કહેવાતી દારૂની બંધી વચ્ચે ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું નેટવર્ક વ્યવસ્થિત ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં ચૂંટણી હોવાથી બૂટલેગરો અને દારૂના ઠેકેદારો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા સક્રિય થઇ ગયા છે. જો કે, પોલીસ તંત્ર પણ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા દારૂના નેટવર્કને તોડવા માટે એલર્ટ છે. પરંતુ, ગુજરાતની બોર્ડરો ઉપર પોલંપોલ ચાલી રહ્યું છે. અને છેક વડોદરા સુધી દારુ આવી જાય છે. જોકે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પુનઃ એકવાર બાતમીના આધારે ચણાના છોતરાના ભૂસાની આડમાં રાજકોટ લઇ જવાતો રૂપિયા 16.32 લાખની કિંમતનો જંગી જથ્થો જરોદ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
જરોદ રેફરલ પાસે વોચ ગોઠવી
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી હોવાથી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ અંગેની મને માહિતી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો દારુ ગોધરાથી વડોદરા થઇ રાજકોટ જવાનો છે. જે માહિતીના આધારે જરોદ રેફરલ હોસ્પિટલ ચોકડી પાસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.જે. ખરસાણ, અ.હે.કો. ભુપતભાઇ, મેહુલસિંહ, વિનોદસિંહ, શક્તિસિંહ, સિધ્ધરાજસિંહ અને દેવરાજસિંહ સહિતના સ્ટાફને વોચમાં ગોઠવી દેવામાં આવ્યા હતા. વોચમાં ગોઠવાયેલી પોલીસે પસાર થતાં વાહનોનું ચેકીંગ શરૂ કર્યું હતું. દરમિયાન બાતમીવાળો ટેમ્પો પસાર થતા ઉભો રાખી તપાસ કરતા દારુ મળી આવ્યો હતો.
છોતરાના ભુસામાં દારૂની પેટીઓ હતી
તેમણે વધુમાં જણાવ્યું કે, બાતમી મળતા જ એલ.સી.બી.ની ટીમ જરોદ રેફરલ ચોકડી પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમીવાળો આવતા જ પોલીસે ટેમ્પોને રોક્યો હતો. અને ટેમ્પોમાં તપાસ કરતા ચણાના છોતરાના ભુસા ભરેલા કોથળા જણાઇ આવ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા પોલીસને વિદેશી દારુની 280 પેટી મળી આવી હતી. પોલીસે દારૂનો મોટો જથ્થો જોતા ચોંકી ઉઠી હતી. ટેમ્પોમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલા ટેમ્પો ચાલક કમલેશ ભાગીરથ બિશ્નોઇ (રહે. પુનાસા, તા.વીનમાલ, જિ.ઝાલોર (રાજસ્થાન)ની અટકાયત કરી લીધી હતી.
જરોદ પોલીસ મથકમાં ફરિયાદ
પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂના જથ્થા અંગે ટેમ્પો ચાલક કમલેશ બિશ્નોઇની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો નરેશ બિશ્નોઇ (રહે. સાચોર, રાજસ્થાન)એ હરીયાણા જિંદ ખાતેથી આપ્યો હતો. અને ગુજરાતના રાજકોટ પહોંચીને નરેશ બિશ્નોઇને ફોન કરવાનો હતો. તેઓ ત્યાંથી સુચના આપે ત્યાં લઇ જવાનો હતો. આ બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં કમલેશ બિશ્નોઇ અને દારૂનો જથ્થો મોકલનાર નરેશ બિશ્નોઇ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
280 પેટી દારૂ પકડાયો
પોલીસે રૂપિયા 16,32,000 ની કિંમતનો ભારતીય બનાવટની દારૂ ભરેલી 280 નંગ પેટી, મોબાઇલ ફોન, ટ્રક મળી કુલ રૂપિયા 26,76,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે ટ્રકચાલક પ્રકાશ બિશ્નોઇની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયારા ગામ પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
જંબુસર લઇ જવાતો દારુ પકડાયો
આ ઉપરાંત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે મારબલ પાઉડરની આડમાં લઇ જવાતો રૂપિયા 96 હજારનો ભારતીય બનાવટનો જથ્થો સિંધરોટ પાસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ દારુનો જથ્થો જંબુસર ખાતે લઇ જવાતો હતો. અને આ જથ્થો ટેમ્પોમાં મારબલના પાઉડર ભરેલી થેલીઓની આડમાં લઇ જવાતો હતો. પોલીસે ટેમ્પો ચાલક ચુનીલાલ દાલુજી ચૌહાણ (રહે. સંતરામનગર, પાદરા) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારુના જથ્થો તેમજ ટેમ્પો સહિત રૂપિયા 6,14,000નો મુદ્દામાલ કબજે કરી કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.