વડોદરામાં મહારાજા સયાજી યુનિવર્સિટીમાં છેલ્લા બે દિવસથી હંગામી કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સહિત વિવિધ પ્રશ્નો સાથે હેડ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે આંદોલનના બીજા દિવસે 800 જેટલા હંગામી કર્મચારીઓએ વાજાપેટી, તબલા, મંજીરા જેવા વાંજિત્રો સાથે ભજન-કિર્તન કર્યું હતું અને સત્તાધિશોને હંગામી કર્મચારીઓના પ્રશ્નો ત્વરીત હલ કરવાની માંગણી કરી હતી. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ અને ઓફિસોમાં સન્નાટો જોવા મળ્યો હતો.
કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા કચેરીઓમાં સન્નાટો
યુનિવર્સિટી દ્વારા આઉટ સોર્સીંગથી ભરતી કરવાનો પરિપત્ર જારી કરતા રોષે ભરાયેલા કર્મચારીઓએ બે દિવસથી આંદોલનનું રણશીંગુ ફૂ્કયું છે. આજે આંદોલનના બીજા દિવસે આંદોલનને ઉગ્ર બનાવવા સાથે કર્મચારીઓએ યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે ભજન-કિર્તન કરી સત્તાવાળાઓને સદબુધ્ધિ મળે તેવો પ્રયાસ કર્યો હતો. ચાથા વર્ગના કર્મચારીઓ સહિત અન્ય કર્મચારીઓ આંદોલનમાં જોડાતા ફેકલ્ટીઓ અને ઓફિસોમાં અસર જોવા મળી હતી.
માંગણીઓ સંતોષવામાં નહિં આવે ત્યાં સુધી આંદોલન
આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આજે અમારી યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓના વિરોધનો બીજો દિવસ છે. આ યુનિવર્સિટીના જે સત્તાધિશો છે. તે આઉટ સોર્સિંગની નીતિ લાગુ કરવા જઈ રહ્યા છે, ત્યારે આઉટ સોર્સિંગની નીતિના માધ્યમથી યુનિવર્સિટીના કર્મચારીઓનું શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 20થી 25થી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે. યુનિવર્સિટી પાસે સત્તા હોવા છતાં સરકારને આગળ ધરીને આઉટ સોર્સિંગની નીતિ લાગુ કરવા જઈ રહી છે. જેથી અમારા 800 હંગામી અને બિન શૈક્ષણિક કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી યુનિવર્સિટીની હેડ ઓફિસ પર વિરોધ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી આઉટ સોર્સિંગની નીતિ પાછી નહિં ખેંચાય અને કર્મચારીઓને કાયમી કરવામાં નહિં આવે ત્યાં સુધી યુનિવર્સિટીના એક પણ હંગામી કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.