એક્સક્લૂઝિવ:ગુજરાતનાં 4 મહાનગરમાં માત્ર વડોદરા જ એવું શહેર, જ્યાં પ્રથમ નાગરિક મેયરનું સત્તાવાર નિવાસસ્થાન જ નથી

વડોદરાએક મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • અમદાવાદ, સુરત અને રાજકોટ એમ ત્રણેય મહાનગરમાં મેયર બંગલો છે
  • સુરતમાં મેયરનો આલીશાન 6 બેડરૂમનો 5 કરોડનો બંગલો
  • વડોદરામાં જગ્યાના વિવાદમાં શહેરના પ્રથમ નાગરિક મેયર બંગલાવિહોણા

વડોદરામાં ગાયકવાડી શાસન દરમિયાન પ્રજાની સુવિધાઓ માટે ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ દેશની આઝાદીનાં આટલા વર્ષો બાદ પણ વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર માટે સત્તાવાર નિવાસસ્થાન બનાવવામાં તંત્ર નબળું અને નિષ્ફળ નીવડ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં ચાર મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વડોદરામાં જ એક એવું શહેર છે, જ્યાં મેયર બંગલો નથી. જ્યારે બીજી તરફ વડોદરામાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જજ, વાઇસ-ચાન્સેલર માટે સત્તાવાર નિવાસસ્થાનોની સુવિધા છે.

મેયર બંગલો હોવો જોઈએ એમાં મારી ના નથી: કેયૂર રોકડિયા
વડોદરાના મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં ચાર મહાનગરમાં વડોદરા શહેરમાં મેયર બંગલાની સુવિધા નથી, ત્યારે મારું એટલું જ માનવું છે કે મેયર બંગલો હોવો જોઇએ એમાં મારી ના નથી, પરંતુ જ્યાં સુધી મારો પોતાનો અભિપ્રાય પૂછવામાં આવે તો મારે મેયર બંગલાની જરૂર નથી, એને કારણે જે-તે સમયે જ્યારે મને પણ કહેવામાં આવ્યું કે મેયર બંગલો આપ બનાવો. ત્યારે મેં એ ખર્ચ કરતાં કોરોનાના સમયમાં લોકોને અને દર્દીઓને વધુ સુવિધા મળે એ દિશામાં ચિંતા કરીને મેયર બંગલો નિર્માણ કરવાની ના પાડી હતી. આમ છતાં ભવિષ્યમાં જરૂરિયાત ક્યાંક દેખાશે તો મેયર બંગલો ક્યાં બનાવી શકાય અને ઓછા ખર્ચે બનાવી શકાય તથાને આવનાર મેયર કદાચ એને કેવી રીતે વાપરે એ દિશામાં હું ચિંતા કરીશ, પણ હાલમાં મારે મેયર બંગલાની જરૂર નથી, એટલે હાલના તબક્કે મેયર બંગલા વિશે મેં કોઇ વિચાર કર્યો નથી.

મારા મતે બંગલો બને તો કમાટીબાગમાં બને: મેયર
શહેરમાં મેયર બંગલો બનાવવો હોય તો કઇ જગ્યાએ બનાવવો જોઇએ? એવા સવાલનો જવાબ આપતાં કેયૂર રોકડિયાએ કહ્યું હતું કે મેયર બંગલો બનાવવો હોય તો કમાટીબાગની અંદર મ્યુનિસિપલ કમિશનરનો બંગલો છે એ જ ભાગની અંદર ક્યાંક બનાવી શકાય એવું મારું માનવું છે, પરંતુ હાલમાં પ્રાથમિક તબક્કે આ અંગે અમે વિચારણા સુધ્ધાં પણ કરી નથી. એવી કોઇ ચર્ચા પણ પ્રાથમિક થઇ નથી કે મેયર બંગલો ક્યાં હોવો જોઇએ કે ક્યાં ન હોવો જોઇએ, પરંતુ એ દિશામાં ભૂતકાળમાં જે જમીન ફાળવાઈ છે એ પણ મને ખબર નથી, પરંતુ મેયર બંગલા માટે વિચારણા ભૂતકાળમાં થઇ હતી. જોકે હાલના તબક્કે કોઇ પ્રાથમિક ચર્ચા પણ નથી

