PMની જાહેરાત:સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી તરીકે વિકસીત કરાશે: વડાપ્રધાન મોદી

કેવડિયા7 મહિનો પહેલા
  • કેવડીયામાં બેટરી સંચાલિત બસ, બાઈક અને કાર જ ચાલતી નજરે પડશે

PM મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયાને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી તરીકે વિકસીત કરવાની વિશ્વ પર્યાવરણ દિવસે જાહેરાત કરી છે.કેવડીયા ખાતે નિર્માણ પામેલી વિશ્વની સોથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો.તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાત મુહૂર્ત કર્યું હતું. હાલમાં જ કેવડિયા ખાતે દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ નિર્માણ થયું છે.

જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવશે
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો જ્યારે વિશ્વના નકશામાં અંકિત થયો છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક નિર્ણય લીધો છે. કેવડીયાને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી તરીકે વિકસીત કરવાની જાહેરાત મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે કરી છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઇલેક્ટ્રીક વ્હીકલ સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસ, બાઈક અને કારર જ ચાલશે. જેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા અપાશે
પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે.

2019માં પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી
પીએમ મોદીના એલાન પહેલાં 2019માં કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઈલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જે જે એલફોન્સે તે સમયે કહ્યું હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પર્યટકોની સંખ્યામાં હવે વધારો થશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનુ લક્ષ્ય છે.

ઈ-બાઈક્સ હેરફેર કરવા માટે સરળતા રહશે
તેમણે તે સમયે કેવડિયામાં દેશના સૌથી પહેલા ઈલેક્ટ્રિકલ વ્હીકલ ટુરિઝમ ઈનિશિએટિવને લોન્ચ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈકો ફ્રેન્ડલી ઈ-બાઈક્સનું લોકાર્પણ કર્યુ હતું.તે સમયે તેમણે કહ્યું હતું કે, ઈ-બાઈક્સના કારણે પર્યટકોને અહીંયા હેરફેર કરવા માટે સરળતા રહશે. સરકાર ઈ-બાઈક્સના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપશે.

યુરોપમાંથી પ્રેરણા લેવામાં આવી
કેવડિયામાં ઈ-બાઈક્સનો ઉપયોગ યુરોપમાંથી પ્રેરણા લઈને શરૂ કરાયો છે. યુરોપના દેશોમાં પર્યટકો ઈ-બાઈક્સ વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે યુરોપમાં ઈ-બાઈક્સનુ વેચાણ પણ વધ્યું છે.

જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદ
નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે. ઘનઘોર જંગલોથી ઘેરાયેલો નર્મદા જિલ્લો પ્રવાસીઓની પેહલી પસંદગી બન્યો હતો.નર્મદા જિલ્લાનું વાતાવરણ પ્રદુષણ રહિત રહે અને લીલોતરી બરકરાર રહે એ માટે નર્મદા જિલ્લામાં મોટા મોટા ઉદ્યોગો ન સ્થાપવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો. નર્મદા જિલ્લો નરેન્દ્ર મોદીનું પસંદગીનું સ્થળ હતું, તેઓ અવાર નવાર અહીંયા આવતા જ રહેતા હતા.