સંકલનનાં સૂપડાં સાફ:યુનિ. સેનેટની ચાર બેઠકો પર ટીમ MSUનો વિજય, ભાજપ સંકલન સમિતિનો પતંગ ભાર દોરીએ કપાયો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીગર ઇનામદાર, મયંક પટેલ, કિરણ પટેલ, ભાસ્કર દેસાઈ - Divya Bhaskar
જીગર ઇનામદાર, મયંક પટેલ, કિરણ પટેલ, ભાસ્કર દેસાઈ
 • ડોનર્સ કેટેગરીમાં જીગર-મયંકનો જંગી બહુમતીથી વિજય : સ્કૂલ ટીચર્સ-પ્રિન્સિપાલ કેટેગરીમાં પણ ટીમ MSUના ઉમેદવારોની જીત
 • ​​​​​​​ડોનર્સ કેટેગરીમાં 112 લોકોએ મતદાન કર્યું, જેમાંથી 3 વોટ અમાન્ય ઠર્યા હતા

મ.સ.યુનિ. સેનેટની ચૂંટણીમાં ભાજપ સંકલન સમિતિનો પતંગ ભાર દોરીએ કપાયો છે. ડોનર્સ કેટેગરીમાં જીગર-મયંકનો જંગી બહુમતીથી વિજય થયો હતો. સેકેન્ડરી સ્કૂલ ટીચર્સ અને પ્રિન્સિપાલ કેટેગરીમાં પણ ટીમ એમએસયુના ઉમેદવાર જીત્યા હતા. સત્તાધારી જૂથે તમામ 4 બેઠક જીતી લીધી હતી. કોવિડ બૂથમાં 3 મતદારોએ વોટ આપ્યા હતા. સેનેટની 38 બેઠક પૈકી 28 બેઠક પર ટીમ એમએસયુ અને 6 બેઠક પર ભાજપ સંકલન સમિતિનો વિજય થયો છે. બાકી 4 બેઠકો અન્ય ઉમેદવારો જીત્યા છે.

ડોનર્સ કેટેગરીની હાઇપ્રોફાઇલ ચૂંટણી જંગમાં જીગર ઇનામદાર અને મયંક પટેલનો વિજય થયો હતો. હેડ ઓફિસ ખાતે મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંને જૂથોના ટેકેદાર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ઉમેદવારોએ સિનિ.સિટિઝન મતદારના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. ડોનર્સ કેટેગરીમાં 112 લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી 3 વોટ અમાન્ય ઠર્યા હતા.

જીગર ઇનામદારને 88, મયંક પટેલને 90 મત મળ્યા હતા. જ્યારે વ્રજેશ પટેલને 29 અને પ્રતીક જોશીને 11 વોટ મળ્યા હતા. જીગર ઈનામદારની જીત થતાં તેમની માતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં હતાં. પ્રિન્સિપાલ કેટેગરીમાં ભાસ્કર દેસાઇને 81 મત મળ્યા હતા. સેકેન્ડરી સ્કૂલ ટીચર્સ કેટેગરીમાં કિરણ પટેલને 464 મત મળ્યા હતા. ભાજપ સંકલન સમિતિના તમામ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.

કયા ઉમેદવારને કેટલા મત મળ્યા
ડોનર્સ કેટેગરી

 • જીગર ઇનામદાર88
 • મયંક પટેલ 90
 • વ્રજેશ પટેલ 29
 • પ્રતીક જોશી 11

પ્રિન્સિપાલ કેટેગરી

 • ભાસ્કર દેસાઇ 81
 • પરેશ શાહ 19

સ્કૂલ ટીચર્સ કેટેગરી

 • કિરણ પટેલ464
 • અરવિંદ ગાંધી 77
 • દિગ્વિજયસિંહ રાઠોડ45

ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારો હવે પાછલા બારણેથી સેનેટમાં પ્રવેશ લેશે
ભાજપ સંકલન સમિતિના જે ઉમેદવારો હારી ગયા છે તે હવે સરકાર નિયુક્ત સેનેટ સભ્ય તરીકે યુનિવર્સિટીમાં પાછલા બારણે પ્રવેશ લેશે.

કોરોના નેગેટિવ આવતાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મતદાન માટે પહોંચ્યા
ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ ડોનર્સ કેટેગરી માટે મતદાન કરવા આવ્યા હતા. તેમના પરિવારના 2 સભ્યે પણ મતદાન કર્યું હતું.

વિવાદ થતાં ટેબલ-ખુરશી હટાવાયાં
એકસપરિમેન્ટલ સ્કૂલ ખાતે સ્કૂલ ટીચર્સ અને પ્રિન્સિપાલ કેટેગરીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ઉમેદવારે ટેબલ- ખુરશીઓ મૂકી હતી. જોકે સેનેટ સભ્ય નિકુલ પટેલે કોવિડ ગાઇડ લાઇનનો ભંગ થાય છે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો, જેથી વિવાદ થતાં ટેબલ-ખુરશીઓ હટાવી દીધાં હતાં.

વડફેસ્ટ સમયે યુનિવર્સિટીમાં ડોનેશન કરીને સભ્ય બનેલા અને બેંક સાથે ઠગાઇના કેસમાં બહુચર્ચિત અમિત અને સુમિત ભટનાગર પણ ડોનર્સ કેટેગરીની ચૂંટણી માટે મતદાન કરવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...