તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રીય ઠગાઈ:વડોદરાના વેપારીને ધૂતી લેનાર આફ્રિકન ટોળકીનો બેન્જામિન સારો ફૂટબોલર છે, એકેડમીના કોચમાંથી ગુનાના રવાડે ચડ્યો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફૂટબોલના સારા ખેલાડી સાથે કોચિંગ આપનારે એકના ચારની લાલચમાં ગુનાહિત પ્રવૃતિ શરૂ કરી(સર્કલમાં બેન્જામીન) - Divya Bhaskar
ફૂટબોલના સારા ખેલાડી સાથે કોચિંગ આપનારે એકના ચારની લાલચમાં ગુનાહિત પ્રવૃતિ શરૂ કરી(સર્કલમાં બેન્જામીન)
  • બેન્જામિન આસાનીથી રૂપિયા મેળવવાની લાલચમાં ગુનાખોરીના રવાડે ચડ્યો

વડોદરાના વેપારી સાથે સીપીયુ સ્ક્રેપ વેચવાના બહાને 19.35 લાખની ઠગાઈ કરવામાં આવી છે. સ્ક્રેપના ઇન્સ્યોરન્સ કરાવવા અને લોજિસ્ટીક કંપની સાથે થયેલ સેટલમેન્ટના કોટેડ યુ.એસ.ડી. ડોલર ક્લિન કરાવવા તેમજ કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરાવવાના નામે રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરાઈ હતી. છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય આફ્રિકન ટોળકીના પાંચ સાગરીતો પૈકી સુત્રધાર બેન્જામિન ઉર્ફ ગાઝા કોવુઆકૌ નાડ્રી ફૂટબોલનો સારો ખેલાડી છે. તે સ્થાનિક સ્તરે ફૂટબોલ એકેડમીમાં કોચ પણ આપતો હોવાની વિગતો સાઇબર ક્રાઇમની તપાસમાં બહાર આવી છે. નોંધનીય છે કે, ટોળકીને સાઇબર ક્રાઇમે દિલ્હીથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

14 દિવસના રિમાન્ડ મેળવાયા
દિલ્હી ગયેલી સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિકલ, સાઇન્ટીફીક તથા હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સની મદદથી દિલ્હી ખાતેથી આફ્રિકન ટોળકીના બેન્જામિન કોવુઆકૌ નાડ્રી, કપટુ એમાટુરીન મારી અને કિટ્ટી જેક્સ દેવાલોઇની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ટોળકીના ત્રણે સાગરીતોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવી તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ તેમના અન્ય બે સાગરીતો માર્ટીન કોપેરે ડીમોયુ અને એલ હાડજી મહામને તૌઉરેના નામ આપતા દિલ્હી રોકાયેલી સાઇબર ક્રાઇમની ટીમે તેઓને દબોચી લીધા હતાં. બાદમાં તેમને વડોદરા લઇ આવ્યાં હતાં. ટોળકીને વડોદરા લાવ્યા બાદ ટોળકીની પૂછપરછ કરી હતી. જેમાં ટોળકીનો સુત્રધાર બેન્જામિન ઉર્ફ ગાઝા કોવુઆકૌ નાડ્રી ફૂટબોલ ખેલાડી અને ફૂટબોલની કોચીંગ પણ આપતો હોવાનું બહાર આવ્યું છે.

ઓનલાઈન છેતરપિંડી કરતા હતા
સાઇબર ક્રાઇમના એ.સી.પી. ડો. એચ.એસ. માકડીયાએ જણાવ્યું હતું કે, મુખ્ય સુત્રધાર બેન્જામિન ઉર્ફ ગાઝા નોડ્રી કેમરુન, આઇવરી કોસ્ટ, મોરેટીયાનામાં ફૂટબોલ રમતો હતો. તે સાથે તે કોચિંગ પણ આપતો હતો. ફૂટબોલના કોચ તરીકે ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ પ્રયત્નો કર્યા હતાં. નેપાળ ફૂટબોલ એકેડમી દ્વારા ફૂટબોલ કોચ તરીકે રાખવાની તૈયારી બતાવતા લેટરો પણ આપ્યાં હતાં. જે લેટરોના આધારે તે નેપાળ આવ્યો હતો. નેપાળથી ભારતમાં આવ્યો હતો. ભારતમાં આવ્યા બાદ તેણે સરળતાથી નાણાં કમાવવા માટે વેપારીઓને ફસાવી ઓન લાઇન ચિટીંગની શરૂઆત કરી હતી.

ફૂટબોલ છોડી ગુનાહિત પ્રવૃતિ
ફૂટબોલની રમત છોડી ઓન લાઇન છેતરપિંડી કરવાનો ધંધો કરવાનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બેન્જામિન ઉર્ફ ગાઝા નોડ્રીએ જણાવ્યું હતું કે, આફ્રિકામાં ફીટા નામની કરન્સી ચાલે છે. ભારતના એક રૂપિયાના બદલામાં ચાર રૂપિયા મળે છે. એટલે કે, ભારતમાં રૂપિયા 1 કરોડના બદલામાં રૂપિયા 4 કરોડ થઇ જતાં હોય છે. છેતરપિંડીથી સરળતાથી નાણાં મળી જતા હોવાથી ફૂટબોલની રમતને બાજુ ઉપર મૂકી ઓન લાઇન છેતરપિંડી શરૂ કરી છે.

ઓનલાઈન છેતરપિંડી થતા પોલીસે તપાસ આદરી
ઉલ્લેખનિય છે કે, તા. 4 જુલાઇ-21ના રોજ વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલી ઇ-201, ક્રિષ્ણા રેસિડેન્સીમાં રહેતા અને એક્સપોર્ટ-ઇન્પોર્ટનો બિઝનેસ કરતા રાજેશકુમાર જયંતિલાલ પટેલે સ્ક્રેપના બહાને રૂપિયા 19,35,002ની ઓન લાઇન છેતરપિંડીની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમને તપાસ દરમિયાન છેતરપિંડી કરનાર ટોળકી દિલ્હી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સાઇબર ક્રાઇમની ટીમને દિલ્હી રવાના કરવામાં આવી હતી. દિલ્હી ગયેલી ટીમે અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ઓન લાઇન છેતરપિંડી કરવામાં માહિર આફ્રિકન ટીમને દબોચી લીધી હતી.

ફ્રેન્ચ ભાષાના પ્રોફેસરની મદદ લેવાઈ
ટોળકીની મોરોકોલ ફ્રેન્ચ ભાષા છે. તેઓએ તેઓની ભાષામાં કરેલા મેસેજ, મળેલી ઓડિયો ક્લિપની ફ્રેન્ચ ભાષા જાણવા માટે મહારાજા સયાજી રાવ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કરનાર વડોદરાના બે યુવાનોની મદદ લેવામાં આવી છે. તેઓની પૂછપરછ પોલીસ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી છે. આ ટોળકીએ ભારત ઉપરાંત, શ્રીલંકા સહિત અનેક દેશોના લોકો સાથે છેતરપિંડી કરી છે. તેઓ પાસેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, વિવિધ દેશોના પાસપોર્ટ મળી આવ્યાં છે. તેઓ પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.