મોંઘવારી સામે આંદોલન:વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે મોંઘવારીનો વિરોધ પ્રદર્શન, પોલીસ કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

વડોદરા10 દિવસ પહેલા
કમરતોડ મોંધવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
  • કમરતોડ મોંઘવારી સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં, કાળી પટ્ટી ધારણ કરી મોંઘવારીનો વિરોધ કર્યો

જીવનજરૂરી તમામ ચિજવસ્તુઓમાં થયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ હવે આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી ખાતે મોંઘવારીના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરીને ધરણાં-પ્રદર્શન કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ તંત્ર કોંગ્રેસના આંદોલન ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ મથક લઇ ગઇ હતી. એક તબક્કે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

મોંઘવારીના વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.
મોંઘવારીના વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત.

ભાવ વધારો પરત ખેંચવા કોંગ્રેસ કાર્યકરોની માંગ
દૂધ, છાસ, અનાજ, કઠોળ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડિઝલ સહિત તમામ જીવનજરૂરી ચિજવસ્તુઓમાં થયેલા કમરતોડ ભાવ વધારાને પગલે સામાન્ય લોકોને જીવવું મુશ્કેલ થઇ ગયું છે. ત્યારે મોંઘવારીના કારણે પીસાઇ રહેલી પ્રજાને વહારે આવેલ કોંગ્રેસ દ્વારા આજે વાહનોથી ધમધમતા એવા ચાર દરવાજા વિસ્તારમાં આવેલ માંડવી ખાતે ધરણાં, પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમખુ ઋત્વીજ જોષીની આગેવાનીમાં આયોજીત આ કાર્યક્રમમાં વિપક્ષ નેતા અમી રાવત, કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, હરીશ પટેલ, શહેર કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

મોંઘવારીના વિરોધમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.
મોંઘવારીના વિરોધમાં આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર
માંડવી ખાતે આવી પહોંચેલા કોંગ્રેસ કાર્યકરોને જોઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી ગયો હતો. મોંઘવારી વિરોધી સુત્રોવાળા બેનરો, ગેસ સિલીન્ડરના કટઆઉટ, બેનરો સાથે આવી પહોંચેલા કોંગ્રેસ કાર્યકરોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. જીવનજરૂરી ચિજવસ્તુઓમાં કરવામાં આવેલો ભાવ વધારો પરત ખેંચોની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ભારે સુત્રોચ્ચારને વિસ્તારના લોકોએ પણ સમર્થન આપ્યું હતું.

પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ.
પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ.

મોંઘવારી વિરોધી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વડોદરા શહેર કોંગ્રેસ પ્રખુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં બંદોબસ્તમાં આવેલી પોલીસ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની ટીંગાટોળી કરી પોલીસ મથક લઇ ગઇ હતી. તે સાથે અમી રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રવક્તા નિશાંત રાવલ સહિત 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઇ હતી. પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અને પરવાનગી વગર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...