વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને બે નણંદ સામે દહેજ, મારઝૂડ અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તે પ્રથમ વખત ગર્ભવતી હતી ત્યારે ગણપતિ મંદિરના 300 પગથિયા ચડાવ્યા જેના કારણે તેનો ગર્ભપાત થઇ ગયો. જ્યારે બીજી વખત ગર્ભવતી થતાં પુત્રનો જન્મ થયો તો તેના પાલનપોષણ માટે 10 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના દહેજમાં માંગ્યા હતા.
10 લાખ લઇ આવ નહીં તો ઘરમાં નોકરાણીની જેમ કામ કર
મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2015માં રાજસ્થાનના જયપુરના ઝાલના ગામે જયપ્રકાશ શિવરામ ચૌધરી સાથે થયાં હતાં. લગ્નમાં પિયર પક્ષ તરફથી ચારથી પાંચ લાખની કિંમતના દાગીના ભેટ સોગાદ તરીકે આપવામાં આવી હતી. લગ્નના થોડા મહિના બાદ સાસરિયાઓએ મહેણા ટોણા માર્યા હતા કે, અમારા છોકરા માટે સારા સારા માગાઓ આવતા હતા અને દહેજમાં પણ દસથી પંદર લાખ આપવા તૈયાર હતાં. તેમ છતાં અમે તારી સાથે અમારા દીકરાના લગ્ન કરાવ્યા. તારા પિતાએ અમને કંઇ આપ્યું નથી. આથી તારા પિતા પાસેથી 10 લાખ રૂપિયા અને સોનાની ચેઇન લઇ આવ. જો રૂપિયા નહીં લાવે તો ઘરમાં નોકરાણીની જેમ કામ કરવું પડશે અને ઘરમાં એક ખૂણામાં પડી રહેજે. તેમજ નોકરી કરી ઘર ખર્ચ આપવા દબાણ કરતા હતાં.
મંદિરના 300 પગથિયા ચડાવતા ગર્ભપાત થયો
વર્ષ 2015માં પરિણીતા ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. છતાં સાસરિયા તેને ઘરકામ કરાવતા હતા. તે ગર્ભવતી હોવા છતાં જબરદસ્તી ગણપતિ મંદિરના 300 પગથિયા ચડાવ્યા હતા. આથી તેનો ગર્ભપાત થઈ ગયો હતો. જેથી તેને પિયર વડોદરા મોકલી આપી હતી અને કહ્યું હતું કે, તું સ્વસ્થ થઇને આવશે પછી જ ઘરમાં રાખીશું. ત્રણ મહિના પિયરમાં રહ્યા બાદ તે રાજસ્થાન સાસરિયામાં પરત ગઇ હતી.
પુત્ર સાથે પરિણતાને કાઢી મુકી
વર્ષ 2017માં પરિણીતા ફરી ગર્ભવતી થઇ હતી અને પુત્રનો જન્મ થયો હતો. જે હાલ ચાર વર્ષનો છે. પતિએ ફરીવાર માગણી કરી હતી કે, તારા પિતા પાસેથી 10 લાખ રૂપિયા લઇ આવ તો જ હું તમારા બધાનું પુરુ કરી શકીશ, નહીં તો બધાને ભૂખે મરવાનો વારો આવશે. જોકે રૂપિયા નહીં આપી શકતા પુત્ર સહિત તેને પિયર વડોદરા મૂકી ગયા હતાં. ત્યારથી તે પિયરમાં રહે છે પરંતુ પુત્ર કે પરિણિતાને કોઇ આર્થિક રીતે સાસરિયા કે પતિ મદદ કરતા નથી. પરિણતાના દાગીના અને અભ્યાસના સર્ટિફિકેટ પણ સાસરિયાઓ પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.