પર્દાફાશ:બિહારની જેલમાંથી MBBSમાં એડમિશનના નામે કરોડોની ઠગાઇ કરનાર માસ્ટર માઇન્ડ અને સાગરીતની વડોદરા પોલીસે ધરપકડ કરી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નોઈડાના સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એડમિશનના નામે 30.70 લાખ રૂપિયાની ઠગાઇ મામલે બિહારની જેલમાંથી સમગ્ર રેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ અને તેના સાગરીતની વડોદરા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફોનથી એડમિશનની ઓફર કરી
વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગુરુદયાલ અદલખા સયાજીગંજની બેંક ઓફ બરોડાની બ્રાન્ચેમાં મેનેજરે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને નવેમ્બરમાં સોશિયલ મીડિયા દ્વારા ફોન કોલ આવ્યો હતો અને નોઈડાના સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દીકરીને એડમિશન આપવાના બહાને ફી પેટે આરોપી પ્રેમ પ્રકાશ વિદ્યાર્થીએ પોતાની ઓળખ રાજીવસિંગ ઉર્ફે વિજય તરીકે આપી મેનેજર પાસેથી 30.70 લાખ પડાવી લીધા હતા.

જેલમાંથી રેકેટ ચલાવતો
જ્યારે લલિતકુમાર એડમિશનની છેલ્લી પ્રક્રિયા માટે દિલ્હી ગયા ત્યારે તેઓને જાણ થઈ હતી કે, તેમની સાથે ઠગાઈ થઈ છે. તેઓએ વડોદરા આવીને ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને બિહારની પટણા જેલમાં રહીને આખું રેકેટ ચલાવતો હતો. જેથી આ રેકેટના માસ્ટર માઇન્ડ પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી (રહે. ફતેહપુર, બિહાર) અને તેના સાગરીત આનંદ કિરણ પ્રસાદ તિવારી (રહે. મીરજાપુર ગામ, ઉત્તરપ્રદેશ)ને પ્રોડક્શન વોરન્ટ મેળવીને વડોદરા લઈ આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી જેલમાં મોબાઇલ વાપરતો
ફરિયાદ બાદ સાઇબર ક્રાઈમે ફોન નંબરના આધારે તપાસ હાથ ધરતા આરોપીનું લોકેશન લખનઉ ખાતે ટ્રેનમાં જણાતાં એક ટીમ લખનઉ પહોંચી હતી. ત્યારે જાણ થઈ હતી કે, પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી બિહારની પટણા જેલમા છેલ્લા દોઢ વર્ષથી સજા ભોગવી રહ્યો છે. પોલીસને લોકેશન મળી આવ્યું ત્યારે તે પટણાથી સહારનપુરની કોર્ટમાં ગયો હતો.જાપ્તામાં તે મોબાઈલ વાપરતો હતો. પટણાની જેલમાં રહીને તે એડમિશનનું રેકેટ ચલાવી રહ્યો હતો.

મેડિકલમાં પ્રવેશ માટે ભેજાબાજે ટ્રસ્ટ બનાવ્યું
રાજીવસિંગ ઉર્ફે વિજય તરીકે ઓળખ આપનાર પ્રેમ પ્રકાશ વિદ્યાર્થી પટણાની જેલમાં રહીને સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ નામનું ટ્રસ્ટ ચલાવતો હતો અને એડમિશન આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની સામે બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્લીના પોલીસ મથકોમાં છેતરપીંડી અને ચેક રીટર્નના કેસમાં કુલ 10 ફરિયાદ નોંધવામાં આવી હતી. ટ્રસ્ટના નામે પેપરમાં જાહેરાતો આપી હતી. એટલું જ નહીં તે 62 કિલો ચરસ રાખવાના કેસમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેમજ જેલમાં રહીને તોડફોડ અને મારામારીના કેસ પણ તેની સામે ચાલી રહ્યા છે.

એક સાગરીત વડોદરા જેલમાં
આ ગુનામાં સંડોવાયેલ ટ્રસ્ટના ટ્ર્સ્ટીઓ પૈકીના આરોપી ટ્રસ્ટી અમરેસ જયપ્રકાશ સિંઘની ગોરખપુર ઉત્તર પ્રદેશ ખાતેથી જાન્યુઆરી 2023માં સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.

એજન્ટો પાસેથી NEETના વિદ્યાર્થીઓના ડેટા મેળવતો
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ દેશના એજન્ટો પાસેથી NEETના વિદ્યાર્થીઓના ફોન નંબર સહિતનો ડેટા ખરીદતા હતા. જેનો ઉપયોગ તેઓ આવા વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવવા માટે કરતા હતા.