મારા ઘરે નાગરિકો રજૂઆત લઈને આવી શકે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારો પોતાનો મત તો એવો છે કે એ રૂપિયાનો ખર્ચ લોકોની સુવિધામાં થવો જોઇએ. ક્યાંક જરૂરિયાત દેખાશે તો બીજા મેયર વાપરી શકે એ માટે આગામી આયોજન હશે તો વિચારીશું. વડોદરા શહેરનો કોઇપણ નાગરિક મેયર ઓફિસ પર આવી શકે અને જરૂરિયાત જણાય તો મેયરના ઘરે પણ જઇ શકે. આજે મારું પોતાનું ઘર છે ત્યાં કોઇપણ નાગરિક પોતાના પ્રશ્નોની રજૂઆત લઇને આવી શકે છે.

મેયર બંગલો અલકાપુરી કે બીજે ક્યાંક બનાવો: રાવત
વડોદરામાં કોંગ્રેસના નેતા અને પ્રવક્તા નરેન્દ્ર રાવતે મેયર બંગલા અંગે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં જે-તે શહેરના પ્રથમ નાગરિક મેયર બંગલો એક સત્તાવાર નિવાસસ્થાન છે. કમનસીબે વડોદરા શહેર ઐતિહાસિક નગરી છે, પરંતુ અહીં મેયરનું કોઇ સત્તાવાર નિવાસસ્થાન નથી. હું ચોક્કસપણે માનું છું કે કોઇપણ શહેરનો પ્રથમ નાગરિક મેયર, જેની પર શહેરની જવાબદારી હોય, દેશ-વિદેશના તમામ લોકોને તેમને મળવાનું હોય છે. તો તેમને મળવાની એક જગ્યા નક્કી હોવી જોઇએ, જેને કારણે મેયરના પદનું સન્માન જળવાઇ રહે.

અધિકારીઓના બંગલા છે તો મેયરનો બંગલો કેમ નહીં?
તેમણે કહ્યું હતું કે જો કોઇ ચૂંટાઇને આવેલા મેયર આર્થિક રીતે મજબૂત પણ ન હોય તો આ પ્રકારના નિવાસસ્થાનને કારણે સગવડ પણ મળે, સન્માન પણ મળે અને મેયરની સુરક્ષાને લઇને જે વ્યવસ્થા હોય એ પણ થઇ શકે. જેથી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હોવું જોઇએ એવી અમારી માગણી પણ છે. ભૂતકાળમાં આ અંગે અમે માગણી કરેલી છે. આપ જોઇ શકો છો કે મ્યુનિસિપલ કમિશનરનો આલીશાન બંગલો જો કમાટીબાગમાં ખૂબ મોટા સ્તરે હોય, અલકાપુરીમાં વડોદરાના જજ હોય, કલેક્ટર હોય, પોલીસ કમિશનર હોય, તમામના ખૂબ મોટા બંગલા આવેલા છે. તો પછી મેયરનો કેમ નહીં?

મેયર લોકોને મળી શકે એવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ
નરેન્દ્ર રાવતે કહ્યું હતું કે મેયર એટલે શહેરની મુખ્ય વ્યક્તિ, તેમનું સન્માન જળવાય, પદની ગરિમા જળવાય અને તેમની કામગીરી પણ વિશેષ હોય છે. તેમના ઘરે બેસીને મેયર પ્રેસને સંબોધી શકે, લોકોને મળી શકે એવા પ્રકારની વ્યવસ્થા હોવી જોઇએ. જો કોઇ આર્થિક રીતે નબળી વ્યક્તિ મેયર બની હોય તો તેમનું નિવાસસ્થાન નાનું હોય, તેઓ વ્યવસ્થા ન ઉભી કરી શકે. જેથી મેયર બંગલો હોવો જોઇએ.

