વડોદરા જિલ્લાના કરજણના બામણગામમાં નિર્માણાધિન મકાન ધરાશાયી થઈ ગયું છે, જેમાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં 2 વર્ષના બાળકનો બચાવ થયો છે.
મકાનની દિવાલ ધરાશાયી
વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા બામણગામના પટેલ ફળિયામાં પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈના મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આજે બપોરના સમયે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે કામ કરતા 3 જેટલા શ્રમિકો દબાયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુંરત જ કરજણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
શ્રમિકનું મોત
દુર્ઘટનામાં શ્રમિક રાજુ નવલસિંહ નાયક (ઉ.35), (રહે. પાધરા, તા. ઘોઘંબા, જિ. પંચમહાલ)નું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે દિપસિંહ લક્ષ્મણ બારીયા (ઉ.40)ને ઇજા થતાં કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
શ્રમિકોની સુરક્ષાને લઈને સવાલો
કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકોની સુરક્ષાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ બેજવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.