પાંચમી જૂનના રોજ સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરાના નેશનલ હાઈવે પર આવેલી તક્ષ ગેલેક્સી પ્લાન્ટ બડી ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી નેશનલ હાઇવે નં.48 પર અને શહેરના આજવા રોડ અને તેની આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન કાર લઇ વૃક્ષો લગાવી રહેલા આ ગૃપ વાવેલા વૃક્ષો પૈકી 35 જેટલા વૃક્ષોની જાળવણી કરીને મોટા કર્યાંનું ગૌરવ અનુભવી રહ્યું છે.
રોજ વૃક્ષોના પ્લાન્ટ લઇને નીકળી જાય છે
ઉચ્ચ શિક્ષિત અને વ્યાપાર ધંધા સાથે સંકળાયેલા ગ્રુપના સભ્યો મનન પંડ્યા, કિશોર પટેલ, રાજુ પટેલ, કિશોર મહાદેવશ્વર, જિગ્નેશ ઠક્કર અને ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, કુદરત દ્વારા આપણને લખલૂટ સંપત્તિ મળી રહી છે, તેની સામે અમે વૃક્ષો વાવીને અમારી ફરજ નિભાવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષિત અને વિવિધ વેપાર ધંધા સાથે સંકળાયેલા આ ગ્રુપના બાયોલોજીસ્ટ થયેલા મનન પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારું ગ્રુપ રોજ વહેલી સવારે 7 વાગ્યે કારમાં વિવિધ વૃક્ષોના પ્લાન્ટ, ટ્રી ગાર્ડ, પાવડો, કોદાળી 50થી 70 લિટર પાણી ભરેલા કારબા લઈને નેશનલ હાઇવે 8 પર નીકળી જઈએ છે અને જ્યાં સારી જગ્યા જણાય ત્યાં પ્લાન્ટેશન કરીએ છે. અમારી કામગીરી જોઇને અમારી પ્રકૃતિ પ્રેમી હાર્દિકભાઇ પણ જોડાયા છે. જેઓ મોટા થયેલા વૃક્ષો છે અને ટ્રી ગાર્ડમા ફીટ થઇ ગયા છે. તેવા વૃક્ષોને પીંજરામાથી મુક્ત કરવાનું પણ કામ કરી રહ્યા છે.
35 વૃક્ષો 6થી 7 ફૂટ જેટલા મોટા થઇ ગયા છે
તેઓએ વધુમાં ઉમેર્યું કે, પ્લાન્ટેશનની કામગીરી જૂનથી ડિસેમ્બર માસ દરમિયાન કરીએ છે અને ત્યાર પછી અમે રોજ વહેલી સવારે 60થી 70 લિટર પાણી ભરેલા કારબા તેમજ કોદાળી, પાવડા લઈને નીકળીએ છીએ અને વાવેલા વૃક્ષોને પાણીનું સિંચન કરીએ છે. તે સાથે ખાતર આપીએ છે અને પાવડા કોદાળીથી માટી ઉપર નીચે કરીએ છે. અમારા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 150 ઉપરાંત લીમડો, ગુલમહોર, પીપળો, કોનોકાર્પોસ, જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું છે. જે પૈકી 35 જેટલા વૃક્ષો અત્યારે 6થી 7 ફૂટ જેટલા મોટા થઇ ગયા છે.
વૃક્ષો વાવીને તેનું જતન પણ કરે છે
ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે, અમારા દ્વારા વાવેલા વૃક્ષો મોટા થઈ જતા અમો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. અમને એવું લાગી રહ્યું છે કે અમોને કુદરત તરફથી મળેલી લખલૂટ સંપત્તિ સામે વાવેલા વૃક્ષો સંપત્તિના રૂપમાં કુદરતને પરત કર્યું છે. અમારા ગ્રુપની આ કામગીરી માટે સેવાભાવી વ્યક્તિઓ અને ગ્રુપ દ્વારા સહાય પણ મળી રહી છે. જે સહાયનો અમે 100 ટકા નેશનલ હાઇવે નં.48 તેમજ આજવા રોડ ઉપર અને તેની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો વાવીને અને તેનું જતન કરી મોટા કરવામાં ઉપયોગ કરી રહ્યા છે. અમે જ્યારે સવારે નીકળીએ છે અને કોઈ વૃક્ષ અમે વાવેલું ન દેખાય ત્યારે અમારો જીવ બળી જાય છે અને તે જગ્યા ઉપર જ બીજો પ્લાન્ટ લગાવી દઈએ છે. અમારા ગ્રુપ દ્વારા અમારા સંતાનોની જેટલી કાળજી રાખીએ છે. તેટલી જ કાળજી અમે અમારા દ્વારા લગાવવામાં આવેલા વિવિધ વૃક્ષોના પ્લાન્ટની કાળજી રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.