વડોદરાની ગ્રાહક સુરક્ષા અદાલતે વડોદરાના એક મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઇમના ચુકાદામાં જણાવ્યું છે કે, મેડીક્લેઇમના દાવા માટે કોઈ પણ વ્યક્તિને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. નવી ટેક્નોલોજીમાં દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોતી નથી. વડોદરાના એક મેડિકલ ક્લેઇમના કેસના ચુકાદામાં કોર્ટે અરજદારને 9 ટકાના વ્યાજ સાથે રૂપિયા 44,468 બે માસમાં ચૂકવી દેવા હુકમ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, પાંચ વર્ષથી કાનૂની જંગ ખેલનાર અરજદારનું તાજેતરમાં અવસાન થયું છે.
દર્દીનું એક માસ બાદ અવસાન થયું શહેરના ગોત્રી રોડ પર સી-33, માનવપાર્ક સોસાયટીમાં રમેશચંદ્ર ટી. જોષી પત્ની જ્યોત્સનાબહેન સાથે રહેતા હતા. તેમની પત્ની જ્યોત્સનાબહેન ડોર્મેટોમાયોસાઇટીસની બિમારીથી પિડીત હતા. આથી તેઓને તા.24-11-2016થી તા.25-11-2016 દરમિયાન અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવી હતી. જોકે, જ્યોત્સનાબહેનનું તા. 16-12-2016ના રોજ અવસાન થયું હતું.
ચોવિસ કલાક રાખવામાં આવ્યા ન હતા
રમેશચંદ્ર જોષીએ વર્ષ-2014માં વડોદરાના તિલક રોડ ઉપર ડો. ઇન્દુમતી પટેલ ટ્રસ્ટ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલી નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા માટે રૂપિયા 5 લાખની હેલ્થ પોલિસી લીધી હતી. અને તેનું નિયમીત પ્રિમીયમ ભરતા હતા. પત્નીના અવસાન બાદ રમેશચંદ્ર જોષીએ 2017માં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, કંપનીએ પત્ની જ્યોત્સનાબહેનની સારવાર દરમિયાન થયેલા રૂપિયા 44,468 ખર્ચનો માટે કરેલા ક્લેઇમની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. તે દાવો વિમા કંપનીએ ફગાવી દીધો છે. અને વીમા કંપનીએ તેમનો દાવો ફગાવી દઇ એવી દલીલ કરી હતી કે, પોલિસીના નિયમ મુજબ દર્દીને 24 કલાક સુધી દાખલ રાખવામાં આવ્યા ન હતા.
કોર્ટના પગથીયાં ઘસી નાંખ્યા
રમેશચંદ્ર જોષીએ પત્નીના ક્લેઇમ માટે ઇન્સ્યોરન્સ કંપનીએ જે જે વાંધા ઉઠાવ્યા હતા તે તમામ વાંધાઓના પુરાવા સહ જવાબો રજૂ કર્યા હતા. તબીબોના અભિપ્રાય પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આમ છતાં, વિમા કંપની ક્લેઇમ મંજૂર કરવા માટે તૈયાર ન હતી. રમેશચંદ્ર જોષી કોર્ટ દ્વારા જ્યારે પણ મુદત આપવામાં આવે ત્યારે તમામ દસ્તાવેજો સાથે કોર્ટમાં પહોંચી જતા હતા. સતત પાંચ વર્ષ સુધી રમેશચંદ્ર જોષી ન્યાય મેળવવા માટે ઝઝૂમતા રહ્યા હતા. પરંતુ, જ્યારે તેઓની લડત રંગ લાવી ત્યારે તેઓ હાલ હયાત નથી.
માત્ર ડોક્ટરજ નિર્ણય લઇ શકે
વડોદરાની ગ્રાહક કોર્ટમાં પાંચ વર્ષથી ચાલી રહેલ આ કેસ ચાલી જતાં ગ્રાહક કોર્ટે કહ્યું કે, જો એવું માની લેવામાં આવે કે, દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. હવે ઘણી વખત દર્દીઓને દાખલ કર્યા વગર સારવાર આપવામાં આવી રહી છે. વીમા કંપનીએ તે આધાર પર દાવો નકારી શકે નહીં કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. વીમા કંપની એ નક્કી કરી શકતી નથી કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં. નવી ટેક્નોલોજી, દવાઓ અને દર્દીની સ્થિતિના આધારે માત્ર ડોક્ટર જ નિર્ણય લઈ શકે છે.
માનસિક ત્રાસ અને દાવાનો ખર્ચ આપવો
તા. 3 માર્ચ-023ના રોજ ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીને દાવો નકાર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે રમેશચંદ્ર જોશીને રૂપિયા 44,468 ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે વીમા કંપનીને માનસિક ત્રાસ માટે રૂપિયા 3,000 અને રમેશચંદ્ર જોશીને મુકદ્દમાના ખર્ચ માટે રૂપિયા 2,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
મામા ચુકાદો જાણી ન શક્યા તેનું દુઃખ
ગ્રાહક સુરક્ષા દ્વારા વિમા કંપની સામે કરેલા હુકમ અંગે સ્વ. રમેશચંદ્ર જોષીના ભાણેજ ગોરાંગ જોષીએ (રહે. સી-33, માનવપાર્ક સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા) જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કોર્ટના ચુકાદાથી અમે ખૂશ છે. પરંતુ, દુખ એ વાતનું છે કે, છેલ્લા પાંચ વર્ષથી પોતાની પત્નીની સારવારના ક્લેઇમ માટે કાનૂની જંગ ખેલનાર મામા રમેશચંદ્ર જોષીનું તા. તા. 28-1-023ના રોજ અવસાન થયું છે. પોતાની લડતમાં જીત થઇ છે. તેવા સમાચાર મામા જાણી ન શક્યા તે વાતનું અમોને દુઃખ પણ છે. મામા રમેશચંદ્ર જોષીએ તા.11-8-2017ના રોજ પત્નીની સારવાર દરમિયાન થયેલા ખર્ચનો દાવો મંજૂર ન કરનાર નેશનલ ઇન્સ્યુરન્સ કંપની લિમીટેડના મેનેજર અને ડીવીઝનલ ઇન્ચાર્જ એસ.જે. શાહ અને બેંક ઓફ બરોડા ગોત્રી બ્રાંચના મેનેજર સામે વડોદરાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાવો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.