અનોખી ચૂંટણી:વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી પંચાયતની ચૂંટણીમાં જેટલા ઉમેદવાર એટલી માટલા મતપેટી, એક જ વાર ચૂંટાઇ શકો બીજી ટર્મ નહીં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યસ્થ જેલની તોતિંગ દીવાલો વચ્ચે થતી કેદી પંચાયતની ચૂંટણી ખૂબ વિવિધતા ધરાવે છે. બહુધા લોકો લોકસભા, વિધાનસભા અને મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ રસ અને ઉત્સુકતા દાખવે છે. બાકી ચૂંટણીઓ તો શાળાથી લઈને સહકારી સંસ્થાઓ, મંડળો જેવી વિવિધ સંસ્થાઓમાં થતી જ રહે છે.

દર વર્ષે કેદી પંચાયતની રચના થાય છે
આવી જ એક ચૂંટણી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી પંચાયતની થાય છે જે અન્ય ચૂંટણીઓની સરખામણીમાં ઘણી અવનવી અને અનોખી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે 2017 કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી એવી જાણકારી આપતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે કેદી પંચાયતની રચના તો દર વર્ષે થાય છે. પરંતુ છેલ્લા ઘણાં વર્ષો થી સર્વ સંમતિથી કેદી પંચાયતના સદસ્ય સેવકો પસંદ થતાં હોવાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૂંટણી યોજવાની જરૂર પડી નથી.

જેટલા ઉમેદવાર એટલી માટલા મતપેટી
જો કે આ કેદી પંચાયતની ચૂંટણી ઘણી રીતે અલગ પડે છે. જેલ બહાર યોજાતી અન્ય ચૂંટણીઓમાં ઉમેદવાર ગમે તેટલા હોય મત પેટી એક જ હોય છે. જ્યારે કેદી પંચાયતના નિર્વાચનમાં જેટલા ઉમેદવાર એટલી મત પેટી. તમારે જે ઉમેદવારને મત આપવાનો હોય એની મત પેટીમાં તમારો મત નાંખવાનો.અને પાછી આ મત પેટી માટે માટલા પસંદ કરવામાં આવે છે. દરેક માટલા પર જે ઉમેદવાર ની મત પેટી હોય એનું નામ લખવામાં આવે છે. એનો આગવો ફાયદો એ છે કે મત ગણતરી વખતે ઉમેદવાર પ્રમાણે મત જુદા પાડવા પડતાં નથી,કોઈ વિવાદ થતો નથી કે મત અમાન્ય ઠરતો નથી અને ગણતરી ઝડપી બને છે. છે ને અનોખી વ્યવસ્થા.

ફક્ત પાકા કામના કેદી મત આપી શકે
બીજી ખાસ વાત એ છે કે જેલમાં કાચા કામના અને પાકા એમ બે પ્રકારના કેદીઓ હોય છે.કાચા કામના એટલે જેમની પર અદાલતી કાર્યવાહી ચાલુ હોય તેવા કેદી. પાકા કેદી એટલે જેમને અદાલતે સજા ફરમાવી દીધી છે અને તેના લીધે જેલવાસ ભોગવી રહ્યાં હોય તેવા કેદીઓ. કેદી પંચાયત ચુનાવમાં મતાધિકાર ફક્ત પાકા કેદીઓને મળે છે. ચૂંટણી પણ ફક્ત આ કેદીઓ જ લડી શકે છે.કાચા કામના કેદીને જેલમાં મતાધિકાર કે ચૂંટણી લડવાનો અધિકાર મળતો નથી.

પાકા કામના કેદી પંચાયત, વિધાનસભા કે લોકસભામાં મતદાન નથી કરી શકતા
ઉલ્લેખનીય છે કે જેને અદાલતે સજા ફરમાવી દીધી હોય અને સજા રૂપે જેઓ જેલવાસ ભોગવતા હોય તેવા કેદીઓનો નાગરિક તરીકેનો મતાધિકાર, સજાના સમયગાળા માટે મોકૂફ થઈ જાય છે. એટલે તેમને સાંસદ, ધારાસભા કે પંચાયત ચૂંટણીમાં તે સમય પૂરતો મત આપવાનો અધિકાર નથી. તેની સામે જેલમાં તેમને કેદી પંચાયતમાં મત આપવાનો અધિકાર મળે છે.

ચાર દિવાલો વચ્ચે થાય છે પ્રચાર
જેલવાસ દરમિયાન પાકા કેદી ફક્ત એકવાર આ કેદી પંચાયતના સેવક બનવા માટે ચૂંટણી લડી શકે છે. પહેલી મુદત પૂરી થયાં પછી એમને બીજી મુદત મળતી નથી. કેદી પંચાયતના ઉમેદવારોને જેલની ચાર દીવારીમાં પોતાનો પ્રચાર કરવાની પણ સુવિધા આપવામાં આવે છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી પંચાયતના સેવકોની સંખ્યા સાત
હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલની કેદી પંચાયતના સેવકોની સંખ્યા સાત છે. જેલમાં કેદી સંખ્યાની વધઘટ પ્રમાણે સભ્યોની સંખ્યા વધે ઘટે છે. કેદી પંચાયતની બેઠક દર બુધવારે મળે છે. પંચાયતના સેવકોનું કામ આ સભામાં કેદીઓના પ્રશ્નો પ્રશાસન સમક્ષ મૂકવા અને એનું સુખદ નિરાકરણ આણવાનું છે. પ્રત્યેક કેદીની જેલ કચેરી સુધી સીધી પહોંચ ન હોય.એટલે તેમના વતી પ્રશ્નો રજૂ કરવા અને નિરાકરણ મેળવવાનું કામ કેદી પંચાયતના સદસ્ય સેવકો કરે છે.