કોરોના સામેની લડાઇમાં વેક્સિનેશન મુખ્ય હથિયાર છે અને હવે 15થી 18 વર્ષના તરુણોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે. વડોદરામાં શહેરમાં અત્યાર સુધી માત્ર 60 ટકા કિશોરોનું વેક્સિન થયું છે. જ્યારે જિલ્લામાં કિશોરોનું વેક્સિનેશન 98 ટકાને પાર થઇ ગયું છે.
શહેરમાં વેક્સિનેશન રોકેટ ગતિએ શરૂ થયા બાદ સૂરસૂરિયું
વડોદરા શહેરમાં તરુણોના વેક્સિનેશનની ધમાકેદાર શરૂઆત થઇ હતી. પહેલા જ દિવસે કુલ 96660 લાભાર્થીઓમાંથી 19128ને વેક્સિન આપી 19.79 ટકાની રોકટેગતિએ શરૂઆત કરી હતી. બીજા દિવસે પણ 14741 તરૂણોને વેક્સિન આપી કામગીરી 35 ટકાએ પહોંચી હતી. પરંતુ ત્યાર બાદ દિવસેને દિવસે તરુણોનું રસીકરણ ઘટવા લાગ્યું અને 11 જાન્યુઆરીએ માત્ર 312 કિશોરોને વેક્સિન આપવામાં આવી. આમ વડોદરા શહેરમાં કુલ 57997 કિશોરોને વેક્સિનેશન સાથે કામગીરી માત્ર 60 ટકાએ પહોંચી છે.
વડોદરા જિલ્લો તરૂણોના વેક્સિનેશનમાં અવ્વલ
વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે 15 થી 18 વર્ષની ઉંમરના તરુણોના રસીકરણની 98.9 ટકા કામગીરી પૂરી કરી છે. આ અભિયાન 3 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે તેના હેઠળ 68502 તરુણો રસી લેવાને પાત્ર હતા. આ પૈકી 67716 તરુણોએ રસી લઈ લીધી છે. ગઇકાલે વધુ 756 તરુણોને રસી મૂકવામાં આવી હતી.
ચાર તાલુકમાં તરુણોનું 100 વેક્સિનેશન
વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓ પૈકી પાદરામાં 108.7, ડભોઇમાં 108, વડોદરા તાલુકામાં 108 અને શિનોર 100.9 ટકા,એમ ચાર તાલુકાઓમાં 100 ટકાથી વધુ કામગીરી થઈ છે. જ્યારે સાવલી અને વાઘોડિયામાં 91 ટકાથી વધુ અને ડેસર તથા કરજણમાં 78 ટકાથી વધુ રસીકરણ થયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને રસી લેવા પાત્ર જે તરુણો એ હજુ રસી નથી લીધી તેમના વાલીઓ પોતાના સંતાનો ને સત્વરે રસી અપાવી કોરોના સામે સુરક્ષિત કરે તેવો અનુરોધ કર્યો છે.
વડોદરા શહેરમાં કોરોના કેસ વધ્યા પણ રસીકરણ ઘટ્યું
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે શહેરમાં કોરોનાના 606 નવા કેસ નોંધાયા છે. જ્યારે માત્ર 312 તરુણોએ રસી મુકાવી હતી. મંગળવારે શહેરમાં કુલ 7836 લોકોએ વેક્સિન લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.