ફરી એકવાર ગેસના ભાવ વધ્યા:વડોદરા ગેસ લિમિટેડે પાઇપ્ડ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 4 રૂપિયાનો ભાવ વધારો કર્યો, પ્રતિ યુનિટ 50.40 થયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથેજ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વિવિધ જીવનજરૂરી ચિજવસ્તુઓના ભાવોમાં વધારો કરવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા મહાનગર સેવા સદન અને ગેસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની સંયુક્ત વડોદરા ગેસ લિમીટેડ કંપની દ્વારા પાઇપ લાઇન દ્વારા આપવામાં આવતા ઘરેલુ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ દિઠ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે ગ્રાહકોએ હવે પ્રતિ યુનિટ ટેક્ષ સહિત રૂપિયા 50.40 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, કંપની દ્વારા એ.પી.એમ. ગેસના પુરવઠો ઓછો મળતો હોવાથી ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કારણ જણાવાઇ રહ્યું છે.

ગેસનો પુરવઠો ઓછો આવે છે
વડોદરા ગેસ લી. (સંયુક્ત સાહસ વડોદરા મહાનગર પાલિકા અને ગેઇલ ગેસ લી.) દ્વારા હાલમાં આશરે 2,16,000 રહેણાંક એકમોમાં પાઈપલાઈન થકી પાઈપ્ડ નેચરલ ગેસ પૂરો પાડવામાં આવે છે. હાલમાં કેંદ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવતા એ.પી.એમ. ગેસના પુરવઠો ઓછો મળતો હોઈ, બજાર ભાવનો ગેસ મીક્ષ કરી પુરવઠો પૂરો પાડવામાં આવતો હોવાથી હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં હાલ પુરતો પ્રતિ યુનિટ દિઠ 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગેસ સિલીન્ડર જેટલા ભાવ થશે
ગેસ કનેકશન ધરાવતા ગ્રાહકો પ્રતિયુનિટ રૂપિયા 46.20 પ્રતિ યુનિટ ટેક્ષ સહ ચૂકવતા હતા. તેના બદલે હવે નવા ભાવ મુજબ રૂપિયા 50.40 પ્રતિ યુનિટ ટેક્ષ સહ ચૂકવવા પડશે. આ ભાવ આજથી લાગુ કરવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ જણાવાયું છે કે, ભાવ વધારા બાદ પણ ગુજરાત રાજ્યની અન્ય ગેસ કંપનીઓ કરતા વડોદરા ગેસ લિમિટેડના ભાવ સૌથી ઓછા છે. આવનારા ટૂંક સમયમાં પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોને ગેસ સિલીન્ડર જેટલો ભાવ ચૂકવવાનો વખત આવશે, તેવા સ્પષ્ટ એંધામ જણાઈ રહ્યા છે.

હાલત કફોડી બનશે
વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે. નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વેજ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ પુનઃ એકવાર પાઇપ લાઇનથી પૂરો પાડવામાં આવતા ગેસના પુરવઠામાં પ્રતિ યુનિટ 4 રૂપિયાનો વધારો કરવામાં આવતા ગ્રાહકો ઉપર પડતા ઉપર પાટુ જેવો ઘાટ થશે.

અન્ય સમાચારો પણ છે...