સંવેદનશીલ જમનાબાઈ હોસ્પિટલની પાછળ આવેલી દાઉદી વોહરા સમાજની મસ્જિદ પર આજે મુસ્લિમોના ટોળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસે પહોંચી મામલો ઉગ્ર બને તે પહેલાં બંને કોમના અગ્રણીઓને ભેગા કરી સમાધાન કરાવ્યું હતું. જમનાબાઈ હોસ્પિટલની પાછળ આવેલી દાઉદી વહોરા સમાજની મસ્જિદમાં વરસાદમાં અંદર પાણી ગળતું હોવાથી અગ્રણીઓએ ધાબુ રિપેર કરવાનું નક્કી કર્યું હતું.
જેના ભાગરૂપે પ્લાસ્ટિક નાખી આગળ વોટર પ્રૂફિંગનું કામ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં વપરાયેલા પ્લાસ્ટિકના જૂના બેનર ધાર્મિક પ્રસંગોમાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા હતા અને તેની પર મહંમદ પયગંબરના નામ સાથે ધાર્મિક સંદેશ લખાયેલા હતા. જેને ઊલટા કરી ધાબા પર પાથરતાં આસપાસ રહેતા લોકોનું ધ્યાન ગયું હતું.
જોતજોતામાં વાત ફેલાતાં ધાર્મિક લાગણી દુભાઈ હતી અને હજારોના ટોળા દાઉદી વહોરા સમાજની મસ્જિદ પર ઊમટ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જોકે દાઉદી વોહરા સમાજના અગ્રણીઓને ભૂલ સમજાતાં ટોળા સમક્ષ માફી માગી હતી અને રાત સુધીમાં લેખિતમાં માફી આપવાની બાહેંધરી આપી હતી. પોલીસે પણ બંને જૂથમાં અગ્રણીઓ વચ્ચે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો. એક તબક્કે મામલો ઉગ્ર બન્યો હતો, પરંતુ પોલીસે બાજી સંભાળી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.