વર્લ્ડ નો ટોબેકો ડે:વડોદરાના ડેન્ટિસ્ટે તમાકુની ઘાતક અસરોની ચેતવણી આપતી 50થી વધુ દેશની ટપાલ ટિકિટોનો સંગ્રહ કર્યો

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોકટર ચંદારાણા - Divya Bhaskar
ડોકટર ચંદારાણા
  • વિશ્વના વિવિધ દેશોએ કોરોના સહિતના હાનિકારક વાઈરસોની ટપાલ ટિકિટો બહાર પાડી છે
  • ડોક્ટર કહે છે કે, દર વર્ષે વિશ્વભરમાં તમાકુના સેવનથી 80 લાખ લોકોના મૃત્યુનો અંદાજ છે

દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડેની ઉજવણી કરવામાં આવે છે, વડોદરાના દાંતના ડોક્ટર અને તેમના પરિવારે તમાકુની ઘાતક અસરોની ચેતવણી આપતી 50થી વધુ દેશની ટપાલ ટિકિટોનો સંગ્રહ કર્યો છે. વડોદરાના દાંતના ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પત્ની, દાંતના ડોક્ટર પુત્ર અને પુત્રવધુએ તમાકુની ઘાતક અસરો સામે લોકોને ચેતવણી આપતી અને વિશ્વના વિવિધ દેશોએ પ્રકાશિત કરેલી ટપાલ ટિકિટનો ખુબ જ જહેમત ઉઠાવીને સંગ્રહ કર્યો છે.
ડો. ચંદારણા કોરોના વિષયક ટપાલ ટિકિટો મેળવવા પ્રયત્નશીલ છે
વડોદરાના ડોક્ટર પરિવારે દાંતની સારવારના વ્યવસાયને દાંતની કાળજી લેવામાં શિક્ષણનું માધ્યમ બનાવ્યો છે. જેથી તેમણે ગુજરાતમાં અને દેશમાં અદ્વિતીય ગણાય એવું ડેન્ટલ મ્યુઝિયમ એટલે કે દાંત વિષયક સંગ્રહાલય બનાવ્યું છે અને વિદ્યાર્થીઓને તેની મુલાકાતે બોલાવીને આ સંગ્રહાલયના માધ્યમથી દાંતની કાળજી લેવાની અગત્યતાનું શિક્ષણ આપે છે. કોરોના વાઈરસની ચીન સહિત આઠેક જેટલા દેશોએ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી દીધી છે. ડોકટર ચંદારાણા કહે છે કે, તમાકુની માફક જ વિશ્વના વિવિધ દેશોએ કોરોના સહિત વિવિધ વાઈરસોની ઘાતક અસરોથી બચવાની તકેદારીઓનો સંદેશ આપતી અવનવી ટપાલ ટિકિટો બહાર પાડી છે. હાલમાં તેઓ કોરોના વિષયક ટપાલ ટિકિટો મેળવવા પ્રયત્નશીલ છે. તેમના સંગ્રહની ટપાલ ટિકિટોમાં તમાકુથી થતાં રોગોનું નિરૂપણ કરતી અને તમાકુથી મુક્ત રહીને સ્વસ્થ રહેવાનો સંદેશ આપતી જુદા-જુદા વિષય વસ્તુનું નિરૂપણ કરતી સ્ટેમ્પ્સ છે.
વિશ્વમાં વિવિધ વાઈરસો કરતા તમાકુના સેવનથી વધારે મોત થયા હશે 
તેઓ કહે છે કે, કોરોના, સાર્સ, હિપેટાઇટિસ બી, એઇડ્સ, ઇબોલા, હ્યુમન એપિલોમા જેવા વાયરસો સમયાંતરે ત્રાટકતા રહ્યા છે અને લાખો લોકોને મોતના મુખમાં ધકેલતા રહ્યાં છે,તેમ છતાં જો વાઈરસોથી વિશ્વમાં થયેલા મૃત્યુનો અને તમાકુની જીવલેણ અસરોથી થયેલા મરણોનો હિસાબ કરવામાં આવે તો કદાચ તમાકુથી હણાયેલી જિંદગીઓનો આંકડો ક્યાંય વધુ નીકળે તેમ છે.

તમાકુની ઘાતક અસરોની ચેતવણી આપતી ટપાલ ટિકિટોનો સંગ્રહ
તમાકુની ઘાતક અસરોની ચેતવણી આપતી ટપાલ ટિકિટોનો સંગ્રહ

વિશ્વભરમાં તમાકુ દર 6 સેકન્ડે એક વ્યક્તિનો જીવ લે છે 
જિન નિકોટે લોકોને તમાકુનો ખાદ્ય ઉપયોગ કરતા શીખવાડ્યું એવી માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, એને ખબર જ ન હતી કે, એની શોધનો દુરુપયોગ વિશ્વમાં દર મિનિટે આટલાં બધા લોકોની જિંદગી હણી લેવાનું નિમિત્ત બનશે. તેમણે સંશોધનોને ટાંકતાં જણાવ્યું કે તમાકુ દર 6 સેકન્ડે એક વ્યક્તિનો જીવ લે છે અને વર્ષે દહાડે 8 મિલિયન એટલે કે 80 લાખ લોકોને મરે છે એવો વિશ્વનો અંદાજ છે. નિકોટના નામ પરથી તમાકુના જીવલેણ અવગુણને નિકોટીનની ઓળખ મળી છે.
ડો.ચંદારાણા કહે છે કે, તમાકુ દાંતનો દુશ્મન છે, પણ કેન્સરનો મિત્ર છે
ડો.ચંદારાણા ખૂબ વેધક રીતે કહે છે કે, તમાકુ દાંતનો દુશ્મન છે, પણ કેન્સરનો મિત્ર છે. ઓરલ હેલ્થને કથળાવવામાં તમાકુ અને તેના ઉત્પાદનોનો સિંહ ફાળો છે. તમાકુનું સેવન કર્યાં વગર જીવવાનું અઘરું નથી, પરંતુ તમાકુનું સેવન કરીને સ્વસ્થ જિંદગી જીવવાનું અઘરું છે. તમાકુની આદત છોડવી સહેલી નથી, તો અત્યંત દુષ્કર પણ નથી. આદત છોડવા માટે ડેન્ટીસ્ટ, સાયકોલોજીસ્ટ અને હિપનોથેરાપિસ્ટની મદદ લઇ શકાય છે.
1988થી 2020 સુધીના તમાકુ વિરોધી પ્રેસ અહેવાલોના કટિંગ અને વીડિયો ક્લિપની ફિલ્મ બનાવી
ડો. યોગેશ ચંદારાણાએ 1988થી 2020 સુધીમાં વિવિધ અખબારોમાં તમાકુની ઘાતક અસરોનું નિરૂપણ કરતાં જે અહેવાલો પ્રગટ થયા છે, જેનુ વ્યવસ્થિત સંકલન અને સંગ્રહ કર્યો છે. તેની સાથે તેમણે તમાકુના વ્યસન અંગે પ્રધાનમંત્રી મોદી તેમજ મહાનુભાવોના પ્રવચનો અને વિવિધ ડિજિટલ પ્રસારણોની વીડિયો ક્લિપ્સ પણ એકત્ર કરી છે.

અન્ય સમાચારો પણ છે...