મેયર બંગલો હોવો જ જોઇએ એવી મારી માગણી છે: રાવત
તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં વર્ષ 2015માં આ બાબતે મેં રજૂઆત પણ કરી હતી કે મેયરનો બંગલો બને, પરંતુ જગ્યા તેમણે એવી પસંદ કરેલી કે જ્યાં લોકોનો વિરોધ હોઇ શકે, કારણ કે કમાટીબાગમાં વચ્ચે મેયરનો બંગલો ન બનાવી શકાય. કોર્પોરેશન પાસે ખૂબ વિશાળ જગ્યાઓ છે. અલકાપુરીમાં સરકારી અધિકારીઓનાં નિવાસો છે ત્યાં પણ મેયર બંગલો બનાવી શકાય. ત્યાં મેયર માટે સુંદર અને સારું નિવાસસ્થાન બનવું જોઇએ એવી મારી લાગણી અને માગણી પણ છે.

પૂર્વ મેયર સુનિલ સોલંકી
પૂર્વ મેયર સુનિલ સોલંકી

મેયર બંગલો હોવા જ જોઇએ: પૂર્વ મેયર
વડોદરાના ભૂતપૂર્વ મેયર સુનીલ સોલંકીએ જણાવ્યું હતું કે મેયર બંગલો બનાવે કે ન બનાવે એ વસ્તુ અલગ છે, પરંતુ મારા મતે મેયર બંગલો હોવો જ જોઇએ. મેયરને મળવા માટે દેશ-વિદેશમાંથી ડેલિગેશન આવતા હોય છે, તેથી મીટિંગ માટે એક અલગ વ્યવસ્થા હોવી જ જોઇએ. હું મેયર હતો ત્યારે મેયર બંગલો બનાવવા અંગે વિષય નીકળ્યો હતો, જોકે એ સમયે આ કામ પ્રાયોરિટી પર લીધું ન હતું. જો મેયર બંગલો બનાવવો હોય તો શહેરમાં ઓછા ટ્રાફિકના ભારણવાળા વિસ્તારમાં એ બનાવી શકાય. કારેલીબાગ, સમા વિસ્તારમાં બનાવી શકાય.

જગ્યાનો વિવાદ મુખ્ય કારણ
વડોદરામાં મેયર બંગલો ન બનાવા માટે જગ્યાની પસંદગીનો વિવાદ મોટું કારણ બન્યો છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા વર્ષ 2015માં કમાટીબાગમાં સંકલ્પ ભૂમિ નજીક મેયર બંગલો બનાવવા અંગે કવાયત હાથ ધરાઇ હતી. જોકે એની સામે વડોદરામાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે વિરોધ વ્યક્ત કર્યો હતો કે કમાટીબાગ લોકોની સુવિધા માટે છે, ત્યાં બંગલો ન બનવો જોઇએ. શહેરમાં બીજે ક્યાંક મેયર બંગલો બનાવો. આમ, જગ્યાના વિવાદમાં મેયર બંગલો અટવાઇ પડ્યો છે.

વડોદરાના કમાટીબાગ સ્થિત મ્યુનિસિપલ કમિશનરનો બંગલો.
વડોદરાના કમાટીબાગ સ્થિત મ્યુનિસિપલ કમિશનરનો બંગલો.

સુરતમાં તો મેયરનો 4.83 કરોડનો બંગલો
હાલ ગુજરાતની ચાર મહાનગર પાલિકા- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાય માત્ર વડોદરામાં જ મેયરનો બંગલો નથી. જ્યારે સુરતની વાત કરીએ તો સુરતના મેયર માટે 4. 83 કરોડના ખર્ચે 6 બેડરૂમનો બંગલો છે તેમજ તેના સુશોભન પાછળ સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર ભટાર ચાર રસ્તા નજીક આવેલા બ્રેડલાઈનર સર્કલ પાસે મેયરના બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5983 ચો. મીટર એટલે કે 64377 ચો.ફૂટ ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલીશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...