સાયબર ક્રાઇમ:કોમ્પ્યુટરના ગ્રાફિક કાર્ડનો ઓનલાઇન આર્ડર આપતા વડોદરાની ખાનગી કંપનીના ડાયરેક્ટરે 2 લાખ 90 હજાર ગુમાવ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડાયરેક્ટરે જુદા-જુદા પેમેન્ટ ઓપ્શનથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યાં હતા

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં એક ખાનગી કંપનીના ડાયરેક્ટરને કોમ્પ્યુટરનું ગ્રાફિક કાર્ડ ખરીદવા ઓનલાઇન ઓર્ડર આપી પેમેન્ટ કરતા 2 લાખ 90 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે ડાયરેક્ટરે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ગ્રાફિક કાર્ડ ખરીદવા ઓનલાઇન પેમેન્ટ કર્યું
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ દર્શનમ એન્ટીકામાં રહેતા તપનકુમાર ઈશ્વરલાલ પટેલ (ઉ.39) એક ખાનગી કંપનીમાં ડાયરેક્ટર છે. તપનભાઇને ગત જુલાઈ માસમાં કોમ્પ્યુટરનું ગ્રાફિક કાર્ડ ખરીદવું હતું. જેથી તેમણે એક વેબસાઈટ ઉપર ચાર ગ્રાફિક કાર્ડ જેની કિંમત રૂ.2.90 લાખનો ઓનલાઈન ઓડર આપ્યો હતો. જો કે, આ બાદ એક વ્યક્તિએ બિકાઈ હોલસેલ ઈન્ડીયામાંથી સેલ્સ એક્ઝિક્યુટીવ પ્રમોદ તરીકેની પોતાની ઓળખ આપી તપનભાઇને ફોન કર્યો હતો અને તેમને પેમેન્ટ અંગે વાત કરી હતી. આ બાદ તપનભાઇએ જુદા-જુદા પેમેન્ટ ઓપ્શનથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યાં હતા.

ઘણા દિવસો બાદ પણ ગ્રાફિક કાર્ડ ન આવ્યું
વાત થયા અનુસાર ઓર્ડર અને પેમેન્ટ થઈ ગયા પછી ઈકાર્ટ લોજીસ્ટીક દ્વારા ગ્રાફિક કાર્ડના બદલે કિબોર્ડ મોકલી આપવામાં આવ્યું હતું. જો કે, તે કિબોર્ડ પાછું મોકલી આપવામાં આવ્યું હતું અને તે અંગે પ્રમોદ નામના વ્યક્તિ સાથે વાત કરતા તેને કુરીયર મીસમેચ થઈ ગયુ હોવાનું જણાવ્યું હતું. સાથે જ બે-ત્રણ દિવસમાં ગ્રાફિક કાર્ડ મળી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આર્ડરને ઘણા દિવસો પસાર થઇ ગયા હોવા છતાં ગ્રાફિક કાર્ડ આવ્યું ન હતું અને પ્રમોદ નામના વ્યક્તિનો ફોન પણ બંધ થઈ ગયો હતા.

સાયબર સેલમાં ફરિયાદ
જેથી ખાનગી કંપનીના ડાયરેક્ટર તપનભાઇ પટેલને સમજાયું હતું કે, તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. જેથી તેમણે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...