ઉનાળાની ગરમીમાં પાલિકાનાં તમામ સ્વિમિંગપુલ ધમધમતાં થયાં છે ત્યારે મસ યુનિ.નો પેવિલિયન ખાતેનો સ્વિમિંગપુલ એક મહિના કરતાં વધુ સમયથી બંધ છે. સ્વિમિંગ ટ્રેનર ઓક્ટોબર-2021માં નિવૃત્ત થયા બાદ સ્વિમિંગપુલ લગભગ બંધ રહ્યો છે. કોરોના પછી સ્વિમિંગપુલ ફરી શરૂ કરવા આદેશ અપાયા પણ સ્ટાફના અભાવે કાર્યરત કરાયો નથી. જેના પગલે સ્વિમર્સ જ નહીં વિદ્યાર્થી-શિક્ષક તરવૈયા સહિત 1300 લોકોે નિરાશ થયા છે. હાલમાં સ્વિમિંગ પુલ બોટિંગ ક્લબના એક કર્મીના ભરોસે છે.
સ્વિમિંગપુલમાં અગાઉ એક સ્વિમિંગ ટ્રેનર અને આસિસ્ટન્ટ ટ્રેનર હતા. ઓક્ટોબર-2021માં છેલ્લા ટ્રેનર નિવૃત્ત થઇ ગયા હતા. જોકે કોરોનાના પગલે ગાઇડ લાઇન હોવાથી સ્વિમિંગપુલ બંધ જ હતો. હવે સ્વિમિંગપુલ શરૂ કરવાના સરકારમાંથી પણ આદેશ અપાયા છે ત્યારે ટ્રેનરના અભાવે પુલ ખોલાયો નથી. નવા ટ્રેનરની ભરતી કરવાનું આગોતરું આયોજન કર્યું નહીં.
હવે નવા ટ્રેનર લાવવાના છે ત્યારે તેમને રૂા. 500ના રોજ પર લાવવાની શરત મૂકાઇ હોવાનું જાણવા મળે છે. તરણ શીખવવાની જ નહીં પણ ડૂબતાને બચાવવાની અને કોઇ ભોગ ન બને તે માટે સજ્જ રહેવાની જવાબદારીપૂવર્કની જગ્યાએ કડિયા કરતાં પણ ઓછા રોજ પર કર્મચારી લાવવાનું આયોજન સત્તાધીશો કરી રહ્યા છે. મોંઘવારીમાં 5 રવિવારની રજા બાદ કરો તો મહિને માંડ રૂા.12,500 મળે અને માત્ર નોકરીએ બાઇક પર આવે તો પણ પેટ્રોલના રૂા.800થી રૂા.1000 થાય તેમ છે.
એક લાખનો પગાર મેળવતા પ્રોફેસરો-છાત્રોની ફી સરખી
મસ યુનિવર્સિટીના સ્વિમિંગપુલમાં સ્વિમિંગ ટ્રેનર અને આસિસ્ટન્ટ સ્વિમિંગ ટ્રેનર નિવૃત્ત થયા ત્યારે તેમનો સરેરાશ પગાર મહિને 45 હજાર જેટલો હતો. નવા ટ્રેનરને ઓછા પગારે લાવવાની તૈયારી શરૂ કરી છે. કોરોના અગાઉ 150 પ્રાધ્યાપકો, શિક્ષકો અને અન્ય સ્ટાફ સ્વિમિંગ માટે આવતા હતા. વિદ્યાર્થીઓ પાસે વર્ષે રૂા.275 લેવાય છે. જ્યારે શૈક્ષણિક સ્ટાફ પાસે જેમાં 1 લાખ પગાર મેળવતા પ્રોફેસરોનો સમાવેશ થાય છે, તેમના માટે પણ રૂા.275 જ ફી જ છે.
આગામી અઠવાડિયે સ્વિમિંગપુલ શરૂ થશે
અગાઉ અમે રોજના રૂા.500ના પ્રમાણેની પ્રપોઝલ મૂકી હતી, પણ વ્યક્તિઓ ન મળતાં રૂા.800 રોજના મૂક્યા છે. એક જગ્યાની મંજૂરી મળી છે. આગામી અઠવાડિયામાં સ્વિમિંગપુલ શરૂ થઇ જાય તેવી શક્યતા છે. > હરલિન કૌર, ડાયરેક્ટર, ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન, એમએસયુ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.