દુર્ઘટના:વડોદરામાં વહેલી સવારે મિત્રો સાથે સાયક્લિંગ પર નીકળેલી વિદ્યાર્થીનું ટ્રક અડફેટે મોત,સ્થાનિકોએ પાલિકા પર આક્ષેપો કર્યા

વડોદરા4 મહિનો પહેલા
સાઇક્લિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે નિપજેલાં મોત માટે સ્થાનિક લોકોએ પાલિકાને જવાબદાર ગણાવ્યું હતું
  • ખોદકામ બાદ રસ્તો ન બન્યો હોવાથી અકસ્માત થતા હોવાની સ્થાનિકોની હૈયા વરાળ

આજવા રોડ ઉપર વહેલી સવારે આશાસ્પદ વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. મિત્રો સાથે વહેલી સવારે સાઇક્લિંગ કરવા નીકળેલા વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે નિપજેલાં મોત માટે સ્થાનિક લોકોએ પાલિકાને જવાબદાર ગણાવ્યું હતું. ખોદકામ બાદ રસ્તો ન બનતા અકસ્માત થયાના આક્ષેપ કરાયાં હતાં. બનાવની જાણ થતા સ્થળ પર દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી છે

મહર્ષ મિત્રો સાથે સાયક્લિંગ પર ગયેલો
આજવા રોડ ઉપર આવેલા શ્રી હરીનગર ટાઉનશિપ સ્થિત બી-4, ગોકુલ ટેનામેન્ટમાં રહેતો મહર્ષ દર્શનભાઇ સુથાર (ઉં.12) વહેલી સવારે મિત્રો હિંતાશ અને શબ્દ સાથે સાયક્લિંગ કરવા માટે નીકળ્યો હતો. રાબેતા મુજબ વહેલી સવારે 6-45 વાગ્યાના સુમારે ત્રણે મિત્રો સાઇક્લિંગ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેથી પસાર થઇ રહેલી ટ્રકની અડફેટમાં મહર્ષ સુથાર આવી જતાં ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ટ્રકની અડફેટમાં મહર્ષ સુથાર આવી જતાં ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
ટ્રકની અડફેટમાં મહર્ષ સુથાર આવી જતાં ઘટના સ્થળે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું

ઘટના સ્થળે જ મોત થયું
સ્થાનિક વિપુલભાઇ દરજીએ જણાવ્યું હતું કે, વહેલી સવારે આજવા રોડ એકતાનગરથી થોડે દૂર ટ્રકની અડફેટમાં સાયક્લિંગ કરવા નીકળેલા મહર્ષ નામના વિદ્યાર્થીનું મોત સ્થળ પર મોત નીપજ્યું છે. ટ્રકમાં કન્સ્ટ્રક્સન સાઇટમાં વપરાતા બ્લોક છે. પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.

પાલિકાની ગંભીર બેદરકારી-સ્થાનિક
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રોડ ઉપર લાઇન નાંખવા માટે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. લાઇન નાંખવાની કામગરી પૂર્ણ થયે પણ એક માસ જેટલો સમય થઇ ગયો છે. આમ છતાં, પાલિકા દ્વારા પુરાંણ કરેલી જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો ન હતો. પરિણામે આ જગ્યા ઉપર કચરાના ઢગલા થઇ ગયા છે. રોડની એક બાજુ ખોદકામ કરેલ જગ્યા ઉપર રોડ બન્યો ન હોવાથી અને કચરાના ઢગલા હોવાથી રોડ સાંકડો થઇ ગયો છે. પરિણામે એકજ વાહન પસાર તેટલી જગ્યા છે. જેમાં મોટી ટ્રક જતાં સાયક્લિંગ કરવા માટે નીકળેલા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. વિદ્યાર્થીના મોત માટે ટ્રક ચાલક જવાબદાર છે જે તેથી વધારો પાલિકાનું તંત્ર જવાબદાર છે. આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.