તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનાઇટેડ વે ઓફ બરોડાની પહેલ:કોરોના કાળમાં માતા કે પિતા ગુમાવનાર 336 વિદ્યાર્થીની 71.50 લાખ સ્કૂલ ફી ભરશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના પરિવાર ગરીબ-મધ્યમવર્ગના - Divya Bhaskar
મોટાભાગના પરિવાર ગરીબ-મધ્યમવર્ગના
  • મિશન શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત મળેલી 442 અરજી પૈકી 336ને માન્ય રખાઇ

કોરોના મહામારીમાં સેંકડો વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા કે તે પૈકી કોઇ એકને ગુમાવ્યા હતા, જેને લીધે તેમના કુટુંબની મર્યાદિત આવકને અસર પહોંચી હતી. શહેરની એનજીઓ યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આવા વિદ્યાર્થીઓની મદદ માટે ‘મિશન શિક્ષા’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ વિશે સંસ્થાના સીઓઓ ડો. બિનિતા વેરડિયાએ જણાવ્યું કે, ‘ જે કુટુંબમાં આવા મોત થયા છે તેઓ તેમના બાળકોની માનસિક અને આર્થિક રીતે મદદ કરી શકતા નથી. જેથી આ પ્રોજેક્ટ વડોદરા ઉપરાંત ભરૂચ,આણંદ, છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે.

હાલમાં અંદાજિત ખર્ચ રૂ. 71.50 લાખ થવાની ધારણા છે.’ પ્રારંભિક સરવે મુજબ સંસ્થાને 442 અરજીઓ મળી છે. જેમાંથી 336 અરજીઓ માન્ય કરવામાં આવી છે, તે પૈકીની 276ની ફી ભરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે 92 વિદ્યાર્થીઓની ફી ભરવામાં આવી છે. વડોદરામાં 270, ભરૂચમાં 44, આણંદમાં 12, પંચમહાલમાં 8, અને છોટાઉદેપુરમાંથી આવા 2 બાળકો મળી આવ્યાં છે. આ બાળકો પૈકી 313એ પિતાનું છત્ર ગુમાવ્યું છે. જ્યારે 22એ માતા તથા એક વિદ્યાર્થીના માતા અને પિતા બંનેના કોરોનામાં નિધન થયા છે.

95 વિદ્યાર્થીઓની 15000થી ઓછી. 120 વિદ્યાર્થીઓની 15 હજારથી 25 હજાર સુધી, 55 વિદ્યાર્થીઓની 25 હજારથી 50 હજાર સુધીની અને 8 વિદ્યાર્થીઓની 50000થી વધુની ફી પણ ભરવામાં આવી રહી છે. જે પરિવારોએ પોતાનો એકમાત્ર આધાર ગુમાવ્યો છે તેવા પરિવારોમાં ઓટો રિક્ષા-વાન ચાલકો, ફેરિયાઓ, દરજી, નાના દુકાન માલિકો, મજૂર, શિક્ષકો, વેતન મજૂર, ડિલિવરી બોઇઝ, એલઆઇસી એજન્સ અને મિકેનિક અને નાની કંપનીઓમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...