હુમલો:વડોદરામાં ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપનાર કાકાનું અપહરણ કરીને ખંજરનો ઘા ઝીંક્યો, બે ભાઇઓ સહિત ત્રિપુટી સામે ફરિયાદ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
વારસીયા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
વારસીયા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • પોલીસે અપહરણ અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ભત્રીજીની છેડતી બાબતે ઠપકો આપનાર કાકાને જબરજસ્તીથી બાઇક પર બેસાડી નજીકમાં લઇ જઇને હુમલો કરી ખંજરનો ઘા માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે વારસીયા પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ અપહરણ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વારસીયા શિવ વાટિકા સામે રહેતા અને ફ્રુટનો વેપાર કરતા કનુભાઈ દેવી પૂજકે ફરિયાદ નોંધાવી હતી કે, મારો નાનોભાઈ મનુભાઈ દેવીપૂજક ભંગારનો છૂટક ધંધો કરે છે. તેની 16 વર્ષીય દીકરીને કાળીયાભાઈ દેવીપૂજક પરેશાન કરતો હોવાથી રજૂઆત કરતાં સમાધાન થયું હતું. બે દિવસ અગાઉ કાળીયો દેવીપૂજક તથા તેનો મિત્ર ઘસી આવ્યા હતા. જેથી મેં તેમને જણાવ્યું હતું કે, તમે અહીંથી પાછા જતા રહો ભત્રીજીનો લગ્ન પ્રસંગ હોય મહેમાનો આવ્યા છે. આ દરમિયાન કાળીયાએ મને જબરજસ્તીથી તેની બાઈક ઉપર બેસાડી દીધો હતો અને પટેલ પાર્કના નાકા પાસે મને અપશબ્દો બોલી માર માર્યો હતો.

આ દરમિયાન કાળીયાનો ભાઈ સુનીલ દેવીપૂજક ઘરેથી ખંજર લઈ દોડી આવ્યો હતો અને મારી ઉપર હુમલો કરી પગના ભાગે ખંજર ભોકતા ઈજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કાળીયા, તેના ભાઈ સુનીલ અને કાળીયાના મિત્ર વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...