નિવેદનથી ભડકો:વડોદરાનો વિકાસ થયો નથી,શહેરના નેતાઓએ પોતાનો જ વિકાસ કર્યો!

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર ભાજપ કારોબારી સભ્ય રાજેશ આયરેના નિવેદનથી ભડકો
  • વોર્ડ-9ના ભાજપાના 3 કોર્પોરેટર,સંગઠને પ્રમુખને રજૂઆત કરી

વડોદરાનો વિકાસ થયો નથી અને વડોદરાના નેતાઓએ પોતાનો જ વિકાસ કર્યો છે, તેવો ખુલ્લો આક્ષેપ કરતું નિવેદન પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે દ્વારા એક ખાનગી ન્યૂઝ ચેનલમાં આપવામાં આવતાં ભડકો થયો છે અને આ નિવેદન રાજેશ આયરે પરત લે તેવી માગ સાથે વોર્ડ 9ના 3 કોર્પોરેટર અને સંગઠને શહેર પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે.

પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9ના વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, કોર્પોરેટરો નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, મનિષાબેન વસાવા અને સંગઠનના વોર્ડના ઉપપ્રમુખો, મહામંત્રી, ખજાનચી, કારોબારી સભ્યો, મોરચાના હોદ્દેદારોએ શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહને લેખિતમાં રજૂઆત કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, શહેર ભાજપા વોર્ડ 9ના શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે તરફથી એક ખાનગી ચેનલમાં વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આજદિન સુધી વડોદરાનો કોઈ વિકાસ થયો નથી અને વડોદરાના દરેક નેતાઓએ ફક્ત અને ફક્ત પોતાનો જ વિકાસ કરેલ છે અને વડોદરાની જનતાનો વડોદરાના કોઈ નેતાઓએ વિચાર કર્યો નથી.

વૉર્ડ નં.9ના ભાજપના 3 કોર્પોરેટરો અને સંગઠનની ટીમ દ્વારા શહેર પ્રમુખને કરાયેલી લેખિત રજૂઆતમાં વડોદરાની નેતાગીરી માટે રાજેશ આયરે દ્વારા નિમ્નકક્ષાની વાતનો ઉપયોગ કરેલ છે તેવો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, આ કારોબારી સભ્ય આ પહેલાં પણ ભાજપમાં હતા અને પક્ષના વિરોધમાં અલાયદુ પોતાનું કામ કરતા હતા અને આજે પણ પક્ષમાં જવાબદારીવાળો હોદ્દો ધરાવતા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને નેતાગીરીની વિરોધમાં ખાનગી ચેનલમાં નિવેદન આપી રહ્યા છે.

ત્યારે શહેર કારોબારી સભ્યો તરફથી આપવામાં આવેલું તેઓ નિવેદન પાછો ખેંચે અને વડોદરાની સમગ્ર નેતાગીરીની તેમજ જનતાની માફી માગે તેવી માગણી છે. આ મામલે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને પણ નકલ મોકલવામાં આવતા વૉર્ડનું રાજકારણ ગરમાયંુ છે. આ મામલે રાજેશ આયરેનું મંતવ્ય મેળવવા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...