Corona Update LIVE Vadodara:વડોદરાના 9 પોઝિટિવ પૈકી 3 દર્દીના કોરોના વાઈરસના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા, હોસ્પિટલમાંથી રજા આપીને હોમ ક્વોરેન્ટાઇનમાં રખાશે

Vadodara2 વર્ષ પહેલા
આઇસોલેશન વોર્ડ - Divya Bhaskar
આઇસોલેશન વોર્ડ
  • વડોદરાના 3 દર્દીઓના 24 કલામાં મોકલેલો બંને રિપોર્ટ નેગેટિવ
  • વડોદરા શહેરમાં અત્યારે 1571 લોકો હોમ ક્વોરેન્ટાઇન ઉપર છે
  • અલગ અલગ વિસ્તારમાં રખડતા 13 લોકોને ક્રાઇબ્રાન્ચે ડ્રોન કેમેરાથી શોધ્યા

વડોદરાઃ ગુજરાત અને વડોદરા શહેર માટે સારા સમાચાર છે. વડોદરાના 9 કોરોના વાઈરસ પોઝિટિવ પૈકી 3 દર્દીના કોરોના વાઈરસના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા છે. તેઓને હોસ્પિટલમાંથી રજા આપીને 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રખાશે. 

આઇસોલેશન વોર્ડમાં મહિલાનું મોત, રિપોર્ટ નેગેટિવ આવ્યો
વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે શુક્રવારથી શ્વાસની તકલીફથી પીડિત પાદરા તાલુકાની અંદાજે 35 વર્ષની ઉંમરની મહિલાને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ શ્રમિક મહિલાને હાલના સંજોગોને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના કોરોના શંકાસ્પદ માટેના આઇસોલેસન વોર્ડમાં દાખલ કરીને જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. એનું કોરોના ચકાસણી માટે જરૂરી સેમ્પલ લેવામાં આવ્યું હતું. એ મહિલાનું આજે સવારે મરણ થયું છે. જોકે તેનો કોરોના ચકાસણી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આઠ જેટલા કર્મચારીઓના શરીર ઉપર આ કેમિકલ ઉડતા રિએક્શન આવ્યુ 
કોરોના વાઇરસની મહામારી વચ્ચે પોઝિટીવ દર્દીઓના રહેણાક વિસ્તાર તેમજ શહેરમાં વિવિધ સ્થળોને ડીસઇન્ફેક્ટ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહીં છે. છેલ્લા પાંચ દિવસથી સતત ચાલી રહેલી આ કામગીરી દરમિયાન કેટલાક ફાયર ફાઇટરોના શરીર પર કેમિકલ રિએક્શન આવ્યું છે. જરૂરી સેફટીસુટ ન હોવાથી શરીરના જુદા જુદા ભાગે કેમિકલથી ચાઠા પડી ગયા છે. છેલ્લા પાંચ દિવસથી શહેરને કોરોના વાઇરસથી ડીસઇન્ફેક્ટ કરવાની કામગીરી ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા કરવામાં આવી રહીં છે. જેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ પાણીમાં મિક્સ કરી તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ કેમિકલ હવે ફાયર ફાયટરો માટે જોખમી સાબીત થતુ જોવા મળી રહ્યું છે. કેમિકલનો છંટકાવ કરી રહેલા ફાયર ફાઇટરો પૈકીના આઠ જેટલા કર્મચારીઓના શરીર ઉપર આ કેમિકલ ઉડતા રિએક્શન આવ્યુ છે. ફાયર બ્રીગેડના આઠ જેટલા જવાનોના શરીર ઉપર કેમિકલ રિએક્શન દેખાતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે.

89 ટકા સર્વે પૂરો થઈ ગયો
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવટ એ જણાવ્યું કે, અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાની 14.56 લાખથી વધુ વસતી પૈકી 13.83 લાખ થી વધુ વસ્તીનું સર્વેક્ષણ પૂરું કરવામાં આવ્યું છે. આમ અંદાજે 89 ટકા સર્વે પૂરો થઈ ગયો છે. આ દરમિયાન સામાન્ય તાવના 621 અને કફના 1336 કેસો મળી આવતાં યોગ્ય સારવાર અને દવાઓ આપવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલની સાથે હવે ગોત્રી હોસ્પિટલમાં પણ શંકાસ્પદ કોરોનાના સેમ્પલ લેવામાં આવે છે અને તેની ચકાસણી સયાજી હોસ્પિટલમાં કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વડોદરા શહેર જિલ્લા માંથી 74 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 9 પોઝિટિવ, 63 નેગેટિવ જણાયા છે અને 2 સેમ્પલ રિજેક્ટ થયા હતા. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના શંકાસ્પદ કુલ 14 સેમ્પલ અને વડોદરા શહેરી વિસ્તારમાં કુલ 60 સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. ઉપરોક્ત પૈકી સયાજી હોસ્પિટલમાં 53 અને ગોત્રી જી.એમ.ઇ.આર.એસ.માં 16 સેમ્પલ લેવામાં આવ્યા, જ્યારે 5 સેમ્પલ કોરોના તકેદારીમાં સહયોગી ખાનગી હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા.રાહતદરે શાકભાજીનું વેચાણ શરૂ કરાયું
વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાલિકા અને એપીએમસી દ્વારા રાહતદરે ટ્રેક્ટરથી શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકો ડિસ્ટન્સ રાખીને શાકભાજી ખરીદવા માટે લાઇનોમાં ઉભા રહે છે. વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં લોકોએ કોરોના વાઈરસને કારણે  સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે લાઇનમાં થોડા થોડા અંતરે ઉભા રહ્યા હતા. આમ લોકોમાં હવે શોશ્યલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતિ આવી રહી છે.

વડોદરામાં એક પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ 
વડોદરા શહેરમાં વધુ એક પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 9 ઉપર પહોંચી ગઇ છે. જોકે તે પૈકી 3 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. વડોદરા શહેરમાં 66 વર્ષના એક પુરૂષને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને ગોત્રી જનરલ હોસ્પિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરામાં 1571 લોકો હોમ ક્વોરેન્ટાઇન ઉપર છે
છેલ્લા 24 કલાકમાં તંત્ર દ્વારા 169 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે 42 લોકોને આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોના પર લગામ કસવાના ભાગરૂપે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે વડોદરાનું વહીવટી તંત્ર ટૂંકાગાળામાં વિદેશથી પરત આવેલાં અથવા તો અન્ય રાજ્યોમાંથી શહેરમાં આવેલાં લોકોની ભાળ મેળવી વધુ તપાસ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા 169 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. જ્યારે ટૂંકાગાળામાં વિદેશથી આવેલાં 42 લોકોને આજવા રોડ પર તૈયાર કરવામાં આવેલા લેપ્રસી ગ્રાઉન્ડના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે શહેરમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા લોકોનો આંકડો 1,571 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...