વિધ્ન:કોવિશિલ્ડનો જથ્થો ખૂટતાં 45 સેન્ટર પરના રસીકરણને બ્રેક, 10 દિવસમાં બીજીવાર રસીનો સ્ટોક ખલાસ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 35 સેન્ટરમાં માત્ર 1,585ને રસી મળી,અનેક લોકો વિલા મોઢે પરત

શહેરમાં વેક્સિનેશન માટે કાર્યરત 80 જેટલા સેન્ટર પર હાલમાં રસી મૂકાઇ રહી છેે. પરંતુ 10 દિવસમાં બીજી વાર કોવિશિલ્ડનો જથ્થો ખૂટી પડતાં સોમવારે 45 જેટલા વેક્સિન સેન્ટર બંધ રાખવામાં આવ્યા હતા. જેના કારણે રસીનો બીજો ડોઝ મુકાવવા માટે આવેલા લોકોને ધક્કા પડ્યા હતા. વડોદરા શહેરમાં રોજબરોજ 10 હજારથી વધુ લોકોને વેક્સિન મુકવામાં આવે છે. શહેરમાં કુલ 80 વેક્સિન સેન્ટર છે જ્યાં લોકોને રસીનો પહેલો અને બીજો ડોઝ મુકવામાં આવે છે. પરંતુ કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં નહી આવતા અનેકવાર લોકોને રસી મુકાવ્યા વિના પરત ફરવાનો વારો આવે છે.

સોમવારે પણ શહેરમાં લોકોને રસી લીધા વિના ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે તંત્ર પાસે માત્ર 160 વાઇલ જ જથ્થો હતો. જેના કારણે આજે 80 સેન્ટરો પૈકી 45 સેન્ટરોને રસીના જથ્થાના અભાવે બંધ રાખવા પડ્યા હતા. જેથી 10 હજારથી વધુ લોકોને રસી લીધા વિના ઘરે પરત જવું પડ્યું હતું.સોમવારે શહેરમાં 1,585 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 18થી 44 વર્ષની વયના 599 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અને 552 લોકોએ રસીનો બીજો ડોઝ મુકાવ્યો હતો. અત્યાર સુધી 18 પ્લસની કેટેગરી વાળા 6,86,949 લોકોએ રસીનો પહેલો ડોઝ અને 2,38,002 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે.

બીજો ડોઝ બાકી છતાં 15 લોકોનાં સર્ટિફિકેટ જનરેટ, આજવા રોડ કમલાનગર સેન્ટર પર હોબાળો
શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેક્સિનનો ડોઝ ન લીધો હોઈ તેમ છતાં તેઓએ વેક્સિનનો ડોઝ લીધો હોવાનો મેસેજ અને સર્ટિફિકેટ ઇશ્યુ થઈ રહ્યા છે. શનિવારે આજવા રોડ કમલાનગર પાસેની સ્કૂલમાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર 15 જેટલા લોકો વેક્સિન લીધા વિના તેમને મેસેજ સાથે સર્ટિફિકેટ ઇશ્યુ થયા હોવાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. સોમતળાવ વિસ્તારમાં રહેતા ઉત્સવ મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે તેઓને બીજો ડોઝ લેવાનો બાકી હતો. તે પહેલાં જ તેમના મોબાઈલ પર વેક્સિનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો. જેના પગલે તેઓ વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા.

જ્યાં જઈને તપાસ કરતા તેઓ પહેલા 10 લોકો ત્યાં આ ફરિયાદ લઈને આવ્યા હતા. એક પરિવારના ત્રણ સભ્યોને પણ ડોઝ લીધા વિના જ મેસેજ આવ્યો હતો. તદુપરાંત કેટલાક લોકો એવા હતા જેઓએ હજી પહેલો ડોઝ પણ નથી લીધો અને તેમને મેસેજ આવ્યા હતા. ઉત્સવ મિસ્ત્રીએ સિસ્ટમ ફેલિયરની સાથે લોકોના ડેટા સેફ નહી હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે તેઓને વેક્સિન સેન્ટર પર યોગ્ય જવાબ ન મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

રસીકરણ વધારવા 500 ગામમાં ગ્રામસભા
​​​​​​​500 ગામડાઓમાં રસીકરણ માટે જાગૃકતા લાવવા ગ્રામસભાઓનું આયોજન કરાશે વડોદરા જિલ્લામાં રસીકરણ માટે જાગૃકતા લાવવા માટે ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આગામી ચાર દિવસ સુધી 500 ગામડાઓમાં ગ્રામ સભાઓ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...