તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી અત્યાચાર:વડોદરામાં પરિણીતાને તેની સાસુ માસિક ધર્મ વખતે પિયર મોકલી દેતી, કેનેડા જવા 6 લાખ ન અપાતા પતિ માનસિક ત્રાસ આપતો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણીતા પર અસહ્ય ત્રાસ ગુજારાતા આખરે પોલીસમાં ફરિયાદ કરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
પરિણીતા પર અસહ્ય ત્રાસ ગુજારાતા આખરે પોલીસમાં ફરિયાદ કરી છે.(પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • હનીમૂન વખતે પરિણીતાને પતિ માંસાહારી હોવાની ખબર પડી

કેનેડા જવા માટે પિયરમાંથી રૂપિયા 6 લાખ ન લાવનાર પરિણીતા ઉપર ત્રાસ ગુજારતા પતિ સહિત સાસરીયાઓ સામે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, માસિક ધર્મમાં આવું ત્યારે સાસુ પિયરમાં મોકલી દેતી હતી.

પતિએ હનીમૂનમાં ઝઘડો કરેલો
દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસનો ભોગ બનેલી પરિણીતા પ્રાચીબેને (નામ બદલ્યુ છે) લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે પ્રાચી અને હાલ પાદરા અફિણવાળાની ગલીમાં રહેતા રાકેશ જગદીશચંદ્ર ઉપાધ્યાયનો સંપર્ક લગ્નની વેબસાઈટ દ્વારા થયો હતો. સંપર્ક થયા બાદ વર્ષ 2017માં સમાજના રીતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ આઠ દિવસના પેકેજમાં કેરાલા ખાતે હનીમૂન કરવા ગયા હતા. જ્યાં સવારે બ્રેકફાસ્ટમાં રાકેશ ઉપાધ્યાયે ઈંડા ભુરજી મંગાવતા બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો.

માસિક ધર્મ વખતે પિયર મોકલી દેતા
હનીમુન કરીને પરત ફર્યા બાદ રાકેશ માસાહારી હોવાનું પ્રાચીને ખબર પડતાં તે ચોંકી ઉઠી હતી. પરંતુ સાંસારિક જીવન ન બગડે તે માટે પોતાના સુખી લગ્નજીવન માટે દિવસો પસાર કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રાચીબેન માસિક ધર્મમાં આવ્યા, ત્યારે સાસુ અરુણાબેન પિયરમાં મોકલી દેતા હતા. લગ્ન અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતી પ્રાચીએ લગ્ન બાદ વર્ષ 2018માં સાસરિયાઓના ત્રાસથી નોકરી પણ છોડી દીધી હતી.

કેનેડા જવા માટે રૂપિયા મંગાતા
પ્રાચીના જેઠ અને જેઠાણીએ કેનેડા જવા માટે ત્રણ વર્ષ અગાઉ ફાઇલ મૂકી હતી. મોટાભાઈનું જોઈને પ્રાચીના પતિ રાકેશે ખાનગી કંપનીની નોકરી છોડી દઈ કેનેડા જવા માટે મોટાભાઈએ જે એજન્સીમાં ફાઇલ મૂકી હતી. તે એજન્સીમાં ફાઇલ મૂકી હતી. તે માટે રૂપિયા 6.50 લાખ ભરવાના હતા. જે રકમ ભરવા માટે પતિ તેમજ સાસરિયાઓએ પ્રાચીને પિયરમાંથી રૂપિયા 6.50 લાખ લઈ આવવા માટે દબાણ શરૂ કર્યું હતું.

6 લાખ ન લવાતા ત્રાસ આપવા લાગ્યા
સાસરિયાઓના દબાણને વશ થઈ આખરે પ્રાચી રૂપિયા 50 હજાર પોતાના ફોઈ પાસેથી લાવીને પતિને આપ્યા હતા. બાકીના રૂપિયા 6 લાખની પતિ રાકેશે પોતાની બચતમાંથી ઉપાડીને કુલ રૂપિયા 6.50 લાખ કેનેડા જવા માટેની ફીના ભર્યા હતા. પતિ રાકેશ રૂપિયા 6 લાખ વ્યાજે લાવ્યો હતો હોવાનું પત્ની પ્રાચીને જણાવી પિયરમાંથી પિતા પાસેથી રૂપિયા 6 લાખ લઈ આવવા માટે દબાણ કર્યું હતું. પરંતુ પ્રાચી રૂપિયા 6 લાખ લાવવા માટેનો ઇન્કાર કરતાં પતિ રાકેશ, સાસુ અરુણાબેન, જેઠ, જેઠાણી અને નણંદ, નણંદોઇએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

ગર્ભપાત માટે દબાણ થયુ હતું
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2019 માં પ્રાચી ગર્ભવતી બની હતી. ત્યારે પતિએ પ્રાચી ઉપર ગર્ભપાત કરાવવા માટે પણ દબાણ કર્યું હતું. જોકે પ્રાચી ગર્ભપાત કરાવવા માટે દબાણને વશ થઇ ન હતી. અને 2020માં બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ પ્રાચી પિયરમાં જતા દસ માસ સુધી પતિ રાકેશ તેમજ કોઈ સાસરિયાઓ મળવા પણ આવ્યા ન હતા.

6 લાખ માટે સાસરીવાળા ઘરે આવેલા
દરમિયાન તારીખ 22-7-2020 ના રોજ પ્રાચીને પતિ રાકેશે ફોન કરીને જણાવ્યું કે લગ્ન સમયે આપેલા સ્ત્રી ધનમા દાગીના અને રૂપિયા 6 લાખ તૈયાર રાખજે. નહિ તો અમને કઢાવતા આવડે છે. તેમ જણાવી ધમકી આપી હતી. બીજા દિવસે પતિ રાકેશ, સાસુ અરુણાબેન, જેઠ રવિન્દ્ર, જેઠાણી પાયલબેન (રહે. 204, ટાવર નંબર 6, લાભ રેસીડેન્સી, અટલાદરા )નણંદ શીલાબેન, નંણદોઇ ચિરાગ પંડ્યા (રહે. 560 આનંદ નગર, કારેલીબાગ,વડોદરા ) અને મામા સસરા હર્ષદભાઈ પંડ્યા (રહે. કાશીવિશ્વનાથ મંદિરની પાછળ રાજમહેલ રોડ, વડોદરા) પ્રાચીના પિતાના ઘરે આવી પહોંચ્યા હતા અને રૂપિયા 6 લાખની માગણી કરી હતી.

રૂપિયા ન અપાતા ધમકી મળેલી
પ્રાચી અને તેના પિતાએ રૂપિયા છ લાખ આપવાનો ઈન્કાર કરતા સાસરિયાઓએ ધમકી આપતા જણાવ્યું હતું કે જો તમે 6 લાખ અને સ્ત્રી ધનમા આપેલ સોનાના દાગીના પરત નહીં કરો તો પ્રાચી અને તેની દીકરીને ક્યારેય અમે લઈ જઈશું નહીં. તેવી ધમકી આપી રવાના થઇ ગયા હતા.દરમિયાન પ્રાચીએ આ અંગેની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પતિ રાકેશ ઉપાધ્યાય, સાસુ અરુણાબેન, જેઠ,જેઠાણી, નણંદ, નણંદોઇ અને મામા સસરા સામે નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...