કાર્યવાહી:ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવનાર ઉઠાઉગીર એઝાઝ આણંદમાં ઝડપાયો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ગામડીવડ પોસ્ટ ઓફિસમાંથી 1 લાખ ઉઠાવ્યા હતા

મુખ્યમંત્રીથી માંડી પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર મૂકી વટ પાડનાર ભાજપના કહેવાતા કાર્યકરને ઉઠાંતરીના બનાવમાં પોલીસે ફરી ઝડપ્યો છે. યાકુતપુરામાં રહેતા એઝાઝ ઉર્ફે બોબડો રહેમાન મિયા શેખ નેતાઓ સાથેના ફોટા બતાવી ગેરલાભ ઉઠાવતો હોવાની ફરિયાદ ઊઠી હતી ત્યારે ગોધરા એલસીબીએ 14મીએ તેની ધરપકડ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ એઝાઝે ફરી આણંદ પોસ્ટ ઓફિસમાંથી ઉઠાંતરી કરતાં પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

તપાસમાં એઝાઝ અઠંગ ઉઠાઉગીર હોવાનું બહાર આવ્યું છે. યાકુતપુરા કન્યા શાળા પાછળ રહેતો એઝાઝ શેખ અગાઉ પંચમહાલના દેલોલમાં એક દુકાનમાં જઈ માલિકની નજર ચૂકવી ગલ્લામાંથી 50 હજાર ઉઠાવી ભાગ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે એઝાઝને ઝડપી જેલ હવાલે કર્યો હતો. જોકે તે બાદ તેને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો હોવાની જાહેરાત કરાઈ ન હતી.

જેલમાંથી બહાર આવતાં જ એઝાઝ ફરી ઉઠાંતરીના ધંધામાં લાગ્યો હતો. આણંદના ગામડીવડ પોસ્ટ ઓફિસમાંથી કર્મચારીની નજર ચૂકવી ટેબલ પર મૂકેલા 1 લાખ ઉઠાવી ભાગ્યો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો. તપાસમાં તેને વાઘોડિયા સોડાની દુકાનમાંથી પણ 20 હજાર ઉપરાંત 3 મહિના પહેલાં જંબુસર ડેપો પાછળ પણ દુકાનમાંથી 20 હજારની ઉઠાંતરી કરી હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...