• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Municipal Corporation's Tourist Information Center, Built 4 Years Ago At A Cost Of Rs 1.11 Crore, Eats Dust, Will Now Be Demolished In The Bullet Train Project.

પ્રજાના નાણાં પાણીમાં ગયા:વડોદરા મનપાએ 4 વર્ષ પહેલા 1.11 કરોડના ખર્ચે તૈયાર કરેલુ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ધૂળ ખાય છે, હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તોડી પડાશે

વડોદરાએક મહિનો પહેલા
  • સિટી બસ સ્ટેશન, એસટી ડેપો અને રેલવે સ્ટેશન પાસે હોવા છતાં સેન્ટર બિનઉપયોગી સાબિત થયું
  • વડોદરા દર્શનના નામથી ચાલતી હેરિટેજ બસ સેવા પણ બંધ કરી દેવાઇ છે
  • બસ છેલ્લા બે વર્ષ ચાલ્યા બાદ વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાઇ રહી છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશનની બાજુમાં ચાર વર્ષ પૂર્વે રૂપિયા 1.11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સિટી ઇન્ફોર્મેશન સેન્ટર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પાલિકાના અંધેર વહીવટના કારણે બાળ મરણ થઇ ગયું છે. નોંધનીય છે કે, આ ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવાનો મુખ્ય હેતુ વડોદરા શહેર બહારથી આવતા ટુરીસ્ટોને વડોદરાના જોવાલાયક સ્થળ, સ્થળનું ડિસ્ટન્સ, શહેરની ખાસિયતો, ગાયકવાડી મિલકતની જાણકારી જેવી માહિતી પૂરી પાડવા માટેનો હતો. પરંતુ, આ ઇન્ફોર્મેશન સેન્ટરની ભવ્ય બિલ્ડિંગ ઉપર પસાર થનારી બુલેટ ટ્રેનના કારણે બુલડોઝર ફેરવાઇ જશે. જોકે, કોર્પોરેશન એ વાતનો આનંદ લઇ રહી છે કે, કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવેલા નાણાં રેલવે તંત્ર તરફથી મજરે મળી જશે. જોકે, નોંધનીય બાબત એ છે કે, સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા તમામ નાણાં પ્રજાએ ભરેલા ટેક્સના નાણાં છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટના નાણાં પાણીમાં ગયા
વડોદરા મહાનગરપાલિકા ટુરિસ્ટ્સને આકર્ષી શકવામાં ધરાર નિષ્ફળ જતા રાજ્ય અને કેન્દ્ર સરકારના મળેલી ગ્રાન્ટના નાણાં પાણીમાં ગયા છે. 22 ઓક્ટોબર 2017ના રોજ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ હતી, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે આ ભવ્ય ઇમારત ઉપર હવે આગામી ટૂંક સમયમાં બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એસ.કે. પટેલે જણાવ્યું હતું કે, રેલવે દ્વારા જમીન સંપાદન કરી લેવામાં આવી છે. આ ઇન્ફોર્મેશન સેન્ટર તોડી પાડવામાં આવશે અને આ ઇન્ફોર્મેશન સેન્ટર જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય તે માટે દામાજીરાવમાં ખસેડવામાં આવશે. અલબત્ત કોર્પોરેશને ઇન્ફોર્મેશન સેન્ટરનું બિલ્ડિંગ બનાવવા માટે ખર્ચેલા રૂપિયા 1.11 કરોડ રેલવે તંત્ર દ્વારા મજરે મળનાર છે.

સિટી બસ સ્ટેશન, એસટી ડેપો અને રેલવે સ્ટેશન પાસે હોવા છતાં સેન્ટર બિનઉપયોગી સાબિત થયું
સિટી બસ સ્ટેશન, એસટી ડેપો અને રેલવે સ્ટેશન પાસે હોવા છતાં સેન્ટર બિનઉપયોગી સાબિત થયું

ઇન્ફોર્મેશન સેન્ટર ઉપર બુલડોઝર ફરી જશે
વર્ષ-2017માં કાર્યરત કરવામાં આવેલા ઇન્ફોર્મેશન સેન્ટર 24x7 ખુલ્લું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રૂપિયા 1.11 કરોડની માતબર રકમ બાંધકામ પાછળ ખર્ચો કર્યાં બાદ પાલિકાને આવક થવાની વાતો તો ઠીક. પરંતુ, આ સેન્ટરો લોકઉપયોગી થઈ ન હતી. સિટી બસ સ્ટેશન, એસ ટી ડેપો તથા રેલવે સ્ટેશનને અડોઅડ હોવા છતાં પણ આ સેન્ટર બિનઉપયોગી સાબિત થયું છે. દિવસ દરમિયાન કોઇ ટુરીસ્ટ માહિતી માટે આવતા ન હોવાથી કર્મચારીઓને સમય પસાર કરવો પણ મુશ્કેલ થઇ ગયો છે. જોકે, હવે ઇન્ફોર્મેશન સેન્ટર ઉપર આગામી દિવસમાં બુલડોઝર ફરી જશે. ઉલ્લેખનિય બાબત એ છે કે, પાલિકા દ્વારા કોઇપણ જાતનો વિચાર કર્યાં વગર આડેધડ હાથ ધરાતા પ્રોજેક્ટનું આ પરિણામ છે.

હેરિટેજ બસ સેવા પણ બંધ
સાંસદ રંજનબેન ભટ્ટના અનુદાનમાંથી ટુરીસ્ટ બસ કોર્પોરેશનને આપવામાં આવી હતી. આ બસનું લોકાર્પણ 18 નવેમ્બર 2016ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્યું હતું. બીજી તરફ વડોદરા દર્શનનાં નામથી હેરિટેજ બસ સેવા પાલિકાએ 2018માં ચાલુ કરી હતી. પરંતુ ટૂંક સમયમાં જ આ સેવા બંધ થઈ જતા, પાલિકાના-જનતાનાં અને સાંસદ રંજન ભટ્ટના 33 લાખ રૂપિયા પાણીમાં ગયા છે. સાંસદની રૂપિયા 25 લાખની ગ્રાંટમાંથી આ બસ સેવા ચાલુ થઈ હતી. જેમાં રૂપિયા 8 લાખનું પાલિકાએ પણ યોગદાન આપ્યું હતું.

વડોદરા દર્શનના નામથી ચાલતી હેરિટેજ બસ સેવા પણ બંધ કરી દેવાઇ છે
વડોદરા દર્શનના નામથી ચાલતી હેરિટેજ બસ સેવા પણ બંધ કરી દેવાઇ છે

બસ વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાઇ રહી છે
બે વર્ષથી આ સેવા સદંતર બંધ થઈ ચુકી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા સ્ટેટનો વારસો કે જ્યાં લક્ષ્મી વિલાસ પેલેસ, ન્યાય મંદિર, ચાર દરવાજા, માંડવી, કોઠી કચેરી, કીર્તિ મંદિર, સુરસાગર સહિતની ઐતિહાસિક ઇમારતો સાથે સયાજીબાગ અને આજવા સરોવરને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો વડોદરા આવતા હોય છે. જે લોકો માટે શરૂ કરવામાં આવેલી આ વડોદરા દર્શન બસ છેલ્લા બે વર્ષ ચાલ્યા બાદ વ્હિકલ પુલ ખાતે ધૂળ ખાઇ રહી છે. બસના વ્હિલ પણ રહ્યા નથી.

ઇન્ફોર્મેશન સેન્ટરનો જોઇએ તેટલો ઉપયોગ થયો નથી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પર્યટકો વધે અને કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દેશ-વિદેશથી પર્યટકો આવે છે, તે માટે વડોદરા રેલવે સ્ટેશન પાસે ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યા હતા. તેમજ વડોદરા દર્શન નામે બસ સેવા શરૂ કરવામાં આવી હતી. કોરોનાના કારણે બસ સેવા બંધ કરવામાં આવી હતી. કોરોના કાણ દરમિયાન ઇન્ફોર્મેશન સેન્ટર અને બસ સેવાનો જોઇએ તેટલો ઉપયોગ થઇ શક્યો નથી. પરંતુ, કોર્પોરેશન દ્વારા ઇન્ફોર્મેશન સેન્ટરનો લોકો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેમજ બસ સેવા પણ શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...