કામગીરી:મંત્રીના આદેશની જાણ થતાં એક અધિકારી મુંબઇથી દોડી આવ્યા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસૂલ મંત્રીના અલ્ટીમેટમ બાદ પ્રાંત કચેરીમાં કામગીરીનો ધમધમાટ
  • જમીનના 70 કેસોનો 7 દિવસમાં ચુકાદો આપવા અલ્ટીમેટમ અપાયું હતું

જમીનના 70 કેસોનો 7 દિવસમાં ચુકાદો આપવાના મહેસૂલ મંત્રીના અલ્ટીમેટમ બાદ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં સોમવારના રોજ ધમધમાટ જોવા મળ્યો હતો. પ્રોટોકોલમાં સાથે રહેનારા અધિકારીનો મંત્રી દ્વારા ક્લાસ લેવામાં આવતાં કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ પણ પોતાનું લેસન પૂરું કરવા દોડતા થઈ ગયા હતા. જેમાં એક અધિકારી રજા પર હોવા છતાં મુંબઈથી વડોદરા પહોંચી ગયા હતા.

કલેક્ટર કચેરીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રવિવારના રોજ શહેરની મુલાકાતે હતા. જેમાં તેમની સાથે વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી આર.એસ. ઠુમર રહ્યા હતા. મંત્રીએ પ્રાંત અધિકારી પાસે આરટીએસ અપીલના હુકમો અંગે રિપોર્ટ માગતાં ગ્રામ્યના 70 આરટીએસ કેસની સુનાવણી થઈ ગઈ હોવા છતાં તેનો હુકમ કરવાનો બાકી હોવાનું મંત્રીને જાણવા મળ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આગામી 3 દિવસમાં આ તમામ 70 કેસના ચુકાદા આપી દેવા માટે આદેશ કર્યો હતો. જોકે અધિકારીએ 7 દિવસની મુદત માગતાં મંત્રીએ 7 દિવસમાં તમામ 70 કેસનો ચુકાદો આપવા અલ્ટીમેટમ આપી દીધું હતું.

બીજી તરફ મહેસૂલ મંત્રી દ્વારા પ્રાંત અધિકારીનો ક્લાસ લીધો હોવાની જાણ થતાં કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા અધિકારી રવિવારે તાત્કાલિક મુંબઈથી વડોદરા દોડી આવ્યા હતા. તેમને પણ મંત્રી તેમનો ક્લાસ ન લઈ લે તે માટે જમીનના કેસોનું સ્ટેટસ ચકાસી લીધું હતું. જોકે મહેસૂલ મંત્રી દ્વારા આ અધિકારી સાથે મુલાકાત ન લેવામાં આવતાં તેમને રાહતનો દમ લીધો હતો. આખરે આ અધિકારી સોમવારે રજા મૂકીને પરત અંગત કામસર મુંબઈ રવાના પણ થઈ ગયા હતા. જોકે મહેસૂલ મંત્રી દ્વારા અપાયેલા અલ્ટીમેટમ બાદ ગ્રામ્ય પ્રાંત કચેરીમાં સોમવારથી જ તાબડતોબ કામગીરીનો દોર શરૂ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...