રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી મુજબ વિગત એવી છે કે, શહેરના અટલાદરા વિસ્તારમાં જે-504, અક્ષર પેરેડાઇઝ નારાયણમાં નિતીન રમેશછંદ્ર મહેતા પરિવાર સાથે રહે છે. અને ઇન્સ્ટ્રુમેન્ટેશનનું કામ કરે છે. તેઓને વેપાર માટે નાણાંની જરૂરીયાત ઉભી થતાં મિત્ર દ્વારા આનંદપુરા લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્ષમાં ઓમ ફાઇનાન્સ નામની ઓફિસ ધરાવતા પ્રણવ રક્ષેશ ત્રિવેદી અને રક્ષેશ રજનીકાંત ત્રિવેદીનો સંપર્ક કરાવ્યો હતો.
અગાઉ લીધેલા નાણાં ચૂકવી દીધા હતા
ધીરધારનો ધંધો કરતા પ્રણવ ત્રિવેદી સાથે મિટીંગ થયા બાદ તેઓએ માસિક 1.5 ટકાના વ્યાજે નાણાં ધીરતા હોવાનું જણાવ્યું હતું. સાથે કોરા ચેક અને 100 રૂપિયાનો સ્ટેમ્પ ઉપર સહી કરી આપવી પડશે તેમ જણાવ્યું હતું. જે અંગેની તૈયારી બતાવતા પ્રણવ ત્રિવેદી પાસેથી વર્ષ-2013માં રૂપિયા 5,04,000 માસિક દોઢ ટકાના વ્યાજે લીધા હતા. અને તે રકમ વ્યાજ સહિત વર્ષ-2017માં ચૂકવી દીધા હતા.
ચેક અને સહી કરેલો સ્ટેમ્પ પરત ન આપ્યા
દરમિયાન વર્ષ-2018 થી 2020 દરમિયાન ટુકડે-ટુકડે રૂપિયા 56.12 લાખ માસિક 1.5 ટકાના વ્યાજે લીધા હતા. આ રકમ નિતીનભાઇ મહેતાએ વર્ષ-2018 થી 2020 દરમિયાન રોકડેથી તેમજ ચેક દ્વારા રૂપિયા 1,38,30, 513 વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. આમ છતાં, પિતા-પુત્ર પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી રૂપિયા 26 લાખની બાકી કાઢી ઉઘરાણી કરતા હતા. અને અગાઉ લીધેલા 12 કોરા ચેક તેમજ સહીઓ કરેલા 100 રૂપિયાના સ્ટેમ્પ પરત કરતા ન હતા.
નાણાં બાકી કાઢી ઉઘરાણી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વ્યાજખોર પિતા-પુત્રએ વધારાના રૂપિયા 26 લાખ બાકી કાઢી ઉઘરાણી કરતા નિતીનભાઇ મહેતાએ 2020થી નાણાં આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં વ્યાજખોરોએ પ્રતિદિન રૂપિયા 12,285 વ્યાજ પેટે આપવા માટે અવાર-નવાર ફોન કરતા અને ધમકીઓ આપતા હતા. હિસાબ માંગવા છતાં વ્યાજખોરો હિસાબ આપતા ન હતા. અને માત્રનેમાત્ર બાકી નાણાં કાઢીને ધમકીઓ આપતા હતા.
રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ
દરમિયાન વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી ગયેલા નિતીનભાઇ મહેતાએ આખરે રાવપુરા પોલીસ મથકમાં વ્યાજખોર પ્રણવ રક્ષેશ ત્રિવેદી અને રક્ષેશ રજનીકાંત ત્રિવેદી (બંને રહે. 41, એન્ટીકા ગ્રીનવુડ સોસાયટી, અંકોડીયા રોડ, સેવાસી, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી હતી. રાવપુરા પોલીસે મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અનેક ફરિયાદો નોંધાઇ છે
ઉલ્લેખનિય છે કે, વ્યાજખોર પિતા-પુત્ર સામે અગાઉ અનેક મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઇ છે. અને હાલ તેઓ જેલાની હવા ખાઇ રહ્યા છે. પિતા-પુત્ર સામે રોજબરોજની ફરિયાદો નોંધાઇ રહી છે. જેમાં વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.