વડોદરા શહેરમાં જાહેર માર્ગ ઉપર ભરાતા શાકમાર્કેટ અને શુક્રવારી બજારના કારણે વારંવાર ઉદભવતી સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વડોદરા કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પરિણામે વર્ષોથી હાલાકી ભોગવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને કાયમી ધોરણે રાહત મળી શકે છે. કોર્પોરેશન દ્વારા વડોદરાના નાના-મોટા 60 શાકમાર્કેટની ઓળખ કરીને યાદી તૈયાર કરવામાં આવી છે.
એક શાકમાર્કેટને દૂર કરાયું
વડોદરા શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર શાકભાજીના વેપારીઓએ કબજો જમાવી લીધો છે. કોર્પોરેશન દ્વારા સોમવારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે મુખ્યમાર્ગ ઉપર ભરાતા શાકભાજી માર્કેટને દૂર કરવામાં આવ્યું હતું અને આ માર્કેટ હવે સુપર બેકરી પાસેના પાલિકાના પ્લોટમાં સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેજ રીતે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર વડોદરાના માર્ગો ઉપર નાના-મોટા ભરાતા શાકભાજી માર્કેટ્સનું સ્થળાંતર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.
શાકભાજીના વેપારીઓનો કબજો
વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર ભરાતા શાકભાજીના કારણે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો ભારે હાલાકી વેઠે છે. ઘણી વખત ગેરકાયદે દબાણો અને સામાન્ય અકસ્માત ઝઘડાનું કારણ બને છે. ખાસ કરીને મુખ્ય માર્ગ ઉપર ભરાતા આ પ્રકારના શાકમાર્કેટમાં લારી અને પથારા ધારકો રીતસરનો કબજો જમાવી લેતા મોટાભાગના સ્થળોએ આ કાયમી માથાનો દુખાવો બન્યો છે.
આજીવિકાને ધ્યાનમાં લેવાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ મ્યુનિસિપલ કમિશનરે ચાર રસ્તા ખાતેના લારી ગલ્લાના દબાણો દૂર કરતા થોડા દિવસ માટે રાહત મળી હતી. પરંતુ કોર્પોરેશનની કામગીરી નિષ્ક્રિય બનતા શહેરના મુખ્ય જંક્શનો પર પુન: દબાણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત શુક્રવારી બજારનો નિયમ વિરુદ્ધ વ્યાપ વિસ્તર્યો છે. તેના કારણે પણ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તો બીજી તરફ શ્રમજીવી પરિવારની આજીવિકા પણ જરૂરી છે, ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વડોદરા કોર્પોરેશનને એક્શન પ્લાન બનાવ્યો છે.
ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે
સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં નાના-મોટા 60થી વધુ શાકમાર્કેટ છે. એક શાકમાર્કેટના સ્થળાંતર પાછળ અંદાજે 10 લાખ જેટલા ખર્ચની શક્યતા છે. પ્રથમ તબક્કે ગધેડા શાકમાર્કેટને સુપર બેકરી પાસે કોર્પોરેશનના પ્લોટમાં વેપારીઓને સુવિધા ઉભી કર્યા બાદ ખસેડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદ તમામ શાકમાર્કેટનું આ પ્રકારે સ્થળાંતર થાય જેથી વાહન ચાલકોને રાહત મળે અને વેપારીઓની રોજી રોટી છીનવાય નહીં. તે માટે અલાયદી ગ્રાન્ટ ફાળવવા આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. જે અંગે આગામી દિવસોમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.