લમ્પી વાયરસ સામે રસીકરણ:વડોદરા કોર્પોરેશન દ્વારા લમ્પી વાયરસથી બચાવવા 72 ઢોરનું રસીકરણ કરવામાં આવ્યું, 525 પશુ બાકી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે વેક્સીન આપવાની શરૂઆત - Divya Bhaskar
ઢોરવાડામાં રાખવામાં આવેલા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે વેક્સીન આપવાની શરૂઆત
  • વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા 600 જેટલા પશુ ઢોર ડબામાં પુરવામાં આવ્યા છે
  • પશુપાલકોને સ્વચ્છતા જાળવવા અને કડક દેખરેખ રાખવા અપીલ

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી મુકનાર અને અનેક પશુઓનો ભોગ લેનાર લમ્બી વાયરસે પશુપાલકોમાં દહેશત ફેલાવી દીધી છે. ત્યારે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બામાં પુરવામાં આવેલા 600 જેટલા પશુઓને લમ્પી વાયરસથી બચાવવામાં આજથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે 72 પશુઓને એન્ટી લમ્પી વાયરસ વેક્સીન મુકવામાં આવી હતી. આગામી બે-ત્રણ દિવસમાં ઢોર ડબામાં રાખવામાં આવેલા તમામ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવશે.

ગાયને વેક્સીન આપી રહેલા ડોક્ટર
ગાયને વેક્સીન આપી રહેલા ડોક્ટર

ઢોર ડબામાં ત્રણ ઢોરમાં શંકાસ્પદ લમ્પી વાયરસના ચિન્હો દેખાયા હતા
વડોદરા કોર્પોરેશનના માર્કેટ સુપ્રિડેન્ડન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશનના ઢોર ડબ્બા દ્વારા પુરવામાં આવતી ગાયો-ભેંસો ખાસવાડી સ્મશાન, લાલબાગ અને ખટંબા ખાતેના ઢોર ડબામાં રાખવામાં આવે છે. આ ઢોર ડબાઓ પૈકી વડોદરાના ખાસવાડી સ્મશાન ખાતેના ઢોર ડબામાં છ દિવસ પહેલાં ત્રણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જણાઇ આવ્યા હતા. આ પશુઓને યોગ્ય સારવાર આપવા સાથે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. પરિણામે આ ત્રણે પશુઓ લમ્પી વાયરસના ખતરાથી બહાર આવી ગઇ છે. વડોદરા કોર્પોરેશનના ત્રણે ઢોર ડબામાં 600 જેટલા પશુઓ છે. જે પૈકી 72 પશુઓને એન્ટી લમ્પી વેક્સીન આપવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ઢોર ડબાના તમામ પશુઓનું રસીકરણ કરી દેવામાં આવશે.

લમ્પી વાયરસથી ઢોરને બચાવવા કોર્પોરેશન દ્વારા રસીકરણની શરૂઆત
લમ્પી વાયરસથી ઢોરને બચાવવા કોર્પોરેશન દ્વારા રસીકરણની શરૂઆત

જિલ્લામાં હજુ રસીકરણ શરૂ કરવામાં આવ્યું નથી
પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ડૉ. જીજ્ઞેશ દવેએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી લમ્પી વાયરસ અંગે સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં દરેક તાલુકા દીઠ 4 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે દરમિયાન 15 જેટલા પશુઓમાં શંકાસ્પદ લમ્પી વાયરસના ચિન્હો જોવા મળ્યા હતા. પરંતુ, યોગ્ય સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવતા આ તમામ પશુઓ ખતરાની બહાર છે. વડોદરા જિલ્લામાં 5.22 લાખ પશુઓ છે. હાલમાં વડોદરા જિલ્લામાં એન્ટી લમ્પી વેક્સીન શરૂ કરવામાં આવ્યું નથી.

જિલ્લામાં એક પણ લમ્પી વાયરસનો કેસ નોંધાયો નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વંદે ગુજરાત રથના જિલ્લામાં પરિભ્રમણ દરમિયાન લોકોને વાયરસ વિશે જાગૃતિ અંગેના પોસ્ટર તેમજ પેમફલેટ વિતરણ કર્યા હતા. કરુણા હેલ્પલાઇનના ૧૯૬૨થી અત્યાર સુધીના સારવાર અંગેના અહેવાલોનો અભ્યાસ કર્યો છે, તેમજ ઘનિષ્ઠા પશુ સુધારણા સ્કીમ અને બરોડા ડેરીની મુલાકાત પણ લીધી છે. નિયંત્રણ અંગેનું કાર્ય અમારી ટીમ દ્વારા સતત થઈ રહ્યું છે અને જો પાલતુ પ્રાણીઓના શરીરના કોઈપણ ભાગમાં ચામડી ઉપર એવી કોઈ પણ ઉણપ દેખાય તો પશુપાલક મિત્રોને તરત પ્રાણીઓના દવાખાનામાં બતાવવાની અપીલ કરીએ છીએ. આજ દિન સુધીમાં જિલ્લામાં લમ્પી વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...