ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર:વડોદરા ગેસ કંપની પાઇપ લાઇનથી આપવામાં આવતા ગેસમાં પ્રતિ ક્યુબિક મીટરે 10 રૂપિયાનો વધારો કરશે, 7 મહિનામાં ભાવ ડબલ થશે

વડોદરા11 દિવસ પહેલા
વડોદરા ગેસ કંપની દ્વારા ટૂંક સમયમાં ભાવ વધારો કરવામાં આવશે.
  • પ્રતિમાસ રૂપિયા 3.50 કરોડની ખોટ સરભર કરવા ભાવ વધારો ઝીંકાશે

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના વધતા જતા ભાવ વધારાને કારણે વડોદરા ગેસ કંપનીને પ્રતિમાસ રૂપિયા 3.50 કરોડની જઇ રહેલી ખોટને સરભર કરવા માટે પ્રતિ ક્યુબિક મીટરે 10 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવશે. નોંધનીય છે કે, હાલમાં વડોદરા ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 47.15 ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. 10 રૂપિયાનો ભાવ વધારો થવાથી પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 57 જેટલો થશે.

પાઇપ લાઇન ગેસમાં ઉત્તરોત્તર વધારો
વડોદરા ગેસ કંપની દ્વારા ઘરગથ્થુ પાઇપલાઇનથી અપાતા ગેસના પુરવઠાના ભાવમાં જાન્યુઆરીમાં પ્રતિ ક્યુબિક મીટરના રૂ. 27.50 નો ભાવ હતો. તેમાં દર બે મહિને ભાવમાં ઉત્તરોત્તર વધારો થતા માર્ચ 2022 માં રૂપિયા 34.50 પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ હતો. તે મે મહિનામાં રૂપિયા 43.70 કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જુલાઈ મહિનામાં રૂપિયા 47.50 કરવામાં આવ્યો હતો. જ્યારે વડોદરા ગેસ કંપની સામે અન્ય ગુજરાત ગેસ કંપનીનો ભાવ મે મહિનામાં રૂપિયા 55.25 પ્રતિક ક્યુબીક મીટરનો હતો અને અદાણીનો ભાવ રૂપિયા 63.25 હતો.

આગામી ટૂંક સમયમાં ભાવ વધારો આવશે
વડોદરા ગેસ કંપનીના ડાયરેક્ટર શૈલેષ નાયકે જણાવ્યું હતું કે, તાજેતરમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગેસના વધતા જતા ભાવને કારણે ગુજરાત ગેસ અને અદાણી ગેસ કંપની ભાવ વધારાની વિચારણા કરી રહ્યું છે. તેની સાથે હવે વડોદરા ગેસ કંપની દર મહિને રૂપિયા 3.50 કરોડની ખોટ પૂરવા માટે અત્યાર સુધીમાં જે ગેસનો ભાવ અન્ય કંપની કરતા ઓછો રાખવામાં આવ્યો હતો., તે હવે અન્ય કંપનીની સરખામણીમાં કરી દેવા જઇ રહ્યું છે. લગભગ પ્રતિ ક્યુબિક મીટરમાં રૂપિયા 9થી 10નો ભાવ વધારો આગામી ટૂંક દિવસોમાં લાગુ કરવામાં આવશે.

ગેસ સિલીન્ડર અને પાઇપ લાઇન ગેસના ભાવ બરાબર થઇ ગયા
ઉલ્લેખનિય છે કે, વડોદરા ગેસ કંપનીનો હાલમાં રૂપિયા 47.15 પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ છે. તેમાં રૂપિયા 10નો અંદાજિત ભાવ વધારો ઝીકવામાં આવશે. જેથી ઘરગથ્થુ પાઇપલાઇનથી અપાતા ગેસનો ભાવ પ્રતિ ક્યુબીક મીટરનો ભાવ રૂપિયા 57 સુધી પહોંચશે તેમ માનવામાં આવે છે. ત્યારે હવે સતત ગેસના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઇ જશે.

અક્ષરચોક ખાતે રહેતા ગૃહિણી શ્રદ્ધાબેન શર્માએ જણાવ્યું હતું કે આવક ની સરખામણીમાં ખર્ચ વધી રહ્યો છે. જેથી સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. તો અન્ય એક મહિલા માધવીબેન બજાણીયાએ જણાવ્યું હતું કે, ગેસના બોટલ બરાબર હવે ગેસ પાઇપલાઇનનો ભાવ નજરે ચડી રહ્યો છે. સરકાર લાભ આપવાની વાતો કરે છે., પરંતુ મળતો નથી. ખરેખર મોંઘવારીના સમયમાં રાહત આપવાની જરૂર છે, તેના બદલે સતત ભાવ વધારો ઝીંકાતા બજેટ ખોરવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...