આરોપી ઝડપાયો:દિલ્હીના વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 72 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભૂજથી ઝડપ્યો

વડોદરા6 મહિનો પહેલા
આરોપી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢા

સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 72 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં સહ-આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભૂજ ખાતેથી ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચ આરોપી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢા (રહે. રહીનગર, ભૂજ, કચ્છ)ને ભૂજથી વડોદરા લઇ આવી છે. હાલ આરોપીનો કોરોના ટેસ્ટ કરી આ ગુનામાં તેની સંડોવણી અને તેના સહ આરોપીઓ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો

નવી દિલ્હી ખાતે રહેતા સુરેશભાઇ રામજશ સિંગાનીયાએ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે અલીમહંમદ ઉર્ફે હાજી અને તેના સાગરીત ઇલિયાસ ઉર્ફે વીક્કી સીરાજખાન પઠાણ (રહે. તાંદલજા, વડોદરા)એ અકોટા સબ રજીસ્ટાર કચેરીની પાછળ કિશન રેસીડન્સીમાં આવેલ ઓફિસ ભાડે રાખી હતી. ઇલિયાસે પોતાની વિક્કી નામથી ઓળખ આપી સુરેશભાઇ સિંગાનીયાને તા. 30 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી વડોદરા બોલાવ્યા હતા અને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. ઇલિયાસ ઉર્ફે વિક્કીએ સુરેશભાઇને વિશ્વાસમાં લેવા માટે પહેલા 100 ગ્રામ સોનું આપ્યુ હતું અને પછી પૈસા આપજો તેમ જણાવ્યું હતું.

જ્યાર બાદ આરોપીઓ સુરેશભાઇને સસ્તુ સોનું આપવા માટે દિલ્હીથી અવારનવાર વડોદરા બોલાવતા હતાં અને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરાવડાવી હતી. દરમિયાન સુરેશભાઇ પાસેથી બે આંગડિયા મારફતે નાણા મંગાવી સોનાની દિલ્હી ખાતે ડિલિવરી મળી જશે તેમ કહી પુરેપુરી સોનાની ડિલીવરી નહીં આપી સુરેશભાઇ પાસેથી વધારાના 42 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. પૂરતુ સોનું નહીં મળતા વધારાના નાણાની માંગણી કરતા ઇલિયાસે સુરેશભાઇને કચ્છના માંડવી ખાતે હાજી નામના વ્યક્તિ પાસેથી નાણા લઇ લેવા કહ્યું હતું અને તેમને કચ્છ બોલાવવામાં આવ્યા હતાં.

જ્યાં હાજી ઉર્ફે અલીમહંમદ અને તેના માણસો સલીમ તેમજ જયેશે સુરેશભાઇને એરગન જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી કે "ઇતની દેર લગેલી ઔર કોઇ દેખને વાલા ભી નહીં હોગા, દિલ્હી દુર હો જાયેગી, માર કે સમંદર મે ડાલ દેંગે..." જ્યાર બાદ આરોપીઓએ સુરેશભાઇને બંધક બનાવી આંગડિયા મારફતે 30 લાખ રૂપિયાની માંગણી કરી ગાંધીધામ ખાતે રહેતા સરેશભાઇના મિત્ર નદીમના નામથી દિલ્હીથી નાણા મંગાવી 30 લાખ પડાવી લીધા હતાં. આમ સુરેશભાઇને સસ્તા સોનાની લાલચમાં 70 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે તેમણે વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભૂજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી આરોપીઓ પૈકી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢાને ભૂજ ખાતેથી ઝડપી લઇ વડોદરા લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરાઇ છે.

મામલે હજુ ફરાર આરોપીઓના નામ

  • ઇલિયાસ ઉર્ફે વિક્કીખાન સીરાજખાન અજમેરી
  • સલીમ
  • જયેશ
  • કસ્ટમ ઓફિસર કાદર
અન્ય સમાચારો પણ છે...