તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૂતરાઓનો આતંક:વડોદરાના નિઝામપૂરામાં કૂતરાઓએ છ વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડી, લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ

વડોદરાએક મહિનો પહેલા
કૂતરાઓનું ટોળું ધસી આવ્યું ને બાળકી પર હુમલો કરી દીધો.
  • 5 જેટલા બાળકો સહિત 8 લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા

શહેરમાં રખડતાં કૂતરાઓ અને રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂપ પુરવાર થઇ રહ્યા છે. કોરોનાનાના કારણે કારણે કરવામાં આવેલ લોકડાઉનમાં ભલે લોકોને મુક્તિ મળી હોઇ, પરંતુ, વડોદરાના નિઝામપુરામાં આવેલી બેથલ સોસાયટીના લોકો હજુ પણ ઘરની બહાર નીકળી શકતા નથી. તેઓ કોરનાના ડરથી નહીં. પરંતુ, સોસાયટીના ડાઘીયા કૂતરાઓના ડરથી સોસાયટીમાંથી તો ઠીક ઘરનો ઉંબરો ઓળંગતા ફફડી રહ્યા છે. આશરે 20 જેટલા કૂતરાઓએ નાના બાળકો સહિત રહીશોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ કરી દીધુ છે. આજ સોસાયટીમાં રહેતા કેટલાક નાના બાળકો રમી રહ્યા હતા. દરમિયાન એક કૂતરાએ અચાનક બાળકો પર હુમલો કરી દીધો હતો. જેના કારણે છ વર્ષ ની નાની બાળકીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી છે. અગાઉ 5 જેટલા બાળકો સહિત 8 જેટલા લોકો કૂતરાના હુમલાનો ભોગ બન્યા છે.

કૂતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે
કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકો રખડતા કૂતરાઓ અને રખડતી ગાયોમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવામાં ધરાર નિષ્ફળ ગયા છે. લોકોને સોસાયટીઓ, પોળો, શહેરના માર્ગો ઉપર રખડતાં કૂતરાઓના ટોળા અને રખડતી ગાયોથી શહેરીજનોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કૂતરાઓનો એ હદે ત્રાસ વધી ગયો છે કે હવે આ કૂતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નિઝામપૂરા વિસ્તારમાં આવેલી બેથલ પાર્ક સોસાયટીમાં આશરે સો થી વધુ મકાન આવેલા છે. જેમાં રહેતા નાના બાળકો કૂતરાઓના ડરના કારણે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સો મકાનની આ સોસાયટીમાં માણસો નું નહીં પણ કૂતરાઓનું રાજ ચાલતું હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

આશરે 20 જેટલા કૂતરાઓએ નાના બાળકો સહિત રહીશોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું.
આશરે 20 જેટલા કૂતરાઓએ નાના બાળકો સહિત રહીશોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ કરી દીધું.

લોકો હાલ દહેશતના માહોલમાં જીવવા મજબુર
નિઝામપુરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમય થી રખડતા કુતરાઓ નું ત્રાસ યથાવત છે ભૂતકાળમાં પણ અનેક વાર આ કુતરાઓ સોસાયટીના નાના બાળકોને પોતાનો શિકાર બનાવી ચુક્યા છે. જેતે સમયે અનેકવાર પાલિકામાં રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા વિસ્તારના લોકો હાલ દહેશતના માહોલમાં જીવવા મજબુર બન્યા છે.

કૂતરાઓના ટોળાએ બાળકી પર હુમલો કર્યો
સ્થાનિક મિતેષભાઇ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી અમારી બેથલ પાર્ક સોસાયટી અને આસપાસની સોસાયટીઓમાં કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. સોમવારે મારી દીકરી ઘરના દરવાજા ઉપર ઉભી હતી. ત્યારે કૂતરાઓનું ટોળું ધસી આવ્યું હતું અને હુમલો કર્યો હતો. અમોએ સ્થાનિક કાઉન્સીલરો તેમજ કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં કૂતરાઓથી છૂટકારો અપાવવા માટે રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે, તેમ લાગી રહ્યું છે.

ડાઘીયા કૂતરાઓના ડરથી સોસાયટીમાંથી તો ઠીક ઘરનો ઉંબરો ઓળંગતા ફફડી રહ્યા છે.
ડાઘીયા કૂતરાઓના ડરથી સોસાયટીમાંથી તો ઠીક ઘરનો ઉંબરો ઓળંગતા ફફડી રહ્યા છે.

ઘરની બહાર જતાં ડર લાગે છેઃ બાળકો
કૂતરાના હુમલાનો ભોગ બનેલી જોવાન અને રીયાન્સીએ જણાવ્યું કે, અમારી સોસાયટીમાં કૂતરાઓના ત્રાસથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. અમે ઘરની બહાર રમી પણ શકતા નથી. અમોને ઘરની બહાર જતાં ડર લાગે છે. અમારી સોસાયટીમાંથી કૂતરાઓને દૂર લઈ જાવ. જેથી અમો ભયમુક્ત રમી શકીએ.

સિનિયર સિટીઝનો માટે બહાર નીકળવાનું મુશ્કેલ
અમારી સોસાયટીમાં 8 મહિનામાં 4 લોકોને કૂતરાં કરડ્યાં છે. સિનિયર સિટીઝનો માટે તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. સવારે ચાલવા નીકળીએ ત્યારે કૂતરાં રાહ જોઇને બેઠાં હોય તેમ પાછળ દોડે છે.પાલિકાનો સ્ટાફ માત્ર દેખાડો કરી રવાના થઈ જાય છે. > હિંમતભાઈ, રહીશ

બહાર નીકળીએ તો લાકડી રાખવી પડે છે
મારી પુત્રી થોડીવાર બહાર નીકળી હતી તે સમયે 2 કૂતરાંએ બંને પગમાં 6 બચકાં ભર્યાં હતાં. અમે ઘરની બહાર નીકળી શકતા નથી. લોકોએ ફરજિયાત લાકડી લઈને નીકળવું પડે છે. પાલિકા અને સ્થાનિક કાઉન્સિલરોને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. > મિતેશ પરમાર, બાળકીના પિતા