજ રાત્રે 3:00 વાગે 17 વર્ષીય રોશની ડામોરે ક્વાર્ટરના 12 ફૂટ ઉંચા છત પર લટકાવેલા પંખા સાથે ઓઢણીથી ફાસો ખાઈ લીધો હતો.
માતાને પાછળથી જાણ કરાઇ
બંગલાના માલિક દંપતિ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી રોશીનીનો મૃતદેહ નીચે ઉતારી સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બાદમાં રોશનીની માતાને બનાવની જાણ કરતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવ અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા સમા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આનંદભાઇએ તપાસ સંભાળી હતી. અને રોશીનીના પોષ્ટમોર્ટમ માટે કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ કમિશનરને રજૂઆત
બીજી બાજુ માતાને દીકરીના મોત અંગે શંકા જતાં તેઓએ પોતાના દાહોદ ખાતે રહેતા અન્ય પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. સાથે ધારાશાસ્ત્રી અલ્કાબહેન પટેલને પણ લાવ્યા હતા. અને ધારાશાસ્ત્રીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. ધારાશાસ્ત્રીને પણ સગીરા રોશનીના આપઘાત અંગે શંકા જતા તેઓ આજે દીકરીની માતા અન્ય પરિવારજનોને લઇ પોલીસ ભુવન પહોંચ્યા હતા. પોલીસ કમિશનરને આ ઘટનાની તટસ્થ તપાસ કરવા માંગણી કરી હતી.
ફાંસો ખાવો શક્ય નથી
ધારાશાસ્ત્રી અલકાબહેન પટેલે જણાવ્યું હતું કે, 15-17 વર્ષની રોશની છત ઉપર લટકાવેલા પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ શકે જ નહીં. રોશનીને બંગલાના માલિક ગૌતમદાસ બંગાડી અને તેની પત્ની મધુમીતા બંગાડીએ મોતને ઘાટ ઉતારી લટકાવી દીધો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. ધારાશાસ્ત્રીના આ આક્ષેપને રોશનીની માતાએ પણ સમર્થન આપતા આક્ષેપ કર્યો હતો કે, મારી દીકરી આપઘાત કરેજ નહિં. પરંતુ, બંગલાના માલિક દંપતિએ મોતને ઘાટ ઉતારીને લટકાવી દીધી છે. મને ન્યાય મળવો જોઇએ. જ્યાં સુધી મારી દીકરી અંગે ન્યાય નહિં મળે ત્યાં સુધી દીકરીની લાશ લઇ જઇશું નહિં અને અંતિમ સંસ્કાર કરીશું નહિં.
દંપતિએ લાશને મોકલી આપી
ધારાશાસ્ત્રી અલકાબહેન પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ બનાવમાં સમા પોલીસની કામગીરી ઉપર શંકા છે. આ બનાવમાં ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી અમારી માંગણી છે. માતાને તેની દીકરીનું મોંઢુ પણ જોવા દેવામાં આવ્યું નથી. પોષ્ટમોર્ટમ કરવા માટે પણ કોઇ સંમતી લેવામાં આવી નથી. એ તો ઠીક માતાના આવતા પહેલાં જ બંગલાના માલિક દંપતીએ લાશને ઉતારાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.
માતા આવી ન હતી
આ બનાવની તપાસ કરી રહેલા આનંદસિંહે જણાવ્યું હતું કે, આ બનાવ મધરાત્રે બન્યો છે. આપઘાત કરનાર રોશનીની માતા દીકરીના મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમા મૂક્યા પછી રહ્યા જતા રહ્યા હતા. સવારે પોસ્ટમોર્ટમ માટે તેઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ કોઈ કારણસર આવ્યા નહોતા. પરિણામે રોશનીના દાહોદ ખાતે રહેતા અન્ય પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ વડોદરા ખાતે આવી રહ્યા છે. રોશનીના પરિવારજનો વડોદરા ખાતે આવ્યા બાદ પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આક્ષેપ ખોટો છે
પોલીસ આનંદસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રોશીનનું પોષ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. રોશીનીનું ફાંસો ખાવાથી મોત નીપજ્યું હોવાનું પોષ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે. પોષ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટને જોતા મૃતક રોશનીના પરિવારજનો દ્વારા મૂકવામાં આવી રહેલો હત્યાનો આરોપ પાયાવિહોણો છે.
આપઘાતનું કારણ રહસ્યમય
નોધનિય છે કે, સગીરા રોશનીએ કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. આ બનાવે સોસાયટીમાં ભારે ચકચાર મચાવી મૂકી છે. રોશનીના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. ત્યારે સમા પોલીસ દ્વારા આ બનાવ અંગે પરિવારને ન્યાયીક તપાસની ખાતરી આપવા સાથે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.