તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાફેરી:વડોદરા LCBએ ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 3 કેરિયરને ઝડપી પાડ્યા, 2.73 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ સાથે ઝડપાયેલા 3 આરોપીઓ - Divya Bhaskar
દારૂ સાથે ઝડપાયેલા 3 આરોપીઓ
  • પોલીસને જોતા જ કાર ચાલકે કાર ગોપાલપુરાથી અંદર જવાના માર્ગ ઉપર ભગાડી મૂકી હતી

કારમાં વડોદરા લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા જિલ્લા પોલીસે બાતમીના આધારે ડભોઇ-બોડેલી રોડ ઉપર આવેલા દીપાપુરા ગામ પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ત્રણ કેરીયરો કારમાં વિદેશી દારૂ લઇને વડોદરા તરફ આવી રહ્યા હતા. પોલીસે ત્રણ કેરિયરની ધરપકડ કરીને 2.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને 7 લાખ રૂપિયાની કિંમતની કાર મળી કુલ રૂપિયા 9.94 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

LCBની ટીમ ડભોઇ-બોડેલી રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહી હતી
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં દારૂની પ્રવત્તીઓ અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેને પગલે LCBના PSI એમ.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મસુલભાઇ દલાભાઇ, વિપુલકુમાર શિવશંકર, લાલજીભાઇ ખોડુભાઇ, હરીશચંદ્રસિંહ નટવરસિંહ અને વિજયકુમાર પુનમભાઇ ડભોઇ-બોડેલી રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અને પસાર થતાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા.

નંબર વગરની કાર પોલીસે જપ્ત કરી
નંબર વગરની કાર પોલીસે જપ્ત કરી

કારમાં દારૂ લઇને કેરિયર નીકળ્યા હોવાની બામતીને આધારે દારૂ ઝડપાયો
દરમિયાન વાહનોનું ચેકિંગ કરી રહેલા સ્ટાફને માહિતી મળી હતી કે, છોટાઉદેપુરથી એક બ્લુ કલરની કાર વિદેશી દારૂ ભરીને વડોદરા આવવા નીકળી છે. જેને આધારે ગોપાલપુરા ગામ પાસે માહિતીવાળી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી અને કાર ગોપાલપુરાથી અંદર જવાના માર્ગ ઉપર ભગાડી મૂકી હતી. જોકે, સ્ટાફના જવાનોએ કારનો ફિલ્મીઢબે પીછો કરીને કાર દીપાપુરા ગામ પાસે ઝડપી પાડી હતી. પોલીસે સ્ટાફે કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા 2,73,600ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂપિયા 7 લાખની કિંમતની કાર તેમજ રૂપિયા 20,500ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 9,94,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ડભોઇ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
આ સાથે પોલીસે છોટાઉદેપુર-બોડેલી તરફથી વિદેશી દારૂ લઇને વડોદરા તરફ આવી રહેલા બાબર હબીબખાન પઠાણ (રહે. નવીધરતી, નાગરવાડા, વડોદરા), આમીન રફીક શેખ (રહે. નવીધરતી, નાગરવાડા, વડોદરા) અને ચેતન અશોક રણા (રહે. મકાન નંબર-58, ગોલવાડ, નાગરવાડા, વડોદરા)ની ધરપકડ કરી હતી. LCBએ આ બનાવ અંગે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડભોઇ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.