મારામારી CCTVમાં કેદ:UPની ચૂંટણીના ઝઘડાની અદાવતમાં વડોદરામાં એક જ કોમનાં બે જૂથનો પાઇપ-લાકડીઓથી હુમલો, ઘટના CCTVમાં કેદ

વડોદરા7 દિવસ પહેલા
બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગુરુવાર રાત્રે એક જ કોમના બે ટોળા સામ-સામે આવી ગયા હતા. ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઝઘડાની અદાવતમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

ચૂંટણીની અદાવતમાં હુમલો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગુરુવાર રાત્રે રઝા મસ્જિદ તરફ જવાના ગલીના નાકે બે જૂથ લાકડી અને પાઇપ લઇને સામ-સામે આવી ગયું હતું. જેમાં ઘાયલોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે બંને જૂથે સામ-સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. વડસર GIDC રોડ પર આવેલ કાશીબા નગરમાં રહેતા આરીફ અલી મોહંમદ અલી શેખે ફરિયાદમાં જણાવ્યું છે કે, વતન ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના સમયે થયેલા ઝઘડાની અદાવત રાખી રિયાઝ પઠાણ મારા પુત્ર સાદિક અમીન સાથે ઝઘડો કરતો હતો. જેથી હું મારા સાળા રિઝવાન શેખ અને મુરાદ નવસાદ અલી શેખને લઇને તેમને સમજાવવા ગયો હતો. પરંતુ રિયાઝ અને તેના સાથીદારો પાઇપ અને લાકડીઓ લઇને દોડી આવ્યા હતા અને અમારા પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકોને ઇજાઓ થઇ હતી.

માંજલપુરમાં ફરિયાદ નોંધાઈ
આ મામલે હુમલો કરનારા રિયાઝખાન ઇલિયાસખાન પઠાણ, આજીમ સોહીલખાન પઠાણ, ભૂરા ઇલિયાસખાન પઠાણ, મેરાજ ઇલીયાસખાન પઠાણ (તમામ રહે. રઝા મસ્જીદ પાસે, વડસર રોડ) તેમજ ફુલવેશ રફીખ મુંશી અલી શેખ (રહે. ગ્રીન વીલા સોસાયટી, તાંદલજા) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સામેના પક્ષે પણ હુમલાની ફરિયાદ
રિયાઝ ખાન પઠાણે પોતાની પોલીસ ફરિયાદમાં કહ્યુ છે કે, ગુરૂવાર રાત્રે નવ વાગ્યા આસપાસ હું ગોડાઉન બંધ કરી એક્ટિવા લઇ ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન રઝા મસ્જિદ પાસે બાજુના મહોલ્લામાં રહેતા આરીફ અને તેનો દીકરો સાદીક શેખ તથા નદીમ શેખે મને રોક્યો અને અમારા છોકરા વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ કેમ કરે છે તેમ કહી મારામારી શરૂ કરી હતી. તેમજ લાકડીઓ અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જણાને ઇજા થઇ હતી. આ મામલે આરીફ શેખ, સાદિક આરીફ શેખ, નદીમ શેખ, અંસાર શેખ, શરાફતઅલી શેખ (તમામ રહે. રઝા મસ્જીદ પાસે, વડસર) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
બે જૂથ વચ્ચે થયેલી મારમારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે. જેમાં બંને જૂથના લોકો એકબીજા પર પાઇપ અને લાકડીઓથી હુમલો કરતા નજરે પડે છે અને લોકો અફરાતફરીમાં ભાગતા નજરે પડે છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.