પતંગ-દોરા બજારમાં ઘરાકી નીકળી:વડોદરાના પતંગ-દોરાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો, પતંગ રસીયાઓ કહે છે 'ઉત્સાહ સામે મોંઘવારી કંઇ નથી'

વડોદરા15 દિવસ પહેલા
પતંગ-દોરા બજારમાં ઘેરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ

બાળકોથી લઇ અબાલવૃદ્ધોના અદકેરા ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉત્સવપ્રિય નગરીના લોકોમાં પર્વને અપાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા માટે અનેરો થનગાનાટ જોવા મળી રહ્યો છે. જેમાં યુવાધન દ્વારા પર્વને રંગચંગે ઉજવવા માટે આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી બાજુ વડોદરાના જાણીતા પતંગ બજાર માંડવી-ચોખંડી રોડ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં લાગેલા પતંગ-દોરા બજારોમાં ખરીદી માટે ભીડ ઉમટી પડી છે. આ વર્ષે પતંગોના ભાવોમાં 20થી 25 ટકાનો અને દોરામાં 25થી 30 ટકાનો ભાવ વધારો હોવા છતાં, પતંગ રસીયાઓમાં પર કોઇ અસર જોવા મળી હતી. પતંગ રસીયાઓ કહે છે કે, અમે ફૂલ એન્જોય સાથે ઉત્તરાયણ મનાવવાના છીએ.

પતંગોના ભાવ વધ્યા
પતંગના વેપારી અતુલભાઇ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, પતંગો બનાવવા માટેના મટીરીયલ અને લેબરમાં ભાવ વધારો થવાથી પતંગોના ભાવમાં 20થી 25 ટકાનો ભાવ વધારો છે. જ્યારે દોરામાં 25થી 30 ટકાનો ભાવ વધારો છે. આજથી બજારમાં ઘરાકી નીકળી છે. ઉત્તરાયણને આડે બે દિવસ બાકી રહ્યા છે. કેવી ઘરાકી નીકળે છે તે જોવાનું છે. આ વખતે વેપારીઓને પતંગો પડી રહે તેવી ભીતી છે. જો પતંગો નહીં વેચાય તો વેપારીઓને પતંગોનું વેચાણ કરવા માટે હરાજીમાં ઓછા ભાવ કરીને વેચવાનો વખત આવશે. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વના પૂર્વ દિવસે પતંગ બજારમાં હરાજી જેવો માહોલ રહેશે. પોલીસ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

મન મૂકીને પતંગ-દોરા સહિત વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહેલા પતંગ રસીયા.
મન મૂકીને પતંગ-દોરા સહિત વિવિધ વસ્તુઓની ખરીદી કરી રહેલા પતંગ રસીયા.

ખરીદી મોંઘી પડી છે
સંજયભાઇ ચુનારા નામના વેપારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પતંગોના ભાવમાં 30 ટકાનો કોઈ વધારો થયો છે. જોકે, આ વખતે પતંગોની ખરીદી મોંઘી પડી છે. અમે ખંભાતી પતંગો વધારે વેચીએ છે. પરંતુ, પતંગ-દોરા બજારમાં ઘરાકી નથી. બે દિવસમાં ઘરાકી નીકળશે તેવી અમને આશા છે. મને લાગે છે કે, હવે ધીરે-ધીરે લોકોનો ક્રેઝ ઓછો થતો જાય છે. જો પતંગો નહીં વેચાય તો ખોટ ખાઇને અમારે પતંગોનો નિકાલ કરવો પડશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરાના બજારોએ જમાવટ કરી.
શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ-દોરાના બજારોએ જમાવટ કરી.

ઉત્તરાયણ પ્રિય તહેવાર
પતંગો ખરીદવા માટે આવેલા ગ્રાહક ભરતભાઇએ જણાવ્યું હતું કે, પતંગ-દોરા સહિત ઉત્તરાયણના ઉત્સાહમાં વધારો કરતી વિવિધ ચિજવસ્તુઓમાં ભલે ભાવ વધ્યો હોય., પરંતુ ઉત્તરાયણ પર્વને ધામધૂમથી ઉજવવામાં કોઇ ઓટ આવશે નહીં. ઉત્તરાયણ પર્વ હિંદુઓનો પ્રિય તહેવાર છે. સૌ કોઇ આ તહેવાર મનાવે છે. અમે પણ ઉત્સાહભેર ઉત્તરાયણ મનાવવા તૈયારી કરી લીધી છે. મેં 5 કોડી પતંગની ખરીદી કરી છે.

આકાશી યુદ્ધ ખેલવા માટે તૈયાર દોરીની ખરીદીમાં વધારો.
આકાશી યુદ્ધ ખેલવા માટે તૈયાર દોરીની ખરીદીમાં વધારો.

ઉત્સાહ આગળ મોંઘવારી કંઇ નથી
પતંગ રસીયા પ્રિત દેસાઈએ જણાવ્યું હતું કે, પતંગો અને દોરા ચોક્કસ મોંઘા છે. પરંતુ, અમારા ઉત્સાહની આગળ કંઇ નથી. મેં અને મારા ગૃપ દ્વારા 6 કોડી પતંગોની ખરીદી કરી છે. ઉત્સાહભેર ઉત્તરાયણ મનાવવા માટે અમે તમામ તૈયારી કરી લીધી છે. ફૂલ એન્જોય સાથે ઉત્તરાયણ મનાવવાના છે. ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે. બે દિવસ ટેરેસ ઉપરજ રહીશું અને ઉત્તરાયણ પર્વને મોજથી મનાવીશું.

પતંગ બજારોમાં ઘરાકી છૂટી
ઉત્તરાયણ પર્વ નિમિતે બજારમાં અવનવા અવાજ કરતા પ્લાસ્ટિકના બ્યુગલ (ભુંગરા), તાપ સામે આંખોને રક્ષણ આપવા અવનવા ડિઝાઈનર ગોગલ્સ, વિવિધ પ્રકારની માથે પહેરવાની ટોપી અને બાળકો માટેના જાણીતા કાર્ટૂન કિરદારના ફેસ માસ્ક સાથે બાળકો માટે લાઈટવાળા ચશ્માં અને હેર પીન બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પતંગ-દોરા બજાર શરૂ થતાંની સાથેજ લોકો વિવિધ ચિજવસ્તુઓની ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા હોઇ, સવારથી મોડી રાત સુધી પતંગ-દોરા બજાર કિડીયારાની જેમ ઉભરાઇ રહ્યા છે.

પતંગ-દોરા મોંઘા હોવા છતાં મનમૂકીને પતંગ-દોરાની પતંગરસીયાોની ખરીદી.
પતંગ-દોરા મોંઘા હોવા છતાં મનમૂકીને પતંગ-દોરાની પતંગરસીયાોની ખરીદી.

બજારો બ્યુંગલોથી ગુંજી ઉઠ્યા
બાળકો માટે પતંગ બજારમાં સ્પાઇડર મેન, ડોરો મોન, છોટા ભીમ સહિતના નાના-મોટા કદના પતંગો પણ બાળકોમાં આકર્ષણરૂપ બન્યા છે. તો બીજી બાજુ અવકાશી યુધ્ધ ખેલવાના શોખિન પતંગ બાજો દ્વારા પણ નાના-મોટા કદના પતંગોની ધૂમ ખરીદી કરી રહ્યા છે. માંડવી વિસ્તારના બ્યુગલોના અવાજથી ધણધણી ઉઠ્યા છે. લોકોનો ધસારો થવાના કારણે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ રહી છે.

પતંગની ખરીદી રહેલ યુવાન.
પતંગની ખરીદી રહેલ યુવાન.

પોલીસ તંત્ર દ્વારા સૂચના
ઉલ્લેખનિય છે કે, વડોદરાનો વિસ્તાર વધવાના કારણે પતંગ-દોરા બજાર હવે માંડવી-ચાંપાનેર દરવાજા વિસ્તાર સિમીત ન રહેતા શહેરના સંગમ ચાર રસ્તા, અમદાવાદી પોળ-રાવપુરા રોડ, પોલો મેદાન, ન્યુ કોર્ટ રોડ, જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં મોટા પાયે પતંગ-દોરા બજારોએ જમાવટ કરી છે. ઉત્તરાયણ પર્વને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા તમામ પતંગ-દોરા બજારોમાં ભારે ધસારો થઇ રહ્યો છે. આવનારા કલાકોમાં હજુ વધુ ભીડ જામશે તેવી શક્યતાઓને લઇ પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સતત લાઉડ સ્પિકર દ્વારા ઉત્સવપ્રિય નગરજનોને જીવલેણ ચાઇનીસ દોરીનો ઉપયોગ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે. તે સાથે વેપારીઓને પણ ચાઇનીસ દોરીનું વેચાણ ન કરવા પણ સુચના આપવામાં આવી રહી છે.

ઉત્તરાયણને ઉત્સાહભેર મનાવવા તૈયાર.
ઉત્તરાયણને ઉત્સાહભેર મનાવવા તૈયાર.

ઉંધીયું-જલેબીનું આયોજન
ઉત્સવપ્રિય વડોદરાના લોકો દ્વારા તા.14 અને તા.15 એમ બે દિવસ રંગ બે રંગી પતંગોથી અવકાશી યુધ્ધ ખેલવા માટે મેદાનરૂપ ટેરેસોની સાફ-સફાઇ કરીને લાઉડ સ્પિકરો ગોઠવી દેવામાં આવ્યા છે. બીજી બાજુ પતંગ રસીયાઓ દ્વારા ટેરેસમાંજ પતંગોનો આનંદ માણવા સાથે ઉંધીયું-જલેબીની જયાફત માણવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...