RTIમાં ઘટસ્ફોટ:વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ છેલ્લા 13 મહિનામાં 6.49 લાખનો ચા-નાસ્તો ઝાપટી ગયા

વડોદરા2 મહિનો પહેલા
વડોદરા મહાનગરપાલિકાની કચેરી (ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી (ફાઇલ તસવીર)
  • પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને સૌથી વધુ 2.98 લાખ રૂપિયા ખર્ચ કર્યો

વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પદાધિકારીઓએ છેલ્લા 13 મહિનામાં ચા અને નાસ્તા પાછળ રૂપિયા 6.49 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો ઘટસ્ફોટ RTIમાં થયો છે. જેમાં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને સૌથી વધુ 2.98 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. RTI એક્ટિવિસ્ટે આ ખર્ચાઓ ઉપર કાપ મુકી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવા પાછળ ખર્ચ કરવાની માંગણી કરી છે.

મેયરે ચા-નાસ્તા પાછળ 89,172 રૂપિયા ખર્ચ કર્યો
વડોદરા મહાનગર પાલિકાની સભા શાખા તરફથી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ મળતી માહિતી અનુસાર મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર તેમજ સાશક પક્ષના નેતા દ્વારા છેલ્લા 13 મહિનામાં ચા-નાસ્તા પાછળ રૂપિયા 6.49 લાખનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે. માર્ચ 2021થી માર્ચ 2022 સુધીમાં ચા, નાસ્તો તેમજ બર્થ ડે સેલિબ્રેશન પાછળ આ ખર્ચ થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. મેયર કેયુર રોકડિયા દ્વારા 89,172 રૂપિયા ડેપ્યુટી મેયર નંદાબેન જોશી દ્વારા 1,30,050 રૂપિયા, ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલ દ્વારા 2,98,313 રૂપિયા તથા શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચીયા દ્વારા 1,32,019 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાજકીય લોકો અને મળતીયાઓ પાછળ ચા-નાસ્તાનો ખર્ચ કર્યો
આ અંગે RTI એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં શાસકો દ્વારા રૂપિયા 6,49,554 રૂપિયાનો ખર્ચ ચા પાણી નાસ્તા માટે વાજબી નથી. વડોદરા શહેરમાં સમસ્યાની ભરમાળ સાથે પ્રાથમિક સુવિધાનો અભાવ નજરે ચડી રહ્યો છે. સમસ્યાઓની રજૂઆત માટે આવતી પ્રજા માટે નહીં, પરંતુ, મુખ્યત્વે રાજકીય લોકો અને મળતીયાઓ પાછળ ચા-નાસ્તાનો ખર્ચ